દિલ્હી: દિલ્હી (Delhi) ખાતે આવેલું નેહરુ મેમોરિયલનું નામ બદલી નાંખવામાં આવ્યું છે. હવે નેહરુ મેમોરિયલને (Nehru Memorial Museum & Library) પીએમ મેમોરિયલના નામથી ઓળખવામાં આવશે. નામ બદલવાના કારણે કોંગ્રેસે (Congress) સરકાર સામે ગુસ્સો વ્યક્ત ર્ક્યો છે. કોંગ્રેસે કહ્યું કે, બદલાની ભાવનાથી નામ બદલવામાં આવ્યું છે.
રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આ નિર્ણય પર મુહર લાગી
પ્રાપ્ત વિગતો અનુસાર, ગુરુવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક વિશેષ બેઠક થઈ હતી, જેમાં નેહરુ મેમોરિયલનું નામ બદલવાના નિર્ણય લેવાયો હતો. રાજનાથ સિંહ નેહરુ મેમોરિયલ મ્યૂઝિયમ એન્ડ લાયબ્રેરીના ઉપાધ્યક્ષ છે. તેમજ વડાપ્રધાન મોદી આના અધ્યક્ષ છે. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નિર્મલા સીતારમણ, ધમેન્દ્ર પ્રધાન, જી કિશન રેડ્ડી, અનુરાગ ઠાકુર સહિત 29 સભ્ય આ સોસાયટીમાં શામેલ છે. નેહરુ મેમોરિયલ મ્યૂઝિયમ એન્ડ લાયબ્રેરીને હવે પ્રધાનમંત્રી મ્યૂઝિયમ એન્ડ સોસાયટીના નામથી ઓળખાશે.
આ છે પીએમ મેમોરિયલનો ઈતિહાસ
એડવિન લુટિયંસની ઈમ્પીરિયલ કેપિટલનો ભાગ રહેલો તીન મૂર્તિ ભવન અંગ્રેજોના શાસનમાં ભારતના કમાન્ડર ઈન ચીફનું અધિકારીક આવાસ હતું. વર્ષ 1948માં જ્યારે પંડિત નેહરુ દેશના પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તીન મૂર્તિ ભવન તેમનું અધિકારીક આવાસ બની ગયું હતું. પંડિત નેહરુ 16 વર્ષ સુધી આ ઘરમાં રહ્યા અને અહીં પર જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાર બાદથી આ તીન મૂર્તિ ભવનને પંડિત નેહરુની યાદમાં તેમને સમર્પિત કરી દેવામાં આવ્યું હતું અને આ ભવનને પંડિત નેહરુ મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલના નામથી ઓળખવામાં આવતું હતું. હવે કેન્દ્ર સરકારે આનું નામ નેહરુ મેમોરિયલથી બદલીને પીએમ મ્યૂઝિયમ એન્ડ સોસાયટી કરી દીધું છે.
કોંગ્રેસે કરી આ નિર્ણયની ટીકા
કોંગ્રેસે કેન્દ્રના આ નિર્ણયની ટીકા કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે ટ્વીટ કરતા લખ્યું કે, ‘બદલો લેવાની ભાવનાથી નામ બદલવામાં આવ્યું છે. ગત 59 વર્ષોથી નેહરુ મેમોરિયલ મ્યૂઝિયમ એન્ડ લાયબ્રેરી વૈશ્વિક બૌદ્ધિકતાનું મહત્વનું અને પુસ્તકોનો ખજાનો રહ્યો છે. પીએમ મોદી ભારતીય રાષ્ટ્ર-રાજ્યના વાસ્તુકારના નામ અને વિરાસતને વિકૃત, તિરસ્કૃત અને નષ્ટ કરવા માટે શું-શું કરશે. અસુરક્ષાઓના બોજ નીચે દબાયેલો એક નાના કદનો વ્યક્તિનો સ્વયંભૂ વિશ્વગુરુ છે.’
નોંધનીય છે કે, વર્ષ 2016માં પીએમ મોદીએ એક પ્રસ્તાવ રાખ્યો હતો કે, તીન મૂર્તિ પરિસરમાં દેશને સમર્પિત એક મ્યૂઝિયમનું નિર્માણ કરવામાં આવશે. એ જ વર્ષે 25 નવેમ્બરે NMMLની 162મી બેછકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. ગત વર્ષે 21 એપ્રિલે પ્રધાનમંત્રી સંગ્રહાલયને દેશની જનતા માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું.