Sports

વર્લ્ડકપની તારીખ જાહેર, ભારત અને પાકિસ્તાન વચ્ચે આ દિવસે ખેલાશે મહાજંગ

નવી દિલ્હી: ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતની ધરતી પર રમાવાનો છે. હવે આ વર્લ્ડ કપને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ મુજબ વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે અને ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે.

અનેક વિવાદ અને આનાકાની બાદ આખરે પાકિસ્તાનની ટીમ પણ વર્લ્ડ કપ 2023માં ભાગ લેવા જઈ રહી છે. પાકિસ્તાન વર્લ્ડ કપ માટે ભારતના પ્રવાસ માટે સંમત થઈ ગયું છે. પરંતુ એવા અહેવાલો છે કે પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં ગ્રુપ મેચ રમવા માંગતી નથી.

વર્લ્ડ કપ 2023 ના મહત્વના અપડેટ્સ

  • ઓપનિંગ મેચ: 5 ઓક્ટોબર, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, અમદાવાદ
  • ભારતની પ્રથમ મેચ: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
  • ભારત-પાકિસ્તાન મેચ: 15 ઓક્ટોબર
  • ફાઈનલ મેચ: 19 નવેમ્બર, અમદાવાદ

સૂત્રો મુજબ, 1992ની વર્લ્ડ કપ વિજેતા ટીમ પાકિસ્તાન તેની મેચો અમદાવાદ, હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગલુરુમાં રમશે. 15 ઓક્ટોબર (રવિવાર)ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાય તેવી સંભાવના છે. ટૂર્નામેન્ટની શરૂઆત અને ફાઇનલ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાય તેવી શક્યતા છે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે રમશે.

અમદાવાદ ઉપરાંત ચેન્નાઈ, બેંગ્લોર અને હૈદરાબાદ, કોલકાતા, દિલ્હી, ઈન્દોર, ધર્મશાલા, ગુવાહાટી, રાજકોટ, રાયપુર અને મુંબઈમાં વર્લ્ડ કપ મેચોની યજમાની કરવાનો મોકો મળવા જઈ રહ્યો છે. જ્યારે મોહાલી અને નાગપુરને યજમાન શહેરોની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. 2011 ODI વર્લ્ડ કપની ફાઈનલની યજમાની કરનાર વાનખેડે સ્ટેડિયમને આ વખતે સેમીફાઈનલ મેચની યજમાની કરવાનો મોકો મળી શકે છે.

2019 વર્લ્ડ કપની જેમ આ વખતે પણ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં મેચો રમાશે, જેમાં દરેક ટીમ એક વખત બીજી ટીમ સામે રમશે. એટલે કે ગ્રૂપ સ્ટેજની સમાપ્તિ બાદ તમામ ટીમો 9-9 મેચ રમી હશે. ગ્રૂપ-સ્ટેજમાં ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં એકબીજા સામે ટકરાશે.

Most Popular

To Top