SURAT

ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થતા સપાટી વધી

સુરત: સુરત (Surat) સહિત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) સતત ચોથા દિવસે પણ વરસાદની (Rain) હેલી યથાવત રહી છે. પાંચેય જિલ્લામાં અનરાધાર વરસાદ વરસવાને પગલે અનેક વિસ્તારોમાં અને માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. બે ઈંચ થી લઈને નવ ઈંચ જેટલો ભારે વરસાદ ઝીંકાવાને કારણે તંત્ર પણ દોડતું થયું છે. સુરત જિલ્લાના બારડોલી (Bardoli), મહુવા (Mahuwa) અને પલસાણામાં (Palsana) ચારથી લઈને આઠ ઈંચ વરસાદ નોંધાતા આ ત્રણેય તાલુકા બેટમાં ફેરવાઈ ગયા છે. આંતરિક રસ્તાઓ અને બ્રિજ ધોવાઈ જતા લોકોની હાલત કફોડી બની ગઈ છે.

મેઘરાજાએ નવસારી જિલ્લાને ધમરોળી નાંખ્યો હોય તેમ તમામ તાલુકાઓમાં ચારથી પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. તાપી (Tapi) જિલ્લામાં પણ વરસાદને તેની મહેર વરસાવતા અઢી ઈંચ થી લઈને નવ ઈંચ સુધી જયારે ડાંગ (Dang) જિલ્લામાં અહીંથી પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.

સુરત શહેરની વાત કરવામાં આવે તો શુક્રવારે સવારથી બપોર સુધી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ વરાછામાં પડ્યો છે. બપોરે 12 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 54 મી.મી, વરાછા એ ઝોનમાં 69 મી.મી, વરાછા બી ઝોનમાં 81 મી.મી, રાંદેર ઝોનમાં 48 મી.મી, કતારગામ ઝોનમાં 62 મી.મી, ઉધના એ ઝોનમાં 41 મી.મી, ઉધના ઝોન બીમાં 69 મી.મી અને અઠવા ઝોનમાં 51 મી.મી વરસાદ વરસ્યો છે.

ઉકાઈ ડેમમાં 11 હજાર ક્યુસેક પાણીની આવક
તાપી જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદની સાથે ઉકાઈ ડેમમાં (Ukai Dam) નવા નીર આવવાની શરુઆત થઈ છે. આજે સવારે આઠ વાગ્યે ઉકાઈ ડેમની સપાટીમાં નજીવો વધારો થવાની સાથે 308.46 ફુટ નોંધાઈ હતી અને ડેમમાં 11,685 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જયારે 600 ક્યુસેક ડિસ્ચાર્જ નોંધાયો છે. મોન્સુનની (Monsoon) શરુઆતની સાથે જ દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા નીરની શરુઆત થઈ છે.

સુરત, તાપી અને વલસાડમાં 96 માર્ગો બંધ
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન બની ધોધમાર વરસી રહ્યા છે. સતત પડી રહેલા બારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં અને માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો પલસાણામાં 6, બારડોલીમાં 16, ચોર્યાસીમાં 1 અને માંડવીમાં 2 મળી 26 જેટલા પંચાયતના માર્ગો બંધ કરવામાં આવ્યા છે જયારે તે જ પ્રમાણે તાપી જિલ્લામાં પંચાયતના 61 જેટલા માર્ગો જયારે વલસાડ જિલ્લામાં પંચાયતના 9 માર્ગો બંધ કરવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
સુરત જિલ્લાના ઓલપાડમાં 1 મી.મી., કામરેજ 31 મી.મી, સુરત સીટી 12 મીમી, ચોયાર્સી 19 મી.મી, પલસાણા 180 મી.મી, બારડોલી 139 મી.મી, માંગરોળ 26 મી.મી, ઉમરપાડા 48 મી.મી, મહુવા 225 મી.મી, માંડવી 76 મી.મી, જ્યારે વલસાડમાં 49 મી.મી, ઉમરગામમાં 74 મી.મી, વાપીમાં 53 મી.મી, કપરાડામાં 90 મી.મી, ધરમપુરમાં 82 મી.મી, નવસારીમાં 128 મી.મી, જલાલપોરમાં 122 મી.મી, ગણદેવીમાં 117 મી.મી, ચીખલીમાં 122 મી.મી, વાંસદામાં 119 મી.મી, ખેરગામમાં 105 મી.મી., આહવામાં 102 મી.મી, સાપુતારામાં 67 મી.મી, વઘઈમાં 125 મી.મી, સુબીરમાં 115 મી.મી., વ્યારામાં 193 મી.મી, વાલોડમાં 226 મી.મી, ડોલવણમાં 182 મી.મી, કુકરમુંડામાં 117 મી.મી, ઉચ્છલમાં 65 મી.મી, નિઝરમાં 70 મી.મી અને સોનગઢમાં 121 મી.મી વરસાદ પડ્યો છે.

Most Popular

To Top