વ્યારા: (Vyara) વ્યારાના ટીચકપુરા સર્કલ પાસે ને.હા.નં.૫૩ ઉપર ટેમ્પો (Tempo) અને બાઇક (Bike) વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં (Accident) એકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ઉપર પાછળ બેસેલા યુવકને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે વ્યારા સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.
વ્યારાના કોહલી ગામે જૂની દાદરી ફળિયામાં રહેતો જયદીપ ચીમન ચૌધરી (ઉં.વ.૨૫) હોન્ડા મો.સા. નં.(GJ-26-R-8879) લઈને સર્કિટ હાઉસ ખાતે આવી રહ્યો હતો. ત્યારે તા.૨૭/૦૬/૨૦૨૩ના રોજ સાંજે ૪:૪૫ વાગ્યાનાં અરસામાં પૂરપાટ ઝડપે સોનગઢ તરફથી આવતા ટાટા ટેમ્પો નં.(GJ-19-Y-2820)ની અડફેટે આવતાં તેના શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મોટરસાઇકલની પાછળ બેસેલા મીત જ્ઞાનેશ્વરભાઇ ચૌધરી (રહે.,ખુશાલપુરા ગોડાઉન ફળિયું, તા.વ્યારા, જિ.તાપી)ને ઇજા થતા સારવાર માટે વ્યારા સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. આ અકસ્માતને પગલે પોલીસે ટેમ્પોચાલક સુરેન્દ્રસિંહ શ્યામસિંહ રાઠોડ (રહે.,એલાઇજી ૩૩૬, બી/૧૩૮, જલારામનગર, જીએચબી, પાંડેસરા, સુરત) વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આહવામાં પોલીસ કર્મીઓને જોઈને ભાગવા જતા પીકઅપ વિજપોલ સાથે અથડાઇ
સાપુતારા : ડાંગ જિલ્લાનાં આહવા નગરનાં પટેલપાડા નજીક પીકઅપ વાન વિજપોલ સાથે ભટકાઈને પલટી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે વઘઇમાં પીકઅપ ગાડી અને સ્વીફ્ટ કાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
મહારાષ્ટ્રનાં સુરગાણા તરફથી ડાંગ જિલ્લાનાં આહવા તરફ જઈ રહેલી પીકઅપ વાન નં. એમ.એચ.15.એ.જી.9525 પટેલપાડા નજીકથી પસાર થઈ રહી હતી. તે વેળાએ પીકઅપ વાન ચાલક પટેલપાડા નજીક ઉભેલા પોલીસ કર્મીઓને જોઈને ગભરાઈને નાસવા જતા પીકઅપ ગાડીને નજીકનાં વિજપોલ સાથે અથડાવી દઈ પલ્ટી ખવડાવી દેતા વીજપોલનાં બે તુકડા થઈ ગયા હતા.
વિજપોલ પરથી તાર જીવંત પસાર થયો હોય જે પણ તૂટી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે તુરંત જ વીજ વિભાગનાં કર્મીઓ સ્થળ પર દોડી જઈ વીજ લાઈનને છૂટી પાડી બંધ કરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પીકઅપ ગાડીનાં ચાલક સહિત તેમાં સવાર અન્ય બે ઈસમોને નજીવી ઈજાઓ પહોચી હતી. બીજા બનાવમાં વઘઇ ચાર રસ્તા નજીક પીકઅપ ગાડી અને સ્વીફ્ટ કાર સામ સામે ભટકાતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કોઈને ઈજા પહોચી ન હતી.
વઢવાણાના યુવકનું અજાણ્યા વાહન અડફેટે મોત
ઝઘડિયા, ભરૂચ: ઝઘડિયાના વઢવાણા ગામનો યુવક સુખદેવ મણિલાલ વસાવા તા.૨૭મીના રોજ બપોરના એક વાગ્યાના અરસામાં ઝઘડિયા સેવારૂરલ દવાખાનામાં કોઇ કામ માટે ગયો હતો. ત્યારબાદ ભાલોદ જઇને બેન્કનું કામ પતાવીને ઘરે પાછો આવતો હતો. ત્યારે વણાકપોર પ્રાંકડ વચ્ચે કોઇ અજાણ્યા વાહનચાલકે આ યુવકની મોટરસાઇકલને અડફેટે લીધી હતી. જેને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.