ધેજ: (Dhej) ચીખલીમાં માર્ગ અકસ્માતના (Accident) બે જુદા જુદા બનાવોમાં બેનાં મોત નીપજ્યાં છે. એક બનાવમાં મોટરસાયકલ (Motorcycle) પરથી નીચે પટકાયેલા યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બનાવમાં પેટ્રોલ ભરાવવા ઉભેલા એક આધેડને ટ્રકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું છે.
- ચીખલીમાં અકસ્માતમાં બેનાં મોત: પેટ્રોલ ભરાવવા ઉભેલા આધેડને ટ્રકે કચડી માર્યો
- અન્ય બનાવમાં કેરી લઈને જતાં યુવક બાઈક પરથી નીચે પટકાતાં ગંભીર ઈજાઓને પગલે મોત
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગણદેવી તાલુકાના ભાઠા લાલી ફળીયા ખાતે રહેતા મીનેશ મોહન પટેલ (ઉ.વ-૪૨) પોતાના કબ્જાની પેશન મો.સા નં-જીજે-૨૧-આર-૨૫૦૪ ઉપર પાછળના ભાગે કેરીના બે કેરેટ દોરીથી બાંધી ચીખલીના પીપલગભણ ગામે જઇ રહ્યો હતો. દરમ્યાન ચીખલી ખેરગામ માર્ગ ઉપર મીનેશભાઈ અચાનક મોટર સાયકલ ઉપરથી પડી જતાં તેમને કપાળના જમણાં ભાગે ઇજા થતાં ૧૦૮ની મદદથી ચીખલીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગે મરનારના પુત્ર સુનિલ પટેલે ફરિયાદ કરતા પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં ચીખલી તાલુકાના સિયાદા દુકાન ફળીયા ખાતે રહેતા સુરેશભાઈ મેરવાનભાઈ પટેલ (ઉ.વ-૫૫), તેમની બજાજ કાવાસાકી મોટર સાયકલ લઇ ફડવેલ માર્ગ ઉપર જઇ રહ્યા હતાં. તેઓ ફડવેલ ગામતળ ફળીયા પીએચસી ગેટની પાસે દુકાન પર પેટ્રોલ પુરાવા ઉભા હતાં, તે દરમ્યાન સારવણી તરફથી ગાયત્રી બોરવેલ ટ્રક નં-જીજે-૦૩-એચઇ-૪૦૫૬ના ચાલકે બોરવેલની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પેટ્રોલ લેવા ઉભા રહેલા સુરેશ પટેલને અડફેટે લેતાં તેમને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.
પોલીસે ઉપરોક્ત બંને અકસ્માત ના બનાવમાં ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ કે.એસ.ભોયેએ હાથ ધરી છે.
દાદરાની કંપનીમાં ફોર્કલિફ્ટની ટક્કર લાગતાં હેલ્પર યુવકનું મોત
સેલવાસ – દમણ: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામમાં આવેલી એક કંપનીમાં કામ કરતા એક હેલ્પરને ફોર્કલિફ્ટની ટક્કર વાગતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દાદરા સ્થિત હાઈ સ્ટાઈલ ફેશન પ્રાઇવેટ લિમિટેડમાં છેલ્લા બે વર્ષથી હેલ્પર તરીકે શુભમ રાજભર (ઉં. વર્ષ 20 રહેવાસી દાદરા મૂળ રહેવાસી આઝમગઢ યુપી) કામ કરી રહ્યો હતો. નોકરી દરમિયાન તેને ફોર્કલિફ્ટની ટક્કર લાગતા તેને માથાના અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
ઇજા પામેલા શુભમને કંપની સંચાલકો દ્વારા તુરંત સારવાર અર્થે વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે કામદારને મૃત ઘોષિત કર્યો હતો. મરણ જનાર કામદાર છેલ્લા બે વર્ષથી અમિત સિંહ નામના કોન્ટ્રાકટરના હાથ નીચે કામ કરી રહ્યો હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે ઘટના અંગેની જાણ દાદરા પોલીસને થતાં પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર આવી જરૂરી કાર્યવાહી કરી આ મામલે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી રહી છે.