વાંકલ: (Vankal) ઉમરપાડા તાલુકાના સલ્લી ગામે સામાન્ય બોલાચાલીમાં મોટાભાઈએ નાનાભાઈ ઉપર ઈંટ વડે હુમલો (Attack) કરી માથું ફોડી નાંખ્યું હતું. જ્યારે જેઠાણીએ દેરાણી ઉપર ઈંટ વડે હુમલો કરી માથું ફોડી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપતાં નાનાભાઈએ ભાઈ અને ભાભી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
- ઉમરપાડાના સલ્લી ગામે સામાન્ય બોલાચાલીમાં મોટાભાઈએ નાનાભાઈનું ઈંટ મારી માથું ફોડ્યું
- બીજી તરફ જેઠાણીએ દેરાણીનું ઇંટ મારી માથું ફોડી નાંખ્યું
- હુમલો કર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપતાં નાના ભાઈએ ભાઈ-ભાભી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
જુમાવાડી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સલ્લી ગામના નિશાળ ફળિયામાં રહેતા સતીષ રતિલાલ વસાવાએ પોતાની માતા કેલુબેનને જણાવ્યું કે, મારા ભાગની જમીનમાં કામ કરતાં કરવા આવતા ગામના મજૂરોને તમે શા માટે બોલો છો? આથી આ બાબતની જાણ કેલુબેનના મોટા પુત્ર રાકેશને થતાં તેણે નાનાભાઈ સતીષ સાથે ઝઘડો કરી સતીષને માથામાં ઇંટ મારી દીધી હતી. જેથી સતીષના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ સમયે તેની પત્ની સુધાબેન દોડી આવી હતી અને સતીષને બચાવ્યો હતો. ત્યારે રાકેશની પત્ની દીપિકાબેન સુધા સાથે ઝઘડો કરવા લાગી હતી અને ઉશ્કેરાઈ જઈ દેરાણી સુધાબેનને માર માર્યો હતો.
બાદ ઈંટ વડે વધુ હુમલો કરી માથા ઉપર મારતાં સુધાબેનના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આથી અન્ય લોકો મદદે દોડી આવ્યા હતા અને તેમને વધુ મારમાંથી બચાવી લીધાં હતાં. આ સમયે ફરી તેમણે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં પતિ-પત્નીને ઉંમરપાડા સરકારી હોસ્પિટલ ખાતે 108ની મદદથી સારવાર માટે લઈ જવાયાં હતાં. ત્યારબાદ વધુ સારવાર માટે બારડોલી ખસેડવામાં આવ્યાં હતાં. પોલીસ દ્વારા સતીષભાઈની ફરિયાદ લઈ રાકેશ રતિલાલ વસાવા અને દીપિકા રાકેશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પીપોદરામાં દારૂડિયા પતિની હત્યા કરનારી પત્ની અને બે પુત્રી ઓડિસાથી ઝડપાઈ
હથોડા: પીપોદરા જીઆઇડીસીમાંથી બાર દિવસ પહેલાં કોથળામાં પેક કરેલી લાશ મળી આવવાની ઘટનામાં ખુદ પત્નીએ બે પુત્રીની મદદથી પતિની હત્યા કરીને લાશ કોથળામાં બાંધી નજીકના કચરાના ઢગલામાં દાટી દીધા બાદ હત્યારી પત્ની અને પુત્રી વતન ઓડિસા ભાગી છૂટી હતી. જેને આખરે પાલોદ પોલીસ છેક ઓડિશાથી પકડી લાવી હતી.
પીપોદરા જીઆઇડીસીમાં નોકરી કરતો મૂળ ઓડિશાનો રહીશ નરેશ ઉર્ફે પરેશ સૃષ્ટિ નાયક માસ્ટર પીપોદરા જીઆઇડીસીમાં તેની પત્ની સવિતા અને બે પુત્રી સોનિયા (ઉં.વ.20) અને પિંકલ (ઉં.વ.18) સાથે રહેતો હતો. નરેશ દારૂ ઢીંચવાની લતે ચડી જતાં કામધંધો પણ છોડી દઈને દારૂ ઢીંચીને ઘરે આવ્યા બાદ રોજ ઘરમાં કંકાસ કરતો હતો. જેથી પત્ની સવિતા કંટાળી ગઈ હતી. ખુદ પતિની હત્યામાં પકડાયેલી સવિતાના જણાવ્યા મુજબ આજથી પંદર દિવસ પહેલાં મારો પતિ દારૂ ઢીંચીને ઘરે આવ્યા બાદ મારે ગામડે જવું છે. રૂ.50,000 આપ તેવું જણાવતાં પત્નીએ કહ્યું હતું કે, અમારી પાસે પૈસા નથી. જેથી ઝઘડો કર્યો હતો. રોજેરોજના ઝઘડાથી કંટાળેલી પત્નીએ બંને પુત્રી સાથે મળી તેના પતિને ધક્કો મારી જમીન પર પાડી દઈ ગળું દબાવી હત્યા કરી હતી.