Editorial

ઇન્ડિગોએ 500 વિમાનોનો ઓર્ડર મૂક્યો : દેશમાં હવાઇ પ્રવાસ ઉદ્યોગ વિકસી રહ્યો છે

દેશમાં હવાઇ પ્રવાસ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. એક સમય હતો કે દેશની અંદરને અંદર હવાઇ પ્રવાસો કરનારાની સંખ્યા ખૂબ જ ઓછી હતી. જેઓ ખૂબ જ ધનવાન હોય તેઓ જ વિમાનમાં પ્રવાસ કરી શકે તેવી એક છાપ હતી. આજે તો દેશની અંદર દૂરના અંતરે આવેલ એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે હવાઇ પ્રવાસ કરનારા લોકોની સંખ્યા નોંધપાત્ર રીતે મોટી થઇ ગઇ છે. મુંબઇ -દિલ્હી, દિલ્હી-કોલકાતા કે દિલ્હીથી બેંગલોર એ ચેન્નાઇ જવું હોય તો અનેક ફ્લાઇટો મળી રહે, તેવું જ બીજા પણ અનેક મહાનગરોની બાબતમાં છે.

સુરત અને વડોદરા જેવા શહેરોમાંથી પણ દેશની અંદર પ્રવાસ કરવા માટે ફ્લાઇટો હવે એકંદરે સરળતાથી મળી રહે છે. લાંબા અંતરના પ્રવાસ માટે ઝડપી અને આરામ દાયક ટ્રેનોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી હોવા છતાં હવાઇ પ્રવાસીઓની સંખ્યા પણ વધતી જ ગઇ છે અને વિદેશ પ્રવાસો કરનારાઓની સંખ્યા પણ વધી છે અને આનું કારણ છે દેશમાં લોકોની સુધરેલી આર્થિક સ્થિતિ. ધનવાન વર્ગ મોટો થયો છે તો સાથે ઉપલા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિ ઘણી વધી છે અને હવે ઉપલો મધ્યમ વર્ગ પણ હવાઇ પ્રવાસો કરવા સક્ષમ બન્યો છે. હવાઇ પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે એરલાઇનોના ધંધાનું પણ વિસ્તરણ થઇ રહ્યું છે. હાલ થોડા મહિના પહેલા જ દેશની ટોચની એરલાઇન એર ઇન્ડિયાએ ૪૭૦ વિમાનો ખરીદવા સોદો કર્યો હતો, હવે ઇન્ડિગો એરલાઇને તેના કરતા પણ વધુ પ૦૦ વિમાનો ખરીદવા માટે ઓર્ડર મૂક્યો છે.

નો-ફ્રિલ્સ એરલાઇન ઇન્ડિગોએ સોમવારે જાહેરાત કરી હતી કે તેણે યુરોપની મોટી વિમાન કંપની એરબસ સમક્ષ એ-૩૨૦ શ્રેણીના પ૦૦ વિમાનો ખરીદવા માટે પેરિસ એર શોમાં ઓર્ડર મૂક્યો છે. દુનિયાની કોઇ પણ એરલાઇન દ્વારા એરબસ સમક્ષ મૂકવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે એમ ઇન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું. જો કે આ ઓર્ડરની નાણાકીય વિગતો જાહેર કરવામાં આવી નથી.

વિમાનો ખરીદવા માટેના આ કરાર પર ઇન્ડિગો એરલાઇન અને એરબસ કંપની વચ્ચે પેરિસ એર-શો ૨૦૨૩માં કરાર થયો છે. આ ઓર્ડર પછી ઇન્ડિગોને ૨૦૩૦થી ૨૦૩૫ વચ્ચે વિમાનોની ડીલિવરીઓ મળશે એ મુજબ ગુરુગ્રામમાં વડુમથક ધરાવતી આ એરલાઇને જણાવ્યું હતું. સ્વાભાવિક રીતે વિમાન જેવી વસ્તુ માટે ઘણા અગાઉથી ઓર્ડર મૂકી દેવો પડતો હોય છે. આજે ઓર્ડર મૂક્યો અને એક મહિનામાં આટલા બધા વિમાનો મળી જાય તેવું બની શકે નહીં. પોતાના કારોબારના વિસ્તરણની લાંબા ગાળાની જરૂરિયાત અને યોજના વિચારીને એરલાઇનો આવા ઓર્ડર મૂકતી હોય છે અને સ્વાભાવિક રીતે ઇન્ડિગોએ પણ આ રીતે ઓર્ડર મૂક્યો છે.

ઇન્ડિગોએ જે પ૦૦ વિમાનોનો ઓર્ડર મૂક્યો છે તે સાંકડી બોડીના વિમાનો માટે છે. આ અબજો ડોલરનો સોદો એના પાંચ મહિના કરતા પણ ઓછા સમયમાં થયો છે જ્યારે એર ઇન્ડિયાએ એરબસ અને બોઇંગ સમક્ષ ૪૭૦ વિમાનો ખરીદવા માટે ઓર્ડર મૂક્યો હતો. ઇન્ડિગોએ એ૩૨૦નીઓ, એ૩૨૧નીઓ અને એ૩૨૧એક્સએલઆર માટે મૂક્યો છે. તેણે અગાઉ ૪૮૦ જેટલા વિમાનો માટે ઓર્ડર મૂક્યો હતો જે હજી મળવાના બાકી છે. અને આ સાથે એરબસ સમક્ષ તેના અત્યાર સુધીના કુલ ૧૩૩૦ વિમાનોના ઓર્ડર થાય છે.

આ બાબત સૂચવે છે કે ઇન્ડિગો પોતાના ધંધાનું મોટું વિસ્તરણ કરવાની યોજના ધરાવ છે. ઇન્ડિગો અત્યારે ૩૦૦ વિમાનો ઓપરેટ કરે છે. તે એક નો-ફ્રીલ્સ એરલાઇન છે એટલે કે તે સસ્તા ભાડામાં મુસાફરી કરાવે છે પરંતુ સાથો સાથ ભોજન જેવી વધારાની સુવિધાઓ યાત્રીઓને આપતી નથી. નોકરી, ધંધાના હેતુસર કે અન્ય કારણોસર દેશમાં ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માગતા લોકો આવી એરલાઇન પસંદ કરે છે અને ઇન્ડિગો પોતાનો ધંધો ધમધોકાર કરી રહી છે એ જણાઇ આવે છે.

આપણા દેશમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે અત્યારે કંઇક વિચિત્ર કહી શકાય તેવી સ્થિતિ પ્રવર્તે છે. અનેક એરલાઇનો બંધ થઇ ગઇ છે કે ફડચામાં ગઇ છે તો બીજી બાજુ સરકારીમાંથી ખાનગી બનેલી એર લાઇન એર ઇન્ડિયા અને અગ્રણી એર લાઇન ઇન્ડિગો જેવી એરલાઇનો સારો ધંધો કરવા માંડી છે. હવાઇ મુસાફરોની સંખ્યા વધી છે પરંતુ હજી પણ ઢગલેબંધ એરલાઇનો, જેવી કે અમેરિકામાં છે તેવું અહીં ચાલી શકે તેમ નથી. ગળાકાપ હરિફાઇમાં ખૂબ સસ્તા ભાવે યોગ્ય આયોજન વિના ધંધો કરવા ગયેલી એરલાઇનો ઉંધે મોં પછડાઇ છે. યોગ્ય વ્યુહરચના અપનાવીને વધુ પ્રવાસીઓને આકર્ષી શકે તેવી એરલાઇનો ધંધો સારો વિકસાવી શકે તેમ છે.

Most Popular

To Top