SURAT

સુરતમાં રૂમ પાર્ટનરે કરી યુવકની હત્યા: પથ્થરના ઘા ઝીંકી રહેંસી નાંખી લાશ રસ્તામાં છોડી ભાગી ગયો

સુરત: સુરતમાં (Surat) મિત્રએ પોતાના મિત્રની હત્યા (Murder) કરી હોવાની ઘટના સામે આવી છે. શુક્રવારે મોડી રાત્રે પાંડેસરા વિસ્તારમાં ઓરિસ્સા (Odisha) વાસી યુવકની હત્યા થઈ છે. યુવકની હત્યા તેના રૂમ પાર્ટનર મિત્રએ જ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આજે શનિવારે સવારે પાંડેસરાના સિદ્ધાર્થ નગરમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. વહેલી સવારે લોકો ઉઠ્યા ત્યારે રસ્તા પર લાશ પડેલી જોઈને ચોંકી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકની ઓળખ કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે મરનાર 36 વર્ષીય પુનો પોલાઈ હતો. જે લુમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરતો હતો. ગઈ મોડી રાત્રે પુના પોલાઈની તેની સાથે રહેતા રૂમ પાર્ટનર મિત્રએ પત્થરના ઘા મારી હત્યા કરી છે.
પુનો પોલાઈ મૂળ ઓરિસ્સાનો રહેવાસી હતો. તે ઘણા સમયથી સુરતમાં ભાડાની રૂમમાં રહેતો હતો અને લુમ્સના કારખાનામાં કારીગર તરીકે નોકરી કરતો હતો.

પુનાને પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ હાલ વતન ઓરિસ્સામાં રહે છે. પુના પોલાઈ સાથે ભાડાની રૂમમાં તેનો એક મિત્ર રહેતો હતો. આ રૂમ પાર્ટનરે જ કોઈક ઝઘડાને પગલે પુનાની હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. પોલીસે પુના પોલાઈની હત્યાના સમાચાર તેના વતન પરિવારજનોને આપી હત્યારાની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top