ઉમરગામ: (Umargam) ભીલાડ હાઇવે (Highway) ઉપર ટેમ્પો પાછળ કાર (Car) ઘૂસી જતાં અકસ્માતમાં (Accident) કાર ચાલક સહિત બે જણાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે પાંચ જણાને ઈજા પહોંચતા વાપી (Vapi) હરિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાસકાંઠાનો પરિવાર મુંબઈ જોગેશ્વરી જઈ રહ્યો હતો ત્યારે ભિલાડ હાઇવે ઉપર અકસ્માત નડ્યો હતો.
- ભીલાડ હાઇવે ઉપર ટેમ્પો પાછળ કાર ઘૂસી જતાં અકસ્માતમાં કાર ચાલક સહિત બે જણાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત
- બનાસકાંઠાનો પરિવાર મુંબઈ જોગેશ્વરી જઈ રહ્યો હતો
- ટેમ્પો ચાલકે સિગ્નલ લાઈટ બતાવ્યા વગર અચાનક વળાંક લઇ બ્રેક મારતા ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
- સાત જણા કિયા કેરેન્સ કાર નંબર જીજે ૦૮-સીએમ-૦૫૩૪માં બેસીને શનિવારે સાંજે ફિરોજપુરથી મુંબઈ જોગેશ્વરી જવા નીકળ્યા હતા
ભીલાડ હાઇવે ઉપર રવિવારે સવારે ચાર વાગ્યાના સુમારે ટેમ્પો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠાના વડગામ તાલુકાના ફિરોઝપુર પરમાર વાસના ફરીયાદી મોહમદભાઈ શાકીરભાઇ સાલેહ તેમના પિતા શાકીરભાઇ અબ્દુલભાઈ સાલેહ, બનેવી રિઝવાન અબ્બાસભાઈ સુનસરા, પત્ની લતીફા તથા સંબંધી ઉમરભાઈ હબીબુલ રહેમાન મહેસાણીયા તથા તેમની પત્ની ખદિજાબેન તથા સોબાનભાઈ જુબરભાઈ કડીવાલા મળી કુલ સાત જણા કિયા કેરેન્સ કાર નંબર જીજે ૦૮-સીએમ-૦૫૩૪માં બેસીને શનિવારે સાંજે ફિરોજપુરથી મુંબઈ જોગેશ્વરી જવા નીકળ્યા હતા.
કાર શાકિર સાલેહ ચલાવી રહ્યા હતા, ત્યારે રવિવારે સવારના ચારેક વાગ્યાના સુમારે વાપીથી આગળ મુંબઈ તરફ જતા હાઇવે ઉપર ભીલાડ રેલવે ફાટક ત્રણ રસ્તા પાસેથી પસાર થતા હતા તે સમયે કારની આગળ ચાલતા ટેમ્પો જીજે ૧૫-એટી-૪૮૬૦ ના ચાલકે સિગ્નલ લાઈટ બતાવ્યા વગર અચાનક વળાંક લઇ બ્રેક મારતા કાર પાછળથી ટેમ્પોમાં ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક શાકીરભાઇ સાલેહ તથા ખદિજાબેન મહેસાણીયાનું સ્થળ ઉપર જ મોત નીપજવા પામ્યુ હતું.
આ અકસ્માતમાં કારમાં સવાર મોહમદભાઈ સાકીરભાઇ સાલેહ, રિઝવાન સુનસરા, લતીફા તથા ઉમરભાઈ મહેસાણીયા તથા સોબાનભાઈ કડીવાલાને ઈજા પહોંચતા વાપી હરિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટેમ્પો ચાલક નાસી ગયો હતો. આ બનાવ સંદર્ભે ભિલાડ પોલીસ સ્ટેશનમાં મોહમદભાઈ શાકિરભાઇ સાલેહએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.