19 એપ્રિલના રોજ મણિપુર ઉચ્ચ ન્યાયાલયે રાજ્ય સરકારને ચાર અઠવાડિયાંની અંદર મૈતેઈ સમુદાયને અનુસૂચિત જાતિ (એસટી) શ્રેણીમાં સામેલ કરવાની વિનંતી પર વિચાર કરવા માટે કહ્યું હતું. કોર્ટે પોતાના આદેશમાં કેન્દ્ર સરકારને પણ વિચાર કરવા માટે ભલામણ મોકલવાની વાત કરી હતી. આના વિરોધમાં ઑલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર બુધવારે પાટનગર ઇમ્ફાલથી લગભગ 65 કિલોમીટર દૂર ચૂરાચાંદપુર જિલ્લાના તોરબંદ વિસ્તારમાં ‘આદિવાસી એકતા માર્ચ’ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા.
કહેવાઈ રહ્યું હતું કે આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ચુરાચાંદપુર જિલ્લા સિવાય સેનાપતિ, ઉખરૂલ, કાંગપોકપી, તમેંગલોંગ, ચંદેલ અને ટેંગ્નૌપાલ સહિત તમામ પહાડી જિલ્લામાં આ પ્રકારની રેલીઓ કાઢવામાં આવી હતી. પોલીસના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે તોરબંગ વિસ્તારમાં ‘આદિવાસી એકતા માર્ચ’ રેલીમાં હજારો આંદોલનકારીઓએ ભાગ લીધો હતો, જે બાદ જનજાતીય સમૂહો અને બિનઆદિવાસી સમૂહો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું.
સૌથી વ્યાપક પ્રમાણમાં હિંસક ઘટનાઓ વિષ્ણુપુર અને ચુરાચાંદપુર જિલ્લામાં થઈ છે. જ્યારે પાટનગર ઇમ્ફાલથી પણ ગુરુવારે સવારે હિંસાની ઘણી ઘટનાઓ બની હોવાના સમાચાર આવ્યા છે. મણિપુરમાં હિંસા પ્રભાવિત વિસ્તારોમાં હાલની સ્થિતિ પર વાત કરતાં સેનાના જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે બીબીસીને કહ્યું, “હવે સ્થિતિ નિયંત્રણમાં છે. આજ (ગુરુવાર) સવાર સુધી હિંસા પર કાબૂ મેળવી લેવાયો હતો. ” તેમણે કહ્યું, “ત્રણ અને ચાર મેની રાત્રે સેના અને અસમ રાઇફલ્સની માગ કરાઈ હતી જે બાદથી અમારા જવાનો હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં સતત કામ કરી રહ્યા છે. હિંસાગ્રસ્ત વિસ્તારોથી લગભગ ચાર હજાર ગ્રામીણોને કાઢીને રાજ્ય સરકારના જુદા જુદા પરિસરોમાં આશરો અપાયો છે. સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે ફ્લૅગ માર્ચ કરાઈ રહી છે.”
લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવત અનુસાર, ભારતીય સેના અને અસમ રાઇફલ્સે રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ પૂર્વવત્ બનાવવા તમામ સમુદાયોના નવ હજાર કરતા વધુ નાગરિકોને કાઢવા માટે રાત્રિ દરમિયાન બચવા અભિયાન ચલાવાયાં છે. મણિપુરની વસતિ લગભગ 28 લાખ છે. તેમાં મૈતેઈ સમુદાયના લોકોની સંખ્યા લગભગ 53 ટકા છે. આ લોકો મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં વસેલા છે. મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવાનો વિરોધ કરી રહેલ જનજાતિઓમાં પૈકી એક કુકી જનજાતીય સમૂહ છે. જેમાં ઘણી જનજાતિઓ સામેલ છે. મણિપુરમાં મુખ્યત્વે પહાડો પર રહેનારા વિભિન્ન કુકી જનજાતિના લોકોની સંખ્યા રાજ્યની કુલ વસતિના 30 ટકા જેટલી છે.
પહાડી વિસ્તારોમાં વસેલી આ જનજાતિઓનું કહેવું છે કે મૈતેઈ સમુદાયને અનામત આપવાથી તેઓ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઍડમિશનથી વંચિત થઈ રહેશે, કારણ કે તેમની માન્યતા અનુસાર મૈતેઈ લોકો મોટા ભાગે આરક્ષણ પર કબજો કરી લેશે. મણિપુરમાં હાલમાં થઈ રહેલી હિંસક ઘટનાઓએ રાજ્યમાં મેદાની વિસ્તારોમાં રહેતા મૈતેઈ સમુદાય અને પહાડી જનજાતિઓ વચ્ચેની જૂની તિરાડ ફરીથી સામે લાવી દીધી છે. “પ્રદેશમાં આ હિંસા એક દિવસમાં જ નથી ફાટી નીકળી. પરંતુ પહેલાંથી ઘણા મુદ્દાને લઈને જનજાતિઓમાં નારાજગી હતી.
મણિપુર સરકારે ડ્રગ્સ વિરુદ્ધ વ્યાપક અભિયાન શરૂ કર્યું છે.” “આ સિવાય વનાંચલોમાં ઘણી જનજાતિઓ દ્વારા કબજો કરી લેવાયેલ જમીન પણ ખાલી કરાવાઈ રહી છે. આ કાર્યવાહીમાં સૌથી વધુ કુકી સમુદાયના લોકો પ્રભાવિત થઈ રહ્યા હતા. જે જગ્યાએથી હિંસા ફાટી નીકળી છે, એ ચુરાચંદપુર વિસ્તારમાં કુકી સમુદાયની બહુમતી છે. આ તમામ વાતોને કારણે ત્યાં તણાવ સર્જાયું છે.” મણિપુરમાં હાલની વ્યવસ્થા અંતર્ગત હાલ મૈતેઈ સમુદાયના લોકો પહાડી જિલ્લાં જઈને વસવાટ કરી શકતા નથી. મણિપુરના 22 હજાર 300 વર્ગ કિલોમીટર ક્ષેત્રફળમાં માત્ર આઠથી દસ ટકા જ મેદાની વિસ્તારો છે.”
“મૈતેઈ સમુદાયની સૌથી મોટી ફરિયાદ એ જ છે કે પહાડી વિસ્તારોમાં વસેલા લોકો મેદાની વિસ્તારોમાં વસવાટ કરી શકે છે, પરંતુ મૈતેઈ લોકો ત્યાં જઈને વસવાટ કરી શકતા નથી. કૃષિસંબંધી જમીનો પર જનજાતીય લોકોનો દબદબો વધતો જઈ રહ્યો છે. તેથી આ પ્રકારની ઘણી વાતોને લઈને આ ઘર્ષણ જોવા મળી રહ્યું છે.” “એસટીનો દરજ્જો આપવાની વાતને લઈને હાઇકોર્ટના ઑબ્ઝર્વેશનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે.
અદાલતે એવો કોઈ આદેશ નથી આપ્યો કે મૈતેઈ સમુદાયને એસટીનો દરજ્જો આપી દેવાય. ખરેખર પહાડી અને ખીણના લોકો વચ્ચેનો આ વિવાદ ઘણો જૂનો અને સંવેદનશીલ છે. આ હિંસા ખોટી માહિતી ફેલાવવાને પરિણામે થઈ હોવાનું લાગી રહ્યું છે.” મૈતેઈ લોકો માટે એસટીના દરજ્જાની માગને લઈને હાઈકોર્ટ જનારા અનુસૂચિત જનજાતિ માગ સમિતિ મણિપુરનું કહેવું છે કે એસટી શ્રેણીમાં મૈતેઈને સામેલ કરવાની માગ માત્ર નોકરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને કરરાહતમાં આરક્ષણ માટે નથી કરાઈ રહી, પરંતુ આ માગ તેમની વારસાગત જમીન, સંસ્કૃતિ અને ઓળખના રક્ષણ માટે કરાઈ રહી છે. મણિપુરમાં ઑલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર દ્વારા આયોજિત એક જન રેલીમાં હિંસા થયા બાદ પ્રશાસને શૂટ ઍટ સાઇટનો હુકમ આપ્યો છે.
પ્રદેશના મોટા ભાગના જિલ્લામાં કર્ફ્યુ લાદી દેવાયો છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે સેના અને અસમ રાઇફલ્સના જવાનોને તહેનાત કરાયા છે. આ પહેલાં સેનાએ કહ્યું હતું કે તેણે રાજ્ય પોલીસ સાથે મળીને ઘણી જગ્યાએ હિંસા પર કાબૂ મેળવી લીધો અને ફ્લૅગ માર્ચ પણ કરી. બુધવારે સમગ્ર રાજ્યમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા તાત્કાલિક અસરથી પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાઈ. જોકે સોશિયલ મીડિયા પર આ વ્યાપક હિંસાને લઈને જે તસવીરો અને વીડિયો શૅર કરાયા તેમાં ઘણી જગ્યાએ સળગતાં ઘરોનાં દૃશ્યો જોવાં મળ્યાં.
એક વીડિયોમાં ઘણા લોકો ચુરાચાંદપુરમાં હથિયારોની એક દુકાન તોડીને બંદૂકો લૂંટતા દેખાયા હતા. જોકે બીબીસી સોશિયલ મીડિયા પર શૅર કરાયેલી કોઈ પણ તસવીર કે વીડિયોની પુષ્ટિ નથી કરતું. મીડિયામાં ચાલી રહેલ સમાચારો અનુસાર, અત્યાર સુધી આ હિંસામાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે મુખ્ય મંત્રી એન. બીરેનસિંહ સાથે વાત કરી અને રાજ્યની સ્થિતિ અંગે જાણકારી મેળવી. આ દરમિયાન મણિપુરના મુખ્ય મંત્રીએ એક વીડિયો નિવેદન જાહેર કરીને રાજ્યના તમામ સમુદાયોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ટ્વીટ કરીને હિંસાના સમાચારો પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું, “આ સમય રાજકારણ રમવાનો નથી. રાજકારણ અને ચૂંટણી રાહ જોઈ શકે છે પરંતુ આપણા સુંદર રાજ્ય મણિપુરને બચાવવું એ પ્રાથમિકતા હોવી જોઈએ.”