Comments

વેગનરનો બળવો પુતિન સામેનું પશ્ચિમી કાવતરું હતું?

રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુતિન સામે ભાડૂતી સૈન્ય વેગનરનો બળવો જેટલો ઝડપથી ભભૂકી ઊઠ્યો તેના કરતાં વધુ ઝડપથી શાંત થઈ ગયો છે. બળવાના ૨૪ કલાક દરમિયાન માત્ર રશિયાના જ નહીં, પણ આખી દુનિયાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. જો આ બળવો સફળ થાય અને પુતિનનું પતન થાય તો દુનિયાના રાજકારણમાં જબરી ઉથલપાથલ મચી જાય તેમ હતું. હવે બળવો શાંત થઈ ગયો છે ત્યારે તેની પાછળની જાતજાતની થિયરીઓ બહાર આવી રહી છે.

એક થિયરી એવી છે કે આ બળવો અમેરિકા જેવી મહાસત્તા દ્વારા કરાવવામાં આવ્યો હતો, જેનો ઇરાદો યુક્રેન સામેના યુદ્ધમાં મજબૂત પુરવાર થયેલા રશિયાને નબળું પાડવાનો હતો. બીજી થિયરી એવી છે કે આ બળવાનું નાટક પ્રમુખ પુતિને જ કરાવ્યું હતું; જેથી યુક્રેન સરહદે તેઓ નવેસરથી સૈનિકોની જમાવટ કરી શકે. ત્રીજી થિયરી એવી છે કે યુક્રેન સામેના યુદ્ધનો અંત આણવા પુતિને બળવો કરાવ્યો હતો. ગમે તે હોય; આ બળવાને કારણે રશિયાના પ્રમુખ પુતિનની નબળાઈ છતી થઈ ગઈ છે. આ બળવાની અસર યુક્રેન સામે દોઢ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ ઉપર પડ્યા વિના રહેવાની નથી.

વેગનરના બળવાને પગલે સોશિયલ મિડિયા પર જંગલી અફવાઓ ઊડવા લાગી હતી કે રશિયન પ્રમુખ વ્લાદીમિર પુતિન મોસ્કો છોડીને ભાગી ગયા છે; કે તેમનું પ્રેસિડેન્શિયલ જેટ દક્ષિણ પૂર્વમાં મધ્ય એશિયા તરફ ઊડી રહ્યું હતું; કે તેને કઝાક એરસ્પેસમાં પ્રવેશ નકારવામાં આવ્યો હતો; કે રશિયા જેવા દેશના પાંચ ટુકડા થઈ જશે; અને, યુક્રેન હવે યુદ્ધ જીતી જશે. જો રશિયાના પ્રમુખ પુતિનને આ બળવાને કારણે જો ખરેખર રાજીનામું આપવું પડે તો મોસ્કોની સત્તા નબળી પડે અને રશિયાના અનેક પ્રાંતો સ્વતંત્ર થઈ જાય તેવું પણ જોખમ હતું. તેને બદલે આ કથિત બળવો જેટલા રહસ્યમય સંયોગોમાં શરૂ કરવામાં આવ્યો હતો તેના કરતાં પણ વધુ રહસ્યમય રીતે શાંત થઈ ગયો હતો. આ નાટકમાં બેલારુસના પ્રમુખ લુકાશેન્કોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

આ દરમિયાન ન્યૂયોર્ક ટાઈમ્સે શનિવારે સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે યુએસ ગુપ્તચર એજન્સીઓને પહેલેથી જ શંકા હતી કે વેગનરનો વડો યેવજેની પ્રિગોઝિન તેના સૈનિકો સાથે રશિયન સરકાર સામે મોટા હુમલાની યોજના બનાવી રહ્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, અમેરિકી અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના પ્રશાસન અને સૈન્ય કમાન્ડરોને બુધવારે જ વેગનરની તૈયારીઓ વિશે જાણ કરવામાં આવી હતી. યુએસ અધિકારીઓ આ સંભવિત સંઘર્ષ અંગે ચિંતિત હતા, કારણ કે રશિયામાં અરાજકતાને લીધે પરમાણુ જોખમો પેદા થાય તેમ હતા. શનિવારે વેગનરના વિદ્રોહ બાદ રશિયાના વિદેશ મંત્રાલયે પણ પશ્ચિમને ચેતવણી આપી હતી કે રશિયા વિરુદ્ધ આવો કોઈ પણ પ્રયાસ નિરર્થક રહેશે. તે જ સમયે, રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે એક મોટી પરમાણુ શક્તિમાં બળવાનાં વિનાશક પરિણામો આવી શકે છે અને મોસ્કો ક્યારેય આવું થવા દેશે નહીં.

આ બળવાને લઈને પણ મોટો ખુલાસો થયો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ વિદ્રોહને લઈને પ્રિગોઝિન અને અમેરિકા વચ્ચે કોઈ ગુપ્ત સોદાબાજી થઈ હતી. એક સમયે પુતિનના સૌથી ભરોસાપાત્ર ગણાતા પ્રિગોઝિને અચાનક મોરચો ખોલ્યો ન હતો, પરંતુ તેની પાછળ એક સુનિયોજિત કાવતરું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિગોઝિને લીધેલાં પગલાં બાદ તેને અમેરિકા તરફથી મોટી રકમ મળી છે. પ્રિગોઝિનના બળવાના સમય વિશે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

ગુપ્ત ડીલના ત્રણ મોટા પુરાવા છે. પહેલો પુરાવો કે અમેરિકા અચાનક વેગનર પર એટલું નરમ થઈ રહ્યું છે. બીજો પુરાવો એ છે કે અમેરિકાના ટોચના અધિકારીઓ પાસેથી મિડિયાને મળેલી માહિતી અનુસાર અમેરિકાને આ સમગ્ર વિદ્રોહની પહેલાથી જ જાણ હતી. ત્રીજો પુરાવો એ છે કે પુતિન સામે પ્રિગોઝિન અમેરિકા માટે એક મોટું હથિયાર સાબિત થઈ શકે છે. એટલા માટે તેની સાથે વ્યવહાર કરવામાં અમેરિકાને મોટો ફાયદો થઈ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકા હાલમાં વેગનર ગ્રુપ પર પ્રતિબંધ નહીં મૂકે. વેગનર જૂથ પર આફ્રિકન દેશોમાં સોનાની ખાણકામ માટે પ્રતિબંધ મૂકવામાં આવનાર હતો. અમેરિકાનો આક્ષેપ હતો કે વેગનર જૂથ સોનાની ખાણની કમાણી સાથે રશિયાને યુદ્ધમાં મદદ કરી રહ્યું છે; પરંતુ બળવાની ઘટના પછી અમેરિકાએ સૂચિત પ્રતિબંધને ટાળવાનો નિર્ણય કર્યો છે. હકીકતમાં વેગનર આર્મી આફ્રિકન દેશો લીબિયા, માલી અને સુદાનમાં તૈનાત છે. અહીં સુવર્ણ અને રાજદ્વારી સમર્થનના બદલામાં વેગનર આફ્રિકાના દેશોને મદદ કરે છે.

બેલારુસના પ્રમુખ લુકાશેન્કો દ્વારા કરવામાં આવેલા સોદાના ભાગરૂપે ક્રેમલિને જણાવ્યું હતું કે પ્રિગોઝિન બેલારુસ જશે અને તેની સામેનો ફોજદારી કેસ પડતો મૂકવામાં આવશે. ક્રેમલિને કહ્યું હતું કે સશસ્ત્ર બળવામાં જોડાયેલા પ્રિગોઝિનના અર્ધલશ્કરી દળોના સભ્યો સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. એક સંભાવના એવી પણ છે કે વેગનરના જે સૈનિકો બળવામાં સહભાગી નહોતાં થયાં તેમનો સમાવેશ રશિયન સૈન્યમાં કરવામાં આવશે. કેટલાક નિષ્ણાતો કહે છે કે વેગનરના ભાડૂતી સૈન્યને ખાસ સવલતો આપવામાં આવે છે.

તેમને રશિયન સૈન્ય કરતાં ખોરાક સારો આપવામાં આવે છે અને પગાર પણ વધુ આપવામાં આવે છે. વળી રશિયા દ્વારા વેગનરનો ઉપયોગ દુનિયાના અનેક દેશોમાં ગેરકાયદે કામો માટે કરવામાં આવે છે. બીજી બાજુ નિષ્ણાતો કહે છે કે વેગનર સૈન્યના વડા પ્રિગોઝિન માટે ખતરો મંડરાઈ રહ્યો છે. અત્યારે ભલે તેણે બેલારુસમાં આશરો લીધો, પણ પુતિન તેમની સામે માથું ઊંચકનારને માફ કરતા નથી. જેવી પરિસ્થિતિ સામાન્ય થશે અને પુતિનનું આસન સ્થિર થશે કે તરત પુતિન બદલો લીધા વિના રહેશે નહીં. રશિયાના પ્રમુખ તરીકે વ્લાદીમિર પુતિનના લાંબા શાસન માટે વેગનર જૂથનો બળવો સૌથી મોટો પડકાર હતો. તેઓ ૧૯૯૯માં સત્તામાં આવ્યા પછી આ બળવો રશિયાની સૌથી ગંભીર સુરક્ષા કટોકટી હોવાનું બહાર આવ્યું છે. આનાથી તેમને રશિયન દળોને યુક્રેનમાં યુદ્ધના મેદાનમાંથી દૂર કરવાની ફરજ પડી છે.

તે પણ એવા સમયે જ્યારે યુક્રેનનું બદલો લેવાનું ચાલુ છે. યુક્રેન તેના વિસ્તારોને ફરીથી કબજે કરવા માટે સખત કાર્યવાહી કરી રહ્યું છે. રશિયામાં બળવાનો લાભ લઈને યુક્રેનિયન દળોએ તેમના પૂર્વ મોરચા પર ઘણા નવા હુમલાઓ શરૂ કર્યા છે. યુક્રેનના નાયબ સંરક્ષણ પ્રધાન ગન્ના મલ્યારે કહ્યું કે તેમનાં દળોએ ઘણાં શહેરોની નજીક રશિયન સરહદો પર હુમલો કર્યો છે અને તેઓ તમામ દિશામાં આગળ વધી રહ્યાં છે. કદાચ તેઓ હારેલાં શહેરો પાછાં જીતી લેશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે પુતિન કદાચ ખૂબ ડરી ગયા છે અને કદાચ ક્યાંક છૂપાઈ ગયા છે. તેમણે સંરક્ષણ માટે જરૂરી તમામ શસ્ત્રો પૂરાં પાડવા માટે અમેરિકા સહિતના પશ્ચિમી સાથી દેશોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે કિવને એફ-૧૬ ફાઈટર જેટ અને આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમની જરૂર છે. અમેરિકા અને નાટોના દેશો માટે રશિયા સામે બદલો લેવાની આ સુવર્ણ તક છે. જો રશિયા તેની આંતરિક કટોકટીમાંથી બહાર આવવામાં સફળ નહીં થાય તો યુક્રેન દોઢ વર્ષના યુદ્ધમાં હારેલા તમામ પ્રદેશો પર ફરી વિજય પ્રાપ્ત કરી લેશે.

Most Popular

To Top