અમદાવાદ : આઇપીએલમાં (IPL) આજે સોમવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શુભમન ગીલની આઇપીએલ કેરિયરની પ્રથમ સદી ઉપરાંત સાઇ સુદર્શન સાથેની તેની શતકીય ભાગીદારીની મદદથી ગુજરાત ટાઇટન્સે (GT) 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવીને મૂકેલા 189 રનનોલક્ષ્યાંક આંબવા મેદાને ઉતરેલી સનરાઇઝર્સે (SRH) 59 રનમાં પોતાની 7 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે હેનરિક ક્લાસેન અને ભુવનેશ્વર કુમારે 68 રનની ભાગીદારી કરીને ટીમને નાલેશીમાંથી બચાવી હતી. ક્લાસેન 44 બોલમાં 64 જ્યારે ભુવનેશ્વર 27 રન કરીને આઉટ થયો હતો. ગુજરાત વતી મહંમદ શમી અને મોહિત શર્માએ 4-4 વિકેટ ઉપાડી હતી.
આજે અહીં ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત ખરાબ રહી હતી. ગીલ અને સુદર્શને મળીને 147 રનની ભાગીદારી કરીને ટીમની સ્થિતિ સુધારી હતી. 14.1 ઓવરમાં 147 રને બીજી વિકેટ ગુમાવનાર ગુજરાત પર તે પછી ભુવનેશ્વરની આગેવાનીમાં બોલરોએ સંકજો કસ્યો હતો અને એક તબક્કે જે સ્કોર 230ની આસપાસ જતો દેખાતો હતો તે 188 રન સુધી સિમિત રહ્યો હતો. ગુજરાત વતી ગીલના 100 રન ઉપરાંત સુદર્શને 47 રનની ઇનિંગ રમી હતી, આ સિવાય કોઇ બેટર બે આંકડે પહોંચી શક્યો નહોતો. તેના ચાર બેટ્સમેન શૂન્યમાં આઉટ થયા હતા. સનરાઇઝર્સ વતી ભુવનેશ્વરે 30 રનમાં 5 જ્યારે માર્કો યાન્સેન, ફઝલહક ફારૂકી અને ટી નટરાજને 1-1 વિકેટ ખેરવી હતી.