ધરમપુર : વલસાડ તાલુકાના વેલવાચ ગામમાં પૂજા કરવાના રૂમમાં ભરાયેલા દીપડાને ઘરની દીકરી નિરાલી પટેલે જોઈ લેતા બૂમાબૂમ કરી હતી. તે સમયે ઘરનો દરવાજો બંધ કરવા જતા ૬૦ વર્ષના કાકી તથા તેમની વહુને દીપડાએ પંજા મારી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. આ વાતને લઈને આખા ધરમપુર પંથકમાં ભારે હાહાકાર મચી ગયો છે.
દીપડાએ ૪૭ વર્ષના મનિષાબેન મુકેશભાઈ પટેલને પીઠના ભાગે બચકું ભરી લઈ હાથમાં પણ બચકું ભરી લીધું હતું. જ્યારે કમલાબેન ચંદુભાઈ પટેલને મોંઢા ઉપર દીપડાએ પંજો મારી ઘાયલ કર્યા હતા. જોકે લોકો દોડી આવતા દીપડો ભાગી છૂટયો હતો. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 માં ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
વલસાડ તાલુકાના વેલવાચ ગામનાં કુંડી ફળીયામાં રહેતા મુકેશભાઈ પટેલનાં પત્ની મનિષાબેન પટેલ (ઉં.વ. 47) ઘરના આગળના ભાગમાં ખેતરમાં તરુ નાંખવાની કામગીરીમાં જોતરાયા હતાં. બાદમાં સાંજે 5.30 કલાકે મનિષાબેનની દીકરી નિરાલી પોતાના ઘરના પૂજાના રૂમમાં પહોંચતા ત્યાં દીપડો બેસેલો જોતા નિરાલીએ ઘરની બહાર દોડી જઈ બૂમાબૂમ કરતા તેની માતા દોડી આવી હતી અને ઘરનો દરવાજો બંધ કરવાનો પ્રયાસ કરતાં દીપડાએ મનિષાબેન ઉપર હુમલો કરી પીઠના ભાગે બચકું ભર્યું હતું.
બાદમાં હાથમાં બચકું ભરી લેતા મનિષાબેન જમીન ઉપર પડી ગયા હતા. દીપડો ઘરની બહાર દોડી આવતાં ઓટલા ઉપર બેસેલા મનિષાબેનનાં કાકી કમલાબેનને મોઢા ઉપર પંજો મારી ઘાયલ કર્યા હતા. આ સમયે આજુબાજુના લોકો દોડી આવતાં દીપડો ત્યાંથી ભાગી છુટ્યો હતો.
આ બનાવ બાદ ગામનાં સરપંચ અમરત પટેલને જાણ થતાં તેઓ તાત્કાલિક મુકેશ પટેલનાં ઘરે પહોંચી ગયા હતા. અને 108 એમ્બ્યુલન્સ બોલાવી ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલમાં બંને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડ્યા હતા. સરપંચ અમરત પટેલે વલસાડ વન વિભાગને દીપડાને પકડવા પાંજરું મૂકવાની માંગ કરી હતી.