દુનિયાની ટોચની ટેકનોલોજી કંપનીના 42 % CEOએ એક સમિટ દરમિયાન થયેલા સર્વેક્ષણમાં એવી ચિંતા વ્યક્ત કરી હતી કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી માનવજાતનો 5-10 વર્ષમાં જ વિનાશ વેરાઈ જશે બીજા વિશ્વયુદ્ધ પહેલાં 1945માં વોરેન મેક્યુલોચ અને વોલ્ટર પીટે મનુષ્યની જેમ વિચારી શકે એવા કૃત્રિમ દિમાગની પહેલીવહેલી કલ્પના કરીને મોડેલ રજૂ કર્યું હતું પણ ત્યારે હજુ તો કમ્પ્યુટર્સ પણ પા પા પગલી ભરી રહ્યાં હતાં અને તેનાથી એક ડગલું આગળ કૃત્રિમ બુદ્ધિમત્તા વિશે વિચારવાનું વહેલું હતું. બ્રિટિશ સાયન્ટિસ્ટ એલન ટ્યુરિંગે 1950માં કમ્પ્યુટરિંગ મશીનરી એન્ડ ઈન્ટેલિજન્સ નામનું સંશોધનપત્ર રજૂ કર્યું ત્યારથી સત્તાવાર રીતે કૃત્રિમ બુદ્ધિમત્તાનું શાસ્ત્ર વિકસ્યું. ૧૯૫૫માં એલન નેવલ અને હર્બટ સિમોને પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પ્રોગ્રામ બનાવ્યો. એ વખતે વિજ્ઞાન જગત તેને લોજિક થિયરી તરીકે ઓળખતું હતું.
જ્હોન મેકાર્થી, માર્વિન મિન્સ્કીએ પહેલી વખત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટર્મનો ઉપયોગ તેમના સંશોધનપત્રોમાં કર્યો હતો. 1956માં યોજાયેલી એક કોન્ફરન્સમાં આ બંનેએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)નો વિધિવત પાયો નાખ્યો હોવાનું માન મળે છે. આગામી 4 વર્ષમાં AIના મૂળિયા બહુ ઊંડા થયા અને વ્યવસ્થિત સંશોધનો પણ થયા. 1980 સુધી જુદા જુદા સંશોધનો થયા. 1966માં જોસેફ વેઈઝૈનબોમે એલિઝા નામના દુનિયાના પ્રથમ ચેટબોટનો જન્મ પણ આ AI નામની ટેકનોલોજીને જ આભારી હતો. જાપાને 1972માં માનવ આકૃતિનો રોબોટ બનાવીને AI રોબોટિંગના ક્ષેત્રમાં નવી શરૂઆત કરી. AIની આ કાંતિ હવે ChatGPT સુધી પહોંચી ગઈ છે. ઓપન AI કંપનીના આ ચેટબોટે ટેકનોલોજીની દુનિયામાં હલચલ મચાવી દીધી. માઈક્રોસોફ્ટની આર્થિક સહાયથી ઓપન AI એ ChatGPT વિકસાવ્યા બાદ ગૂગલે પણ AI બેઝ્ડ ટેકનોલોજી વિકસાવીને લોંચ પણ કરી. માઈક્રોસોફ્ટ-ગૂગલની આ AI ની સ્પર્ધાના કારણે ટેકનોલોજીના ઈતિહાસમાં AI નો એક નવો યુગ શરૂ થયો પરંતુ હવે એ યુગ માનવજાત માટે ઘાતક સાબિત થશે એવી ચર્ચા જામી છે.
***
યેલ યુનિવર્સિટીમાં તાજેતરમાં યોજાયેલી CEO સમિટમાં AI ને લગતો સર્વે કરવામાં આવ્યો હતો. એમાં 42% CEOએ AI ને માનવજાત માટે ખતરો ગણાવીને આગામી 5થી 10 વર્ષમાં આ ટેકનોલોજી માનવજાતને નષ્ટ કરી દેશે એવી ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉદ્યોગપતિઓએ AI ની અંધારી બાજુથી ચેતવાની સલાહ આપી હતી. AI માનવજાત માટે ખતરનાક છે? તેનાથી માનવજાતને નુકસાન થશે? AI માનવજાતનો નાશ કરશે? આ સવાલો દુનિયાભરના ટોચના બિઝનેસ ટાઈકૂનને પૂછવામાં આવ્યા હતા. ટેકનોલોજી કંપનીઓના CEOની યેલ યુનિવર્સિટીમાં સમિટ મળી હતી. એ દરમિયાન CNN દ્વારા આ સર્વેક્ષણ કરાયું હતું. સર્વેક્ષણમાં ટોચની કંપનીઓના 119 CEOને સવાલો પૂછવામાં આવ્યા હતા. આ સમિટમાં સિલિકોન વેલીની જાણીતી કંપનીઓના CEOઓ હાજર હતા.
સવાલના જવાબમાં 42 % ટેકનોલોજી ક્ષેત્રના ટોચના ઉદ્યોગપતિઓએ AI ને ખતરનાક ટેકનોલોજી ગણાવી હતી. 34% CEOએ કહ્યું હતું કે ભવિષ્યમાં AI માનવજાતને ખતમ કરી શકે છે. 8%એ તો માત્ર 5 જ વર્ષમાં AIના કારણે માનવજાતનો વિનાશ વેરાશે એવી દહેશત વ્યક્ત કરી હતી. તેમણે એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે AI માનવજાતે સર્જાવેલી વર્ષો જૂની કેટલીય પદ્ધતિસરની સિસ્ટમ ધ્વસ્ત કરી દેશે. જેમ કે પરીક્ષા માણસની બુદ્ધિની કસોટી માટે સદીઓથી અનિવાર્ય છે. એમાં AI નો ઉપયોગ થવા લાગ્યો હોવાથી આ પદ્ધતિની અસરકારકતા પર ખતરો સર્જાયો છે. બીજી તરફ 58% બિઝનેસમેન AI થી વિનાશ વેરાશે એ વાતમાં સહમત નથી. આ ઉદ્યોગપતિઓનો સૂર હતો કે માણસ હંમેશા મશીન કરતાં વધુ બુદ્ધિશાળી સાબિત થશે. AI ગમે એટલી બુદ્ધિમત્તા હોવા છતાં માણસનો વિનાશ નહીં કરી શકે. આ ઉદ્યોગપતિઓએ ચિંતા ન કરવાની સલાહ આપી હતી.
ટ્વિટર-ટેસ્લાના માલિક ઈલોન મસ્કથી લઈને મોડર્ન AI ના પિતામહ જ્યોફ્રી હિન્ટન AI થી ચેતવાની સલાહ આપી ચૂક્યા છે અને તેના પર નિયંત્રણની ભલામણ પણ કરી ચૂક્યા છે. ખુદ ChatGPTના ક્રિએટર ઓપન AI ના CEO સેમ ઓલ્ટમેન પણ કહે છે કે AI પર નિયંત્રણ જરૂરી છે. સેમના કહેવા પ્રમાણે AI થી બેરોજગારી સર્જાશે. ChatGPT લોંચ થયા પછી ટેકનો-એક્સપર્ટ્સ AIને ખતરનાક ગણાવી રહ્યા છે અને માનવજાતના ભવિષ્ય માટે એને ખતરનાક ટેકનોલોજી ગણાવીને આવા પ્રોજેક્ટ બંધ કરવાની ભલામણ પણ કરે છે.
મોડર્ન AI ને વિકસાવવાનો શ્રેય જ્યોફ્રી હિન્ટન, યાન લે કૂન અને યોશુઆ બેન્જિઓને આપવામાં આવે છે. એમાંથી જ્યોફ્રી હિન્ટને તો હવે AI સામે રીતસર મોરચો ખોલ્યો છે. એક સમયે હિન્ટનને AI થી સજ્જ લશ્કરી હથિયારો વિકસાવવાનો પ્રસ્તાવ અમેરિકન સરકારે આપ્યો હતો, જે તેમણે નકારી દીધો હતો. એ જ હિન્ટન હવે AI ને અત્યાર સુધીની સૌથી ખતરનાક ટેકનોલોજી ગણાવે છે. હિન્ટન માને છે કે AI ની ટેકનોલોજી માનવજાતને સ્પર્શતા દરેક ક્ષેત્રને અસર કરશે અને તેનાથી માણસ શરૂઆતમાં સુખાકારી અનુભવશે પણ લાંબાંગાળે એ માણસને પરવશ બનાવી દેશે.
***
વેલ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેકનોલોજી અત્યારે માણસને ખૂબ જ ઉપયોગી બનવા લાગી છે. રોજિંદા કામથી લઈને ઓફિસના મેઈલ સુધીમાં AI ટેકનોલોજીએ મદદ કરવા માંડી છે. રિસર્ચ આસિસ્ટન્ટની જવાબદારી ઉપાડી શકે તેમ છે અને હજુ આ તો શરૂઆત છે. આગામી સમયમાં AI થી સજ્જ ચેટબોટ્સ અને રોબોટ્સ માનવજીવનને સરળ બનાવશે. 42 % CEOને ચિંતા છે કે AI નો વધારે પડતો ઉપયોગ માનવજાતનો વિનાશ વેરશે. કદાચ તેમની દહેશત સાચીય છે. જો યોગ્ય રીતે નિયંત્રિત થઈને AI નો ઉપયોગ ન કરાયો તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.
પરંતુ વ્યવસ્થિત નિયંત્રણો લાદ્યા બાદ અને સચોટ કાયદા ઘડ્યા બાદ નિયંત્રણમાં રહે એવા ચેટબોટ્સનો ઉપયોગ શરૂ થાય તો લાખો લોકોને એ આશીર્વાદરૂપ બની શકે તેમ છે એમાં તો શંકા નથી. 58 % ટેકનો-એક્સપર્ટ્સ AI ની તરફેણમાં છે. તેમના મતે AI થી ડરવાને બદલે માણસે તેને અંકુશમાં રાખે એવું વાતાવરણ બનાવવું જોઈએ. જો AI થી બેરોજગારી સર્જાવાનો ડર હોય તો ભવિષ્યમાં નવી રોજગારી પણ સર્જાશે. દરેક નવી ક્રાંતિ વખતે આવી ચર્ચા થાય છે. કમ્પ્યૂટર્સના કારણે લાખો કરોડો લોકો બેરોજગાર થઈ જશે એવી ચિંતા સતાવતી હતી પરંતુ એ જ કમ્પ્યૂટર્સ પછીથી માનવજાતને IT ક્રાંતિ તરફ દોરી ગયાં. સેંકડો રોજગારી આજે કમ્પ્યૂટર્સની મદદથી મળે છે. એવું જ AI ના કિસ્સામાં પણ બની શકે છે. જરૂર છે એના કુનેહપૂર્વકના નિયંત્રિત ઉપયોગની. શક્ય છે કે AI થી પણ લાખો કરોડો રોજગારી સર્જાશે.
– હરિત મુનશી