SURAT

વ્રતની ઉજવણી અલગ છે પણ શ્રધ્ધા છે એક સમાન

આપણો દેશ તહેવારોથી ભરેલો દેશ છે ને આ તહેવારોમાં ખાસ કરીને ધાર્મિક મહત્ત્વ ધરાવતાં તહેવારો ખાસ જોવા મળે છે. દરેક તહેવારની ઉજવણી પાછળ એક ખાસ હેતુ રહેલો હોય છે અને સદીઓથી ચાલતા આવતા આ તહેવારોને લોકો આજે પણ શ્રદ્ધાથી ઉજવે છે અને માને પણ છે. એક વાત છે કે આજે ટેક્નોલોજી બદલાવા સાથે જ લોકોની માનસિકતામાં પરિવર્તન જરૂરથી આવ્યું છે અને તહેવારોની ઉજવણીનું રૂપ પણ બદલાયું છે પરંતુ તેમ છતાં લોકો આપણી સંસ્કૃતિને વળગી રહ્યાં છે. હાલમાં જ જયાપાર્વતી, અલૂણાં વ્રતનો પ્રારંભ થયો છે અને આપણી માન્યતા પ્રમાણે આ વ્રત સારા પતિની કામના માટે કુમારિકાઓ દ્વારા કરવામાં આવે છે. જો કે પહેલાંના પ્રમાણમાં આજની ઉજવણીનો રંગ બદલાયો છે. પહેલાં ઉજવણી કેવી રીતે કરવામાં આવતી હતી અને આજની પેઢી કેવી રીતે ઉજવણી કરે છે તે જાણવા માટે અમે કેટલીક મધર્સ અને ડૉટર્સ સાથે વાત કરી. ચાલો જાણીએ મમ્મીઓ અલૂણાંમાં શું કરતી હતી અને આજે દીકરીઓ કઈ રીતે આ પર્વની ઉજવણી કરે છે?

જાગરણના દિવસે બહેનપણીઓ મળીને રાત્રે અંતાક્ષરી કે ગરબા રમતાં: મિત્તલ તલસાણિયા
નવસારી ખાતે રહેતાં 35 વર્ષીય હાઉસવાઈફ મિત્તલ તલસાણિયા કહે છે કે, ‘’અમે તો ચોમાસાની શરૂઆત થાય અને બહેનપણીઓ સાથે જયાપાર્વતી વ્રતની તૈયારીમાં લાગી જતાં હતાં. કેવાં કપડાં પહેરવાં, ક્યાં ફરવા માટે જવું તેમ જ પૂજા કરવા વગેરેનું પ્લાનિંગ તો થઇ જ જાય અને સાથે જ જાગરણ હોય ત્યારે તો અમારા માટે અમારા ઘરવાળા જ નહિ પરંતુ આખી સોસાયટી કે મહોલ્લાના લોકો જાગતા રહેતા. વ્રતના છેલ્લા દિવસે એટલે કે જાગરણના દિવસે અમે બધી બહેનપણીઓ મળીને રાત્રે અંતાક્ષરી કે ગરબા વગેરે રમતાં તો ક્યારેક મોટા પડદા પાર સામૂહિક રીતે મુવી જોવાનું આયોજન પણ કરવામાં આવતું હતું જે આજે જોવા મળતું નથી.’’

સ્કૂલના કારણે વધારે એન્જોય નથી કરી શકતી : દ્વિતિ તલસાણિયા
મિત્તલ તલસાણિયાની 9 વર્ષીય દીકરી દ્વિતિ પણ જયાપાર્વતી વ્રત કરે છે અને ખાસ્સી ઉત્સાહિત હોય છે. દ્વિતિ કહે છે કે, ‘’હું 5 વર્ષની હતી ત્યારથી મેં વ્રત કરવાની શરૂઆત કરી હતી. મારી બીજી ફ્રેન્ડ પણ આ વ્રત કરે છે અને મારી મમ્મી પણ આ વ્રત કરતી હતી એટલે હું પણ આ પાંચ દિવસ મીઠા વગરનું જમવાનું જમીને અને પૂજા કરીને આ વ્રત કરું છું પણ આ દરમિયાન અમારી સ્કૂલ ચાલુ હોય એટલે રોજ સવારે પૂજા કરવા માટે મંદિરે જવાનું શક્ય નથી હોતું તેમ જ જાગરણના દિવસે પણ માત્ર પરિવારજનો સાથે જ ટીવી જોઈને કે મોબાઈલમાં કોઈક ગેમ રમીને સમય પસાર કરવો પડે છે પણ મને આ દિવસોમાં મહેંદી મૂકવી વધારે ગમે છે એટલે હું તો અગાઉથી જ મહેંદી મુકાવી દઉં છું અને ટ્રેડિશનલ કપડાં પણ મમ્મી જે નક્કી કરે એ પ્રમાણે પહેરું છું જે રૂટિનમાં અલગ લાગે છે.’’

સ્કૂલમાં વ્રતને લગતી હરીફાઈઓ યોજાતી: નેહા કાચા
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતાં 46 વર્ષીય ટીચર નેહા કાચા કહે છે કે, ‘’લગ્ન પહેલાં હું તો ગામડામાં રહેતી હોવાથી જયાપાર્વતી વ્રતમાં જવારા વાવવાથી લઈને પાડોશીઓના ઘરે ઉંબરા પૂજવા પણ જતી હતી. વ્રત પહેલાં જ હાથોમાં મહેંદી મુકાતી, રોજ નવાં કપડાં પહેરીને બહેનપણીઓ સાથે મંદિરમાં પૂજા કરવા માટે જતાં તેમ જ સાંજે ભેગા મળીને કયાંક નજીકમાં ફરવા જવાનો પ્રોગ્રામ તો આ પાંચ દિવસ દરમિયાન હોય જ. જો કે આટલા દિવસો સ્કૂલે તો જવું જ પડતું પણ એની પણ મજા એ હતી કે ત્યારે સ્કૂલમાં કેશગુંફન, મહેંદી, ગજરા મેકિંગ જેવી વ્રતને લગતી હરીફાઈઓ યોજાતી હતી જેની મજા જ કંઈક અલગ હતી. આજે તો ક્યારે વ્રત આવી પૂરાં થઇ જાય છે એ ખબર જ નથી પડતી.’’

ઘરે ટીવી જોઈને જ જાગરણ કરવું પડે છે : મુસ્કાન કાચા
નેહા કાચાની 14 વર્ષીય દીકરી મુશ્કાન કહે છે કે, હું 5-6 વર્ષની હતી ત્યારે મેં અલૂણાંવ્રત કરવાની શરૂઆત કરી હતી. એ સમયે અમે સુરત નજીકના ગામડામાં રહેતાં હતાં અને મમ્મી મને સરસ તૈયાર કરીને આસપાસનાં ઘરોના ઉંબરા પૂજવા માટે મોકલતી હતી એ થોડું યાદ છે પરંતુ પછી અમે સુરતમાં રહીએ છીએ અને હું વ્રત કરું છું પણ સ્કૂલ, ટ્યુશનના કારણે બીજો સમય જ નથી મળતો પણ જાગરણની રાત્રે ફેમિલી સાથે શહેરની અલગ અલગ જગ્યાએ ફરવા માટે જઈએ. જ્યાં અમારી જેમ જ વ્રત કરનારી છોકરીઓ તેના પરિવાર સાથે જોવા મળે છે. આ સિવાય ઘરે ટીવી જોઈને જ જાગરણ કરવું પડે છે.’’

દીકરીને હવે નથી કરાવતી : દીપિકા પટેલ
નવસારી ખાતે રહેતાં 43 વર્ષીય હાઉસવાઈફ દીપિકા પટેલ કહે છે કે અમે બહેનો મળીને તો વ્રતમાં ઘણી મજા કરતાં હતાં. મમ્મી અમારાં માટે ડ્રાયફ્રૂટ્સ અને સાદી વેફર્સ લાવીને મૂકી દેતી એટલે અમારો દિવસ તો રમવામાં, ફરવામાં અને ખાવાપીવામાં જ નીકળી જતો. સ્કૂલમાં પણ ઘણી સ્પર્ધાઓ યોજવામાં આવતી એટલે ભણવામાંથી મુક્તિ મળતી એ તો અલગ. મમ્મી રોજ સરસ તૈયાર કરીને મોકલતી અને આ પાંચ દિવસ અમારી ઘણી ડિમાન્ડ પૂરી થતી એટલે હું તો મોળું ખાવાનું પણ હોંશથી ખાઈ લેતી. જો કે એ સમયે વ્રતનું મહત્ત્વ તો જાણતાં હતાં પણ હવે સમજાય છે કે, આજની પેઢી હવે સારા પતિ મેળવવા કરવામાં આવતાં આ વ્રતને માનતી નથી. મારી દીકરીની જ વાત કરું તો એક વર્ષ માટે મેં તેને વ્રત કરાવ્યું હતું પણ હવેના જમાનામાં આવું માનવા માટે મન નથી માનતું એટલે મને ભગવાનમાં શ્રદ્ધા છે પણ હવે વ્રત નથી કરાવતી.’’

વ્રત કરવા કરતાં ભગવાનમાં શ્રદ્ધા જરૂરી છે : માધવી પટેલ
દીપિકા પટેલની દીકરી માધવી કહે છે કે, ‘‘હું નાની હતી ત્યારે એક વાર મમ્મીએ વ્રત કરાવ્યું હતું પણ પછી બંધ કરી દીધું. મને એ તો નથી ખબર કે આ વ્રત કરવાથી સારો પતિ મળે કે નહિ પણ હું ભગવાનમાં પૂરી શ્રદ્ધા ધરાવું છું અને મારી મમ્મીએ મારા માટે જે વિચાર્યું તે યોગ્ય જ હશે એમ માનીને હું વ્રત ન કરવાનો અફસોસ નથી કરતી અને મારી જે ફ્રેન્ડ આ વ્રત કરે છે તેઓની શ્રદ્ધાને ઠેસ લાગે એવું વર્તન પણ નથી કરતી. હું વિચારું છું કે જે નસીબમાં હોય એ જ થાય છે એટલે આ વ્રત ન કરવાનો અફસોસ નથી.’’

શહેરમાં જાગરણની મજા જોવા નથી મળતી.: ડૉલી વોરા
સચિન ખાતે રહેતાં 41 વર્ષીય ડૉલી વોરા કહે છે કે, ‘‘મારું પિયર હિંમતનગર ખાતે હતું. મારી મમ્મી ધાર્મિક વૃત્તિની હોવાથી પોતે પણ ઘણાં વ્રત અને ઉપવાસો કરતી અને અમને પણ ઘણું શીખવાડતી હતી એટલે બાળપણથી જ અમે અલૂણાં અને જયાપાર્વતી વ્રત કરતાં હતાં. આ પાંચ દિવસો અમારા માટે ખાસ રહેતા. ઘરમાં અમારા માટે અલગથી ડબ્બાઓમાં મોળો મીઠા વગરનો નાસ્તો આવી જતો પણ સવારે વહેલા ઊઠીને નાહીધોઈને મંદિરે પૂજા કરવા જવાનું કમ્પલસરી હતું. પાંચ દિવસના અલગ કપડાં અને હેરસ્ટાઇલ કરીને બહેનપણીઓ સાથે રમવાની ઘણી મજા પડતી. જોતજોતામાં પાંચ દિવસ પૂરા થઇ જતાં ને જાગરણના દિવસે અમારા ગામમાં VCR પર મુવી જોવાનો ખાસ પ્રોગ્રામ બનાવવામાં આવતો. એ સમયે મુવીમાં ઝાઝી સમજ તો નહિ પડતી પણ બધા સાથે જાગવાની મજા આવતી. આજે શહેરમાં જાગરણની આ મજા જોવા નથી મળતી.’’

મને તો અત્યારે ફ્રેન્ડ સાથે મજા આવે: ફેરી વોરા
ડોલી વોરાની 9 વર્ષીય દીકરી ફેરી કહે છે કે, ‘‘હું જયા પાર્વતી વ્રત કરું છું અને મોળું જમીને ઉપવાસ પૂરા કરું છું. મારી મમ્મી મને એમના સમયની વાત કરે છે એ સાંભળવાનું પસંદ છે પણ હવે એવો સમય અને માહોલ નથી મળતો એટલે અમે તો બધી ફ્રેન્ડ્સ એકબીજાના ઘરે જઈએ છીએ અને જાગરણના દિવસે જાહેર ગાર્ડન કે પછી ઘરે મૂવી જોઈને સમય પસાર કરીએ છીએ. આ પાંચ દિવસો દરમિયાન બધી ફ્રેન્ડ સાથે સમય પસાર કરવા મળતો હોવાથી વધુ મજા આવે છે.’’
જમાનો ભલે ગમે તેટલો બદલાઈ જાય પણ આપણી કેટલીક ધાર્મિક પરંપરાઓ વર્ષોથી ચાલી આવે છે. જો કે સમય સાથે ઉજવણીમાં પરિવર્તન જરૂર આવ્યું છે અને અમુક લોકો હવે તેને શ્રદ્ધા અને વિશ્વાસની દ્રષ્ટિએ મૂલવે છે પણ તેમ છતાં જેતે સ્વરૂપે પણ આપણાં પરંપરાગત વ્રત ઉજવાય છે એ જોતાં લાગે છે કે આજની પેઢી આજે પણ આપણી સંસ્કૃતિ જાળવવામાં માને છે. અલબત્ત આજે ભણતરના ભારને લઈને દીકરીઓ મમ્મીઓએ જે મજા કરી હતી એ કરી શકતી નથી.

Most Popular

To Top