SURAT

ફ્રૂટ્સ અને વેજીટેબલ્સની છે અનોખી કળા લોકો કેમ રહે પછી ખાવાથી વેગળા?!

બજારમાં જાઓ અને ત્યાં રંગબેરંગી અને જાતજાતના શાકભાજી અને ફ્રૂટ્સ જોવામાં તો એટલાં સરસ લાગે પરંતુ ઘણાં લોકોને તે ખાવાના જરાય નહીં ભાવે. બાળકોની વાત તો સામાન્ય છે પરંતુ મોટેરાઓ પણ કેટલાક ફળો અને શાકભાજી જોઈને મોઢું ચઢાવતાં હોય છે. પણ એ તો હકીકત છે કે, આપણાં શરીર માટે એ ખાવા ખુબ જ જરૂરી છે. આ વાત દરેકને ખબર હોવાથી મને કમને પણ ખાઈ તો લેતાં જ હોય છે. જો કે આજની પેઢી થોડી એડવાન્સ્ડ છે એટલે એ મોઢું બગાડીને દવાની જેમ ખાવા કરતાં અલગ રીતે કટિંગ કરીને ડેકોરેટિવ બનાવીને ખાવાનું પસંદ કરે છે જેથી સુંદર ડિઝાઇન જોઈને તમે તેને ખાધા વગર રહી ન શકો. ને એટલે જ આજે ફ્રૂટ્સ અને વેજીટેબલ કાર્વિંગનો બિઝનેસ કરનારાઓની ડિમાન્ડ વધી રહી છે, તો ચાલો જાણીએ કે તેમના કેવા કેવા આઇડિયાઝ દ્વારા સુરતીઓ ફ્રૂટ્સ અને વેજીટેબલ આરોગવાનુ પસંદ કરે છે.

મેંદા ફ્રી કેક્સ માટે ડાયાબીટીસના દર્દીઓની ખાસ્સી ડિમાન્ડ હોય છે : રાખી દેસાઇ
રાખી દેસાઇ કહે છે કે, લોકોને આરોગ્ય તો જાળવવું હોય પરંતુ ફ્રૂટ્સ અને વેજીટેબલ ખાવા પ્રત્યે ખાસ્સા ઉદાસીન છે અને આ જ કારણે આજે મોટાભાગના લોકોમાં વિટામીન્સની કમી જોવા મળી રહી છે. એકવાર મારી અમેરિકા રહેતી સિસ્ટરે મને ફ્રૂટ કેકનો ફોટો મોકલીને કહ્યું કે, ‘’તારું માઇન્ડ બહુ ક્રિએટિવ છે, તું આ બનાવવાની ટ્રાય કર’’ અને મેં તે બનાવી અને ઘરેથી જ શરૂઆત કરીને આજે અવનવી ડિઝાઇનમાં ફ્રૂટ્સ અને વેજીટેબલ કટિંગ અને કાર્વિંગનો બિઝનેસ શરૂ કર્યો છે. જેમાં હું ખાસ કરીને સિઝનલ ફ્રૂટ્સ અને વેજીટેબ્લ્સનો ઉપયોગ કરીને કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણેના શેપમાં કટિંગ કરી આપું છુ. મારા કસ્ટમરમાં ખાસ કરીને ડાયાબિટીઝના પેશન્ટ વધુ હોય છે. કારણ કે હું તેમની હેલ્થને ધ્યાનમાં રાખીને ફ્રૂટ્સનો ઉપયોગ કરૂ છુ. આ સિવાય ફ્રેસ ફ્રૂટ્સમાથી મેંદા ફ્રી બનતી મારી કેક્સની ડિમાન્ડ પણ વધુ રહે છે.’’

કાચા શાકભાજી કરતાં ફ્રૂટ્સની ડિમાન્ડ વધુ રહે છે : અનિતા બિજવાલા
અનિતા બિજવાલા કહે છે કે, હું અલગ અલગ ક્રિએટિવિટી સાથે સંકળાયેલી છુ. અને અવાર નવાર મારે મેરેજ ફંક્શન કે પાર્ટીઓમાં જવાનું થાય છે એટલે ત્યાં જમવાનું તો સરસ હોય જ છે પરંતુ સાથે સાથે ત્યાં આકર્ષક રીતે સજાવેલા ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ મને બહુ જ ગમતાં. એટલે મારા ક્રિએટિવ માઇન્ડના કારણે હું ઝડપથી આ શીખી ગઈ અને મિત્રો માટે તથા ફંક્શનમાં પણ ડેકોરેટિવ ફ્રૂટ્સ અને વેજીટેબલ કાર્વિંગ કરું છુ. લોકોમાં વેજીટેબલનો ખાસ ક્રેઝ નથી પરંતુ કાચા ફ્રૂટ્સ આસાનીથી ખાઈ શકાતા હોવાથી તેની ખાસ ડિમાન્ડ રહે છે. હું તરબૂચ, દ્રાક્ષ, પપૈયાં, કેળાં, ફ્લાવર જેવા ફ્ળો અને શાકભાજીથી ડિમાન્ડ પ્રમાણે આર્ટિસ્ટિક શેપ આપું છુ. લોકોને ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ભાવે એ માટેનો આ સારો આઇડિયા છે.’’

સરસ સજાવેલા ફૂડના કારણે ન ભાવતું હોવા છતાં મન લલચાઇ જાય: અંકિતા પટેલ
અંકિતા પટેલ જણાવે છે કે, ‘’મને ડેકોરેશન, રસોઇ કે કપડાંમાં પણ કોઈક ક્રિએટિવિટી તો જોઈએ જ. એટલે ખાવાની વાત આવે ત્યારે પણ સરસ રીતે સજાવેલા ફૂડ ના કારણે ન ભાવતું હોવા છતાં મન લલચાઇ જ જાય છે. હાલમાં મારો દીકરો નાનો છે એટલે એને ફ્રૂટ્સ અને વેજીટેબલ ખવડાવવા માટે મારી કળાનો મેં પ્રયોગ કર્યો જેથી મારા દીકરા સહિત મારા પરિવારજનો હોંશે હોંશે ખાઈ લે છે. જો કે આ માટે મેં ઓનલાઈન વીડિયો જોયા અને પછી શિખતી ગઈ. ઘણીવાર કોઈક વિચિત્ર શેપ બની જતો પરંતુ આજે હું ગાજર, કોબીજ, ફ્લાવર,ભીંડા વગેરે વેજીટેબલ થી ડેકોરેટિવ પિસીસ બનાવું છું. પ્રોફેશનલ કામ તો નથી કરતી પરંતુ મિત્રોની ડિમાન્ડ હોય તો બનાવી આપું છું.’’

Most Popular

To Top