World

ઈમરાન ખાનની ધરપકડના વિરોધમાં પાકિસ્તાનમાં તોફાન: લાહોરમાં ગર્વનર હાઉસ સળગાવાયું, 8ના મોત

નવી દિલ્હી: ઇમરાન ખાનની ધરપકડ બાદ પેશાવર, ઈસ્લામાબાદ સહિતના શહેરોમાં ફાટી નીકળેલી હિંસામાં 8ના મોત થયાના અહેવાલ છે. તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના સમર્થકોએ મોડી રાત્રે રાવલપિંડીમાં આર્મીના હેડક્વાર્ટર પર પણ તોડફોડ કરી હતી. લાહોરમાં ગર્વનર હાઉસ સળગાવી દેવાયું છે. કરાંચીના કેન્ટ વિસ્તારમાં તોફાન થયા હતા. દરમિયાન ઈમરાન ખાન આગામી 5 દિવસ તપાસ એજન્સી NABની કસ્ટડીમાં રહેશે.

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ (Pakistan Ex PM Imran Khan Arrest) બાદ પાકિસ્તાનમાં તોફાનો ફાટી નીકળ્યા છે. દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે. દેશભરમાંથી હિંસાના અહેવાલો છે. ઈમરાનના સમર્થકો આગચંપી અને તોડફોડ કરી રહ્યા છે. હિંસાને કારણે ઈસ્લામાબાદ પોલીસે ઈમરાનને કોર્ટમાં રજૂ ન કરવાનો નિર્ણય લીધો છે. જ્યાં ઈમરાનને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે, ત્યાં જ કોર્ટ રાખવામાં આવશે અને જ્યુડિશિયલ કસ્ટડીની સુનાવણી કરશે.

આ દરમિયાન તપાસ એજન્સી નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) કોર્ટ પાસે તેમના મહત્તમ રિમાન્ડની માંગ કરી શકે છે. માનવામાં આવે છે કે ઈમરાન ખાનને 4-5 દિવસની કસ્ટડીમાં મોકલી શકાય છે. આ પહેલા મંગળવારે ઈમરાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટે પણ આંચકો આપ્યો હતો. હાઈકોર્ટે ઈમરાનની ધરપકડને યથાવત રાખી છે.

દરમિયાન વિશ્વના ઘણા દેશોમાં ઈમરાન ખાનના સમર્થકો તેમની ધરપકડના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. ઈમરાન ખાનના પક્ષ પીટીઆઈએ ડલ્લાસ, ટોરોન્ટો, શિકાગો, ન્યૂયોર્ક, માન્ચેસ્ટર અને લંડનમાં વિરોધ પ્રદર્શનના વીડિયો શેર કર્યા છે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. નારાજ ઈમરાન સમર્થકોએ સેના અને સરકાર સામે ઓલઆઉટ વોર જાહેર કરી દીધું છે. ગવર્નર હાઉસ હોય કે સેના હેડક્વાર્ટર, દરેક જગ્યાએ વિરોધીઓનો કબજો જોવા મળી રહ્યો છે.

પીટીઆઈની અપીલ પછી, પાર્ટીના ઘણા સમર્થકોએ શહેરના જુદા જુદા ભાગોમાં આગ લગાવી અને ઈમરાન ખાનને મુક્ત કરવા માટે આઝાદીના નારા પણ લગાવ્યા. લાહોરના ગવર્નર હાઉસમાં તોડફોડ કરી અને પછી આગ લગાવી. સ્વાતમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના કાર્યકરોએ બળવો કર્યો અને ટોલ ગેટને આગ ચાંપી દીધી. બીજી તરફ કરાચીમાં પીટીઆઈએ દાવો કર્યો છે કે સેનાએ સિંધ પ્રાંતના ચીફનું અપહરણ કરીને ધરપકડ કરી છે.

ઈમરાનનાસમર્થકોએ લાહોરમાં કોર્પ્સ કમાન્ડર હાઉસ પર હુમલો કર્યો હતો. સૈન્ય અધિકારી સાથે જોડાયેલ બિલ્ડિંગમાં સમર્થકોએ આ કર્યું. આ પછી ઈમરાનના સમર્થકો અંદર ઘૂસી ગયા અને ઓફિસરના ઘરના દરેક ખૂણાને તોડી નાખ્યા. ઈમરાનના સમર્થકો પાકિસ્તાની સેનાના મેજર ફૈઝલ નઝીર વિરુદ્ધ ફાયરિંગ કરી રહ્યા છે. વાસ્તવમાં ઈમરાને ધરપકડ પહેલા ફૈઝલ નઝીર પર તેની હત્યા કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

Most Popular

To Top