એક દિવસ ગાર્ડનમાં રોજ હસતા હસાવતા ધીરજ્કાકાને એક જણે મજાકમાં કહ્યું, ‘દોસ્ત, તું જીવનમાં કયારેય શાંત અને સીરીયસ થયો છે કે નહિ કે પછી આખો દિવસ આમ જ મસ્તી અને મજાક …’ધીરજકાકા એક જોક કહેતા હસ્યા અને બોલ્યા, ‘ભાઈ, કેમ હું હસતો રહું તો તને કંઈ વાંધો છે? જીવનમાં હંમેશા હસતાં જ રહેવું જોઈએ.’ બીજા એક મિત્રે ટકોર કરી, ‘દોસ્ત, એ તો જીવનમાં કોઈ તકલીફ ન હોય …ત્યારે બોલવું સહેલું લાગે કે હંમેશા હસતાં જ રહેવું જોઈએ…જિંદગી કંઈ બધા માટે સહેલી નથી હોતી.’ધીરજકાકા બોલ્યા, ‘સાવ સાચું કહ્યું દોસ્ત, જિંદગી સહેલી નથી …જિંદગી તો બહુ અઘરી છે, પણ જિંદગી જિંદાદિલીથી જીવવી જોઈએ…જિંદગી કંઈ પણ આપે તેનો હસીને જ સ્વીકાર કરી આગળ વધતાં રહેવું જરૂરી છે.’પેલા મિત્રે ફરી કહ્યું, ‘દોસ્ત, તારો તો ધીકતો ધંધો છે , એક જ દીકરો છે …મોટું ઘર છે ..જિંદગીએ તને બધું મનગમતું આપ્યું છે એટલે તું આજે આ હસતાં રહેવાની સલાહ આપે છે.જેને બધું તારી જેમ મનગમતું ન મળ્યું હોય તે કેવી રીતે હસીને જીવે?? છે કોઈ જવાબ?’
બીજા બધા દોસ્તો પણ ધીરજ્કાકા શું જવાબ આપે છે તે જાણવા આતુર બન્યા ,ઘણાંના મનમાં હતું કે કાકા ખીજાઈ જશે.પણ ધીરજકાકા હસ્યા અને બોલ્યા, ‘દોસ્ત, મારી જિંદગીએ મને કંઈ પહેલેથી બહુ મનગમતું આપ્યું છે એવું નથી.જિંદગીમાં મેં પણ એક નહિ, ઘણી ઠોકરો ખાધી છે.પણ દરેક ઠોકર પાસેથી જિંદગીનો નવો સબક શીખીને હું આગળ વધ્યો છું.મારી જિંદગીની ઠોકરોએ મને શીખવ્યું છે કે કોઈ પણ મુશ્કેલીઓ આવે …આગળનો રસ્તો ગમે તેવો હોય …અટકો નહિ …પોતાની જાત પર અને પોતાના પગ પર ભરોસો રાખી આગળ ચાલતા રહો…બસ, હું અટક્યા વિના ચાલતો રહ્યો છું.ભૂલમાંથી શીખીને …ઠોકરમાંથી અનુભવ મેળવીને આગળ વધ્યો છું.
મેં જીવનમાં શીખ્યું છે કે જો આપણા વિચારો સારા અને નિયત સાફ હોય તો આગળ બધા રસ્તા ખૂલે છે, કામ થવા લાગે છે.દોસ્ત, આપણા બધાની જિંદગી ખાસ છે, ભગવાને ખાસ આપણને બનાવ્યા છે અને આ જિંદગી જીવવા આપી છે તો પછી શું કામ રડવું કે દુઃખમાં રહેવું કે હારીને બેસવું ..એટલે જ હું કહું છું જિંદગીમાં જે થાય તે સ્વીકારો …હસતાં રહો અને આગળ વધતાં રહો.’ધીરજકાકાએ પોતે શીખેલો જિંદગીનો સબક બધા મિત્રોને શીખવ્યો.