મુંબઈ : બોલીવુડ એક્ટર સંજય મિશ્રાની (Sanjay Mishra) શોર્ટ ફિલ્મ (Short film) ‘ગિદ્ધ : ઘ સ્કેવેન્જર’ (giddh the scavenger) એ એશિયા 2023 શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ઈવેન્ટમાં એશિયા ઈન્ટરનેશનલ કોમ્પિટિશન જીતી છે. આ ફિલ્મ માટે એક્ટર સંજય મિશ્રાને બેસ્ટ એક્ટરનો અને આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો પણ અવોર્ડ મળ્યો છે. એટલું જ નહીં આ ફિલ્મ ઓસ્કર (Oscar) અવોર્ડ માટે પણ ક્વોલિફાય થઈ છે.
સંજય મિશ્રાની આ હિન્દી શોર્ટ ફિલ્મ ગિદ્ધનું ડિરેક્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મનીષ સૈનીએ કર્યું છે. આ ફિલ્મમાં સંજય મિશ્રાએ એવા વૃદ્ધ વ્યક્તિની ભુમિકા ભજવી છે જેની પાસે કમાણી કરવાનું કોઈ સાધન નથી. તેથી તે ભુખ સંતોષવા માટે તેઓ એવા પગલા ભરે છે કે જેના કારણે તેમનું જીવન બદલાઈ જાય છે. આ ફિલ્મ સમાજને આયનો બતાવે છે.
યુએસએ ફિલ્મ ફેસ્ટિવલ 2023ની જ્યુરીએ પસંદગી કરી
આ ફિલ્મની યુએસએ ફિલ્મ ફેસ્ટિવલ 2023ની જ્યુરી દ્વારા ફાઈનલિસ્ટ તરીકેની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ હિન્દી શોર્ટ ફિલ્મ LA શોર્ટ્સ ઈન્ટનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023 અને કોમોર્થન બે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023 જેવા પ્રતિષ્ઠિત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓફિશિયલ પસંદગી કરવામાં આવી હતી.
સંજય મિશ્રાએ ગ્લોબ લેવલ પર ફિલ્મની પસંદગી થતા દરેકનો આભાર વ્યક્ત કર્યો
ગ્લોબલ લેવલ પર પોતાની શોર્ટ ફિલ્મ ફાઈનલિસ્ટ થતા સંજય મિશ્રાએ જણાવ્યું હતું કે હું દરેકનો આભારી છુ કે તમે ફિલ્મને આટલો બધો પ્રેમ આપ્યો. આ ગિદ્ધ ફિલ્મની સફર મારા માટે યાદગાર સફર છે. જેને હું ક્યારે પણ નહી ભુલી શકું. તેમણે વધુ કહ્યું ફિલ્મમાં કામ કરનાર દરેક વ્યક્તિ ઉત્તમ છે. આ ફિલ્મ અને ફિલ્મમાં કામ કરનાર દરેક વ્યક્તિએની સાથેનો મારો અનુભવ હું હંમેશા યાદ રાખીશ.
ફિલ્મ માટે કરેલી મહેનત વિશે સંજય મિશ્રાએ જણાવ્યું હતું કે અમારી આ ગિદ્ધ ફિલ્મની જર્નીમાં આવનારા તમામ પડકારોનો અમે સામનો કર્યો છે. ફિલ્મા બતાવવામાં આવેલ દરેક સીન માટે અમે ખુબ જ મહેનત કરી છે. અમે કલાકો સુધી બેસીને આ ફિલ્મ માટે કામ કર્યુ છે અને શક્ય તેટલા પ્રયાસો કર્યા છે. જે આ ફિલ્મની સફળતા પાછળનું મોટુ કારણ છે.