Gujarat Main

સુરતમાં વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી

સુરત: ગુજરાત રાજ્યમાં સાઉથ અને વેસ્ટ મોન્સૂન સક્રિય થઇ રહ્યું છે. છેલ્લા બે દિવસથી સુરત સહિત સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. એટલું જ નહીં, છૂટો છવાયો વરસાદ પણ શરૂ થયો છે. આજે સોમવારે સવારથી જ સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લીધે શહેરીજનોને આકરી ગરમીમાંથી છૂટકારો મળ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આગામી ચાર દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

રવિવારે ઝરમર વરસાદ વરસ્યો હતો
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 86 ટકા અને સાંજે 71 ટકા નોંધાયું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 10 કિમી ઝડપે પવનો ફૂંકાયા હતા.

માંગરોળમાં 37 મીમી અને બારડોલીમાં 9 મીમી વરસાદ પડ્યો હતો. આ વખતે બિપરજોય વાવાઝોડાના લીધે ચોમાસું ખેંચાઇ ગયું હતું. જો કે, હવે ચોમાસું સક્રિય થતા શહેરમાં વરસાદની ગતિવિધિ શરૂ થઇ ગઇ છે. રવિવારે સુરત શહેરમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જ્યારે જિલ્લામાં માંગરોળ તાલુકામાં 37 મીમી અને બારડોલીમાં 9 મીમી વરસાદ નોંધાયો હતો. ચોમાસું સક્રિય થવા છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા ઓનલાઇન ઝોન વાઇઝ વરસાદ, ઉકાઇ ડેમ, કોઝ-વેની માહિતી અપડેટ કરવામાં આવી રહી નથી. 1લી જૂનથી સુરત મહાનગરપાલિકાનો ફલડ કંટ્રોલ રૂમ શરૂ થઇ ગયો હતો.

24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ
25મી જૂન અને રવિવારથી ગુજરાતમાં વિધિવત ચોમાસું બેઠું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લાં બે ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વીતેલા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. તે ઉપરાંત ભાવનગરના ઘોઘામાં 3 ઈંચ તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, ભરૂચમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. વાપીમાં પણ 2 ઈંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Most Popular

To Top