યુનિયન પબ્લિક સર્વિસ કમિશને (UPSC) મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા (Exam) 2022નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં ટોપ 4 માં ચાર યુવતીઓએ (Girls) મેદાન માર્યું છે. પરિણામ પ્રમાણે ગૌતમ બુદ્ધ નગરની બે દીકરીઓએ ટોપ કરીને જિલ્લા અને ઉત્તર પ્રદેશનું નામ રોશન કર્યું છે. જલવાયુ વિહાર સોસાયટી, ગ્રેટર નોઈડાની રહેવાસી ઈશિતા કિશોર ટોપર રહી છે જ્યારે સ્મૃતિ મિશ્રા દેશમાં ચોથા ક્રમે રહી હતી. બીજા નંબર પર ગરિમા લોહિયા અને ત્રીજા નંબર પર ઉમા હરિતિ એન. ટોપ ચારમાં બિરાજમાન છે. ઉમેદવારોના માર્ક્સ પરિણામ જાહેર થયાના લગભગ 15 દિવસ પછી જાહેર કરવામાં આવશે.
સિવિલ સર્વિસની 2022માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ મંગળવારે જાહેર થયું છે. UPSCએ 03 તબક્કામાં સિવિલ સર્વિસીઝ 2022 ઉમેદવારના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લીધા હતા, જેનો ત્રીજો અને અંતિમ તબક્કો 18 મે 2023ના રોજ પૂરો થયો હતો. પરિણામમાં ગુજરાત સ્પીપાના 16 ઉમેદવારો પણ શામેલ છે. જણાવી દઈએ કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષાના અંતિમ પરિણામમાં કુલ 933 ઉમેદવારોની નિમણૂક માટે પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 345 ઉમેદવારો બિનઅનામત છે, 99 EWS, 263 OBC, 154 SC અને 72 ST કેટેગરીના છે.
ટોપ 10 ઉમેદવારની યાદી
1. ઈશિતા કિશોર
2. ગરિમા લોહિયા
3. ઉમા હરતિ એન
4. સ્મૃતિ મિશ્રા
5. મયૂર હજારિકા
6. ગહના નવ્યા જેમ્સ
7. વસીમ અહેમદ ભટ
8. અનિરુદ્ધ યાદવ
9. કનિકા ગોયલ
10. રાહુલ શ્રીવાસ્તવ
આ પરીક્ષામાં ઈશિતા કિશોરે ટોપ કરીને નંબર વનનું બિરુદ મેળવ્યું છે. ઈશિતા કિશોર અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી સ્નાતક પૂર્ણ કર્યું. જ્યારે ઇશિતાએ એરફોર્સ બાલ ભારતી સ્કૂલ નવી દિલ્હીમાંથી કોમર્સ સ્ટ્રીમમાં 12મું પાસ કર્યું છે. યૂપીએસસીમાં ઈશિતાનું ઓલ ઈન્ડિયા ટોપ કરવું એટલા માટે પણ ખાસ છે કારણ કે તેણે ઘરેથી અભ્યાસ કરીને આ સ્થાન મેળવ્યું છે. તેણે પોલિટિકલ સાઇન્સ અને ઇન્ટરનેશનલ રિલેશનને વૈકલ્પિક વિષય તરીકે પસંદ કર્યા હતા.