નવી દિલ્હી: દિલ્હીની (Delhi) તિહાર જેલમાં બે ગેંગસ્ટરોની હત્યા (Murder) થયા પછી ત્યાંની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉભા થઈ રહ્યાં હતાં. ત્યારે જેલનાં ડીજીએ (DG) જેલની સુરક્ષા માટે ધણાં ફેરફારો કર્યા છે. ડીજીએ ગુરુવારે એક આદેશ બહાર પાડ્યો હતો જેમાં જેલનાં 99 અધિકારીઓ અને કર્મચારીઓના ટ્રાન્સફર (Transfer) કરવામાં આવ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે આવું કરવાથી ગેંગસ્ટરોની લિંક તૂટશે અને તેઓ અપરાધીઓની ગતિવિધિઓને રોકી શકાય.
તિહાર જેલમાં તૈનાત તમિલનાડુ સ્પેશિયલ પોલીસ (TNSP)ના સાત કર્મચારીઓને તમિલનાડુ પરત મોકલવામાં આવ્યા છે. તિહારની અંદર ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યાના મામલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. જેલ અધિકારીઓનું કહેવું છે કે જે સમયે ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યા કરવામાં આવી હતી, તે સમયે તમિલનાડુ સ્પેશિયલ પોલીસના આ સાત કર્મચારીઓ ત્યાં હાજર હતા. આ પહેલા ડીજીપી (દિલ્હી જેલ) સંજય બેનીવાલે તમિલનાડુ પોલીસને પત્ર લખીને આ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યા બાદથી જેલની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યાં હતાં
દિલ્હીની તિહાર જેલમાં ખતરનાક ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યા બાદથી જેલની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. તિહાર જેલની અંદરથી સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં હત્યારાઓ તિલ્લુ તાજપુરિયાને નિર્દયતાથી મારતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. સુનિલ બાલ્યાન ઉર્ફે તાજપુરિયા સપ્ટેમ્બર 2021માં રોહિણી કોર્ટ શૂટઆઉટ કેસમાં મુખ્ય આરોપી હતો, જેમાં તેના મિત્રમાંથી ગેંગસ્ટર બનેલા જીતેન્દ્ર માન ઉર્ફે ગોગીનું મોત થયું હતું.
આ વર્ષે એપ્રિલમાં ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા પહેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય પ્રિન્સ તેવટિયા પણ તિહાર જેલની અંદર ગેંગ વોરમાં માર્યો ગયો હતો. જેલ નંબર 3, તેવટિયાને પાંચ-સાત વાર માર મારવામાં આવ્યો હતો. આ પછી તેમને દિલ્હીની દીન દયાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું.