વાપી: (Vapi) વાપીના છરવાડામાં આવેલા ફ્લેટની બારી ભૂલથી ખુલ્લી રહી જતા રોકડા 20 હજાર તથા સોના-ચાંદીના ઘરેણા મળી કુલ રૂ.90 હજારની ચોરી (Theft) થઈ હતી. જે પ્રકરણમાં ઘરની મહિલાએ (Lady) જ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે (Police) ચોરાયેલા રોકડા અને ઘરેણાં કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- ‘ઘર કા ભેદી લંકા ઢાયે’ પોતાના જ ઘરમાંથી મહિલાએ રોકડ અને ઘરેણાની ચોરી કરી
- વાપીના છરવાડામાં ફ્લેટની બારી ખુલ્લી રહી જતા રોકડા 20 હજાર તથા સોના-ચાંદીના ઘરેણા ચોરાયા હતા.
- ફ્લેટધારકની પત્ની ચોરીના રૂપિયા તથા ઘરેણા લઈ યુપી ભાગી જવાની ફિરાકમાં હતી
વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ યુપીના વતની અને હાલ વાપી નજીકના છરવાડા ગામ, હીરાનગર હેમી એપાર્ટમેન્ટના ફ્લેટમાં સત્યપ્રકાશ રામાસીંગ (ઉં.28) પરિવાર સાથે રહે છે. તેઓના ફ્લેટની ગ્રીલ વગરની ફ્લેકસીબલ બારી ભૂલથી બંધ કરવાની રહી ગઈ હતી અને તસ્કર પ્રવેશી ઘરના કબાટમાં રાખેલા રોકડ તથા સોના-ચાંદીના ઘરેણા મળી કુલ રૂ.90 હજારની ચોરી કરી ગયાની ફરિયાદ વાપી ડુંગરા પોલીસ મથકમાં નોંધાવી હતી.
જે બાદ પોલીસ અધિક્ષકની સૂચના-માર્ગદર્શન હેઠળ ચોરીનો ભેદ ઉકેલવા માટે અલગ-અલગ પોલીસ ટીમો બનાવી હતી. જે દરમિયાન ફ્લેટમાં ચોરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ ફ્લેટધારકની પત્ની અંશીકા સત્યપ્રકાશ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે બાતમીના આધારે અંશીકા ચોરીના રૂપિયા તથા ઘરેણા લઈ યુપી જવાની ફિરાકમાં હતી અને પોલીસે તેની અટક કરી લીધી હતી. રોકડા તથા સોના-ચાંદીના ઘરેણા મળી કુલ રૂ.91,100 નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વિજલપોરની રેડીમેડ કપડાની દુકાનનો વેપારી જ ઘરફોડ ચોર નીકળ્યો
નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે ઘરફોડ ચોરી કરનાર રેડીમેડ કપડાની દુકાન ચલાવનાર વેપારીને ઝડપી પાડી કુલ 7.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ગાંધી રેલવે ફાટક ઓવરબ્રિજના પશ્ચિમે વોચમાં રહ્યા હતા.
દરમિયાન સફેદ રંગની પલ્સર બાઇક (નં. એમએચ-39-એએચ-2002) ને રોકી વિજલપોર હિંગળાજ માતાના મંદિરની બાજુમાં રહેતા જિમી ઉર્ફે દિપક બીપીનભાઈ શર્માને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા પોતે બાઇક ઉપર દિવસ દરમિયાન સોસાયટીઓમાં ફરતો હતો અને સોસાયટીમાં કોર્નરના બંધ ઘરો/ફ્લેટના નકુચા ડિસમિસ વડે તોડી નાંખી ઘરમાં પ્રવેશ કરતો હતો. જ્યાં ઘરમાંથી દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરતો હતો. વિજલપોરમાં રહી રેડીમેડ કપડાની દુકાન ચલાવી વેપાર કરતો હતો. દરમિયાન નવસારી રંગુન નગર કરિશ્મા ગાર્ડનમાં ફ્લેટમાંથી અને એરૂ સીતારામ નગરમાં ઘરમાંથી ઘરફોડ ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. પોલીસે આરોપી જિમી ઉર્ફે દિપક પાસેથી 6,53,330 રૂપિયાના સોના-ચાંદીના દાગીના, રોકડા 3540 રૂપિયા, 50 હજારની બાઇક અને 5500 રૂપિયાના 2 મોબાઈલ મળી કુલ્લે 7,12,370 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.