SURAT

સુરતી યુવતીઓમાં વધતું સિક્સ પેક એબ્સ બનાવવાનું ઝૂનૂન

‘સિક્સ પેક એબ્સ’ (Six Pack Abs) આ શબ્દ કાને અથડાતા જ આજના યુવાનોની આંખમાં ચમક આવી જાય છે. યંગ જનરેશન સિક્સ પેક એબ્સ વાળી બોડી બનાવવા જિમમાં કલાકો પરસેવો પાડી રહ્યા છે. પણ કેટલાંક વર્ષો પહેલાં સિક્સ પેક એબ્સ આ શબ્દથી ભારતીય યુવા વર્ગ અજાણ હતો. 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં શાહરુખ ખાનના (Shahrukh Khan) સિક્સ પેક એબ્સએ આકર્ષણ જમાવ્યું હતું. બાદમાં ગજની ફિલ્મમાં આમિર ખાનની બોડીનો શેપ અને વોન્ટેડ તથા દબંગમાં સલમાન ખાનની સિક્સ પેક એબ્સના લુકે યુવાઓમાં સિક્સ પેક એબ્સ માટે શગલ અને ઝૂનૂન જગાવ્યું. પણ સુરતની વાત કરીએ તો સુરતી યુવતીઓ પણ હવે સિક્સ પેક એબ્સ બનાવવા તરફ વળી છે.

આપણા સિટીમાં આવી યુવતીઓની સંખ્યા વધી રહી છે. જોકે, સિક્સ પેક એબ્સ વાળી બોડી પુરુષો જેવી લાગતી હોવાની માન્યતા ઘર કરી ગઈ હોવાથી હજી પણ ઈચ્છા અને મન હોવા છતાં કેટલીયે યુવતીઓ સિક્સ પેક એબ્સ બનાવતા ખચકાઈ રહી છે. આપણે અહીં સુરતની એવી યુવતીઓની વાત લઈને આવ્યા છે જેમણે સિક્સ પેક એબ્સ બનાવ્યા છે. તો શા માટે? તેમને આના માટે ક્યાંથી પ્રેરણા મળી? બોડીને આવો શેપ આપવા કેવું વર્ક આઉટ અને ડાયટ ફોલો કરે છે? શું તેમના આ બોડી શેપને લઈને તેઓની લોકો ટીકા કરે છે? ચાલો જાણીએ…

સિક્સ પેક બનાવવું મારો શોખ છે જ્યારે ટેક્સટાઇલ ડિઝાઇનિંગ મારી જોબ છે: રોહિણી પટેલ
રોહિણી પટેલ ટેક્સટાઇલ ડિઝાઈનર છે. તે જણાવે છે કે, હું વુમન ફિઝિક્સ, બોડી બિલ્ડીંગ અને વેઈટ લીફટિંગ કરું છું. સુરતમાં સ્ટેટ લેવલની વેઇટ લીફટિંગ કોમ્પિટિશનમાં ગોલ્ડ અને વુમન ફિઝિકસમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. અમદાવાદમાં આયોજિત નેશનલ લેવલની બિકીની કોમ્પિટિશનમાં ગોલ્ડ અને મુંબઈમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. મેં સિક્સ પેક એબ્સ બનાવ્યા છે તેના માટે હું સ્ટ્રીકટ ડાયટ અને વર્કઆઉટ પર ફોક્સ કરું છું. પહેલા મેં યોગામાં ફોક્સ કર્યું હતું. પછી જિમમા ગયા બાદ સિક્સ પેક બનાવ્યા. ટેક્સટાઇલ ડિઝાઇનિંગ મારી જોબ છે જ્યારે સિક્સ પેક એબ્સ બનાવવા મારો શોખ છે. મારા સિક્સ પેકથી આકર્ષિત થઈ ઘણી યુવતીઓ મને કહેતી હોય છે કે તેમને પણ મારા જેવા એબ્સ બનાવવા છે. કેટલાક લોકોએ ટીકા કરતા કહ્યું હતું કે આવું બોડી કેમ બનાવ્યું ?

શરૂઆતમાં લોકો કહેતા આ શું પુરુષો જેવી બોડી બનાવી છે: રોશની સિંઘ
બોડી બિલ્ડીંગ કોમ્પિટિશનમાં ચાર વર્ષથી મિસ ગુજરાતનું ટાઇટલ મેળવી રહેલી રોશની સિંઘે રોજના બેથી અઢી કલાકનું વર્ક આઉટ કરીને અને સ્ટ્રીકટ ડાયટ ફોલો કરીને સિક્સ પેક એબ્સ બનાવ્યા છે. તેમનું મસલ્સ બતાવતું બોડી શેપ જોઈને ભલભલા લોકો અચંબિત થઈ જાય છે. તેમણે જણાવ્યું કે હું સ્કૂલ-કોલેજમાં હતી ત્યારથી જ સ્પોર્ટ્સ જેમકે, રનિંગ,, હાઇજમ્પ, શોટપુટમાં આગળ હતી. મને એવું લાગતું કે હું એવું કામ કરૂં જે કોઈ ફિમેલ નથી કરતી અને એના માટે મેં વુમન ફિઝિક્સ, બોડી બિલ્ડીંગ શરૂ કર્યું અને સિક્સ પેક એબ્સ બનાવ્યા. સિક્સ પેક એબ્સ એબ્સ માટે શરૂઆતમાં કેટલાય લોકોએ ટીકા કરી અને મને મહેણું મારતા કે આ શું પુરુષ જેવી બોડી બનાવી રાખી છે. જોકે હવે લોકો મને એપ્રિસીએટ કરે છે. પણ સુરતમાં હજી પણ સિક્સ પેક એબ્સ બનાવનારી ગણીગાંઠી મહિલાઓ છે.

પુરુષો શરમાય જાય છે કે છોકરી હોવા છતાં તેના સિક્સ પેક છે જ્યારે અમારા નથી: નિશા સિંઘ
નિશા સિંઘે કહ્યું કે ગયા વર્ષે સુરતમાં આયોજિત નેશનલ લેવલની બોડી બિલ્ડીંગની કોમ્પિટિશનમાં હું ફર્સ્ટ રનર અપ રહી હતી. જ્યારે 2020માં મુંબઈમાં આયોજિત આ કોમ્પિટિશનમાં મારો પાંચમો રેન્ક આવ્યો હતો. સિક્સ પેક્સ બનાવવા માટે બોડી બિલ્ડીંગ કરવું પડે છે. મને બાળપણથી ફિટનેસ માટેનો ક્રેઝ હતો. બોડી બિલ્ડીંગ અને સિક્સ પેક એબ્સ માટે હું રોજના ત્રણથી ચાર કલાક વર્ક આઉટ કરું છું. સ્ટ્રીકટ ડાયટ ફોલો કરું છું તેમાં લો કાર્બ ઇનટેક્ટ હોય છે. અને હાઈ પ્રોટીન લઉં છું. મારા સિક્સ પેક જોઈને કેટલીક છોકરીઓ વ્યંગ કરતા કહેતી હોય છે કે સિક્સ પેક છોકરીઓ પર સારા નથી લાગતા. જ્યારે પુરુષો તો શરમાય જાય છે કે આ છોકરી થઈને સિક્સ પેક એબ્સ લઈને ફરે છે જ્યારે અમે પુરુષ થઈને અમારા સિક્સ પેક નથી.

રોજના 7 કલાકના વર્કઆઉટથી સિક્સ પેક એબ્સ બન્યા છે: વિદ્યા શર્મા
17 વર્ષની વિદ્યાએ હાલમાં જ 12માં ધોરણની પરીક્ષા આપી છે. વિદ્યા છેલ્લાં 4 વર્ષથી વેઈટ લીફટિંગ કરે છે. તેણે નેશનલ ગેમ્સમાં વેઇટ લીફટિંગ કોમ્પિટિશનમાં પાર્ટીસીપેટ કર્યું હતું. તેણે જણાવ્યું કે હું રોજ સવારે 3 અને સાંજે 4 કલાક વર્કઆઉટ કરું છું. મને પાણીપુરી બહુ ભાવે છે પણ મારે સ્ટ્રિકટલી ડાયટ ફોલો કરવાનું હોય છે એટલે મેં એક વર્ષથી પાણીપુરી નથી ખાધી. હું સપ્રાઉટ્સ, પનીર, પ્રોટીન ડાયટમાં લઉં છું. વિદ્યાએ જણાવ્યું કે આપણા સમાજની એવી મેન્ટાલિટી રહી છે કે, મસલ્સ છોકરાઓ પર સારા લાગે છે છોકરીઓ પર નહીં. છોકરીઓ મસલ્સ બનાવે તો તે છોકરા જેવી લાગશે. ખરેખર આવી મેન્ટાલીટી બદલવાની જરૂર છે. મારું મસલ્સ બનાવવાનું મન હતું અને મેં હાર્ડવર્કથી તે બનાવ્યા છે. મને પણ ઘણા લોકો એવું કહે છે કે, તું છોકરા જેવી દેખાશે આ છોડી દે. પણ આ મારું પેસન છે મારા ઘરના લોકો મને સપોર્ટ કરે છે.

Most Popular

To Top