World

સમલૈંગિકોને સજા એ મોત: આ દેશમાં LGBTQ વિરુદ્ધ સૌથી કડક કાયદો ઘડાયો

નવી દિલ્હી: યુગાન્ડાના (Yuganda) રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ સોમવારે સમલૈંગિકો (Homosexuals) વિરુદ્ધ વિશ્વનો સૌથી કડક કાયદો પસાર કર્યો છે. આ કારણે હવે ત્યાં સમલૈંગિક સંબંધ રાખવા પર આજીવન કેદથી લઈને મૃત્યુદંડની (Death Penalty) સજા થઈ શકે છે. યુગાન્ડામાં અગાઉ પણ સમલૈંગિક સંબંધો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આવી ગંભીર સજાની જોગવાઈ નહોતી.

કાયદો પસાર કરતી વખતે સાંસદોએ સમલૈંગિક સંબંધોને સમાજના મૂલ્યોની વિરુદ્ધ ગણાવ્યા છે. આ સાથે તેમણે કાયદાનું યોગ્ય રીતે પાલન થાય તે માટેના શપથ પણ લીધા છે. કાયદો પસાર થતાની સાથે જ સમગ્ર વિશ્વમાં તેની ટીકાઓ શરૂ થઈ ગઈ છે. યુએસ પ્રમુખ જો બિડેને તો યુગાન્ડાના કેટલાંક અધિકારીઓ પર પ્રતિબંધો લાદવાની અને ત્યાં યુએસ રોકાણ ઘટાડવાની ધમકી આપી છે.

યુગાન્ડામાં નવા કાયદા અનુસાર, 18 વર્ષથી ઓછી ઉંમરની અથવા એચઆઈવી સંક્રમિત વ્યક્તિ સાથે સમલૈંગિક સંબંધ બાંધવા પર મૃત્યુદંડની સજા થઈ શકે છે સાથે જ સમલૈંગિકતાને પ્રોત્સાહન આપવા પર 20 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે.

જો કે, કોઈ વ્યક્તિ ફક્ત ગે, લેસ્બિયન અથવા હોમોસેક્સ્યુઅલ હોવા પર કોઈ સજા થશે નહીં. સજા ત્યારે જ થશે જ્યારે તે સમલૈંગિક સંબંધોમાં સામેલ થશે. જો કે, મુસેવેનીએ સંસદસભ્યોને ‘એગ્રેવેટેડ હોમોસેક્સ્યુઆલિટી’ને મૃત્યુદંડની જોગવાઈને પડતી મૂકવાની કરેલી સૂચનાને સંસદસભ્યોએ નકારી કાઢી હતી.

આનો અર્થ એ છે કે પુનરાવર્તિત અપરાધીઓને મૃત્યુદંડ આપવામાં આવી શકે છે. જો કે, યુગાન્ડાએ ઘણા વર્ષોથી મૃત્યુદંડની સજા હાથ ધરી નથી. માર્ચની શરૂઆતમાં, જ્યારે આ બિલને પસાર કરાવવા માટે રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું હતું, ત્યારે કોઈ વ્યક્તિ ગે હોય તો પણ તેને સજા કરવાની વાત હતી, જેને રાષ્ટ્રપતિએ વાંધો ઉઠાવ્યા બાદ હટાવી દેવામાં આવ્યો હતો.

આફ્રિકામાં યુગાન્ડા એકમાત્ર એવો દેશ નથી કે જ્યાં સમલૈંગિક સંબંધો પર પ્રતિબંધ છે. 30 થી વધુ દેશોમાં સમલૈંગિક સંબંધો બનાવવા પર પ્રતિબંધ છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા પર સુપ્રીમ કોર્ટમાં ચર્ચા ચાલી રહી છે. સરકારનું કહેવું છે કે અમારા કાયદા, સમાજ અને મૂલ્યો સમલિંગી લગ્નની વિરુદ્ધ છે.

Most Popular

To Top