National

સંસદના ઉદ્ધાટન મુદ્દે પીએમ મોદીના સમર્થનમાં આવ્યાં આ પૂર્વ IAS

નવી દિલ્હી: નવા સંસદભવનના (Parliament House) ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28 મેના રોજ પીએમ (PM) મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ અંગે અનેક રાજકીય પક્ષોએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. વિપક્ષી નેતાઓનું માનવું છે કે પીએમને બદલે રાષ્ટ્રપતિએ ઉદ્ઘાટન કરવું જોઈએ. તે જ સમયે, દેશના 260 થી વધુ પ્રતિષ્ઠિત લોકોએ બહિષ્કાર માટે વિરોધ પક્ષોની નિંદા કરી છે.

260થી વધુ નાગરિકોએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવા બદલ વિપક્ષની નિંદા કરી હતી. જેમાં 88 નિવૃત્ત અમલદારો, 100 પ્રતિષ્ઠિત નાગરિકો અને 82 શિક્ષણવિદોનો સમાવેશ થાય છે. આ લોકોએ સંયુક્ત નિવેદન જારી કરીને વિપક્ષની ટીકા કરી છે. જાણકારી મુજબ સંયુક્ત નિવેદન જારી કરનારાઓમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના ભૂતપૂર્વ ડિરેક્ટર વાયસી મોદી, ભૂતપૂર્વ IAS અધિકારીઓ આરડી કપૂર, ગોપાલ કૃષ્ણ અને સમીરેન્દ્ર ચેટર્જી ઉપરાંત લિંગાયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અનિલ રોય દુબેનો સમાવેશ થાય છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવા સંસદ ભવનનો ઉદ્ઘાટન સમારોહ તમામ ભારતીયો માટે ગર્વનો પ્રસંગ છે. પરંતુ વિરોધ પક્ષ આ પ્રસંગે રાજનીતિ કરવામાં વ્યસ્ત છે. તેમના પોકળ દાવાઓ અને પાયાવિહોણી દલીલો સમજની બહાર છે. પીએમ નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરી રહ્યા છે અને તેના આધારે લોકો સમારંભનો બહિષ્કાર કરી લોકશાહીની લાગણીઓને ખુલ્લેઆમ ઠેસ પહોંચાડી રહ્યા છે.ઉપરાંત નિવેદનમાં એવા પ્રસંગોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિરોધ પક્ષોએ વર્ષ 2017, 2020, 2021 અને 2022માં પણ બહિષ્કાર કર્યો હતો.

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તાજેતરમાં જ વડાપ્રધાનને મળ્યા હતા અને તેમને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું હતું. મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. મોદીએ વર્ષ 2020માં આ ઈમારતનો શિલાન્યાસ પણ કર્યો હતો અને તે સમયે પણ મોટાભાગના વિપક્ષી દળો કાર્યક્રમથી દૂર રહ્યા હતા.

Most Popular

To Top