વ્યારા: ચોમાસાએ (Monsoon) મોડે મોડે પરંતુ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સમગ્ર રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. જેના લીધે અનેક ડેમો (Dam) છલકાયા (OverFlow) છે. અનેક માર્ગો બંધ કરવા પડ્યા છે. તાપી (Tapi) જિલ્લામાં પણ 48 કલાક કરતા વધુ સમયથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.
ઉકાઈ ડેમમાં (UkaiDam) આવક શરૂ થઈ છે. ઉપરવાસમાં આવેલ નિઝર, કુકરમુંડા માં બે દિવસ દરમિયાન પડેલ ધોધમાર વરસાદ ના કારણે ડેમ માં પાણીનો ઇનફ્લો શરૂ થયો છે તો બીજી તરફ સોનગઢમાં (Songadh) આવેલા ડોસવાડાનો ડેમ (DoswadaDam) ઓવરફ્લો થયો છે, જેના લીધે 10થી વધુ ગામોને એલર્ટ (Alert) કરવામાં આવ્યા છે.
આ અગાઉ તાપી જિલ્લામાં ગુરુવારે ધોધમાર વરસાદ પડતાં ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. ખેતરોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ નદી, નાળાં, કોતરો વરસાદી નવા નીરથી છલકાઈ ઊઠ્યાં છે. કુકરમુંડામાં આવેલા રાજપુર ગામની સીમમાંથી પસાર થતી ઉની નદી છલકાઈ હતી. જેના કારણે કેવડામોઇ, તુલસા અને મોરંબા ગામમાં પાણી ફરી વળ્યા હતા.
ભારે વરસાદને લઈ જનજીવન પર અસર જોવા મળી હતી. કુકરમુંડા, નિઝર, વ્યારા, ડોલવણના નીચાણના વિસ્તારનાં ગામોમાં 50થી વધુ ઘરોમાં પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક તંત્ર ગામોમાં પહોંચ્યું હતું.
તાપી જિલ્લાના સાતેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગુરુવારે સાંજે 4 વાગ્યા સુધીમાં 30 જેટલા ગ્રામીણ વિસ્તારના અંતરિયાળ માર્ગો પરના વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. વ્યારા કણજા ફાટક પાસે તેમજ ડોસવાડા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. તે સિવાય મિશન નાકા, જનકનાકા, કાનપુરા, માલીવાડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા.
તાપી જિલ્લામાં કુલ 30 જેટલા કોઝ-વે ઓવર ટોપ, કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત
વ્યારા: તાપી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદના પગલે, જિલ્લામાં વહીવટી તંત્ર સાબદું બની ગયું છે. ગુરુવારે જિલ્લામાં સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 30 જેટલા કોઝ-વે ઓવર ટોપ થયા હતા. આ સાથે જિલ્લા સહિત તાલુકા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે.
તાપી જિલ્લામાં આવેલ કોઝ-વે વધુ વરસાદને કારણે ઓવરફલો થાય તેવી પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ, પોલીસ વિભાગ તથા સંબંધિત મામલતદાર કચેરી સંકલનમાં રહી કોઝ-વેની બંને બાજુ જી.આર.ડી., હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. જેથી લોકોની અવરજવર બંધ કરી કોઈપણ જાનહાનિ ન થાય તેની તકેદારી તંત્રએ રાખી છે.