પલસાણા: (Palsana) પલસાણાના વાંકાનેડા ગામે પાટીચાલ ખાતે રહેતી એક વિધવા તેના પુત્ર (Son) તથા પુત્રવધૂ સાથે મળી વિદેશી દારૂનો (Alcohol) ધંધો કરતી હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળતાં તેમણે અલગ અલગ બે સ્થળે રેઇડ કરી ૬૨ હજારથી વધુનો દારૂ કબજે કરી બે મહિલાને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
- વાંકાનેડાની પાટીચાલમાં 62 હજારના દારૂ સાથે બે મહિલા ઝડપાઈ
- વિધવા મહિલા તેની પુત્રવધૂ સાથે મળીને દારૂનો ધંધો કરતી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કડોદરા પોલીસમથકની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, પલસાણાના વાંકાનેડા ગામે પાટીચાલ ખાતે રહેતી એક વિધવા મહિલા તેનો પુત્ર તથા તેની વહુ મળીને વિદેશી દારૂનો ધંધો કરી રહ્યા છે. જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વાંકાનેડા ગામે પાટીચાલ ખાતે આવી બાતમીવાળા ગલ્લામાં તપાસ કરતાં તેમાં બેઠેલા લક્ષ્મીબેન વાડીલાલભાઇ પટેલને પોલીસે ઝડપી પાડી ગલ્લામાં વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો કબજે કર્યો હતો.
પોલીસે તેમના ઘરે જઇ તપાસ કરતાં ત્યાંથી પણ વિદેશી દારૂ દારૂનો જથ્થો મળી કુલ બાટલી નંગ ૩૨૪ કિંમત ૬૨૨૧૦ રૂપિયા તથા રોકડ મળી કુલ ૬૩૧૧૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસે દારૂનું વેચાણ કરતાં લક્ષ્મી વાડીલાલ પટેલ, હિના જિગ્નેશ પટેલને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમજ જિગ્નેશભાઇ પટેલ તથા દારૂ આપનાર સન્ની ઉર્ફે સોહન કિશોરભાઇ પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી હતી.