Sports

બ્રિજ ભૂષણ સામે પોક્સો એક્ટ સહિત બે FIR દાખલ

નવી દિલ્હી : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઇ)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ (Brijbhushan Sharan Singh) વિરુદ્ધ સાત મહિલા રેસલર્સ દ્વારા મૂકાયેલા જાતીય સતામણીના આરોપમાં દિલ્હી પોલીસે (Delhi Police) શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યા અનુસાર આજે બે એફઆઇઆર (FIR) દાખલ કરી હતી. કોનોટ પ્લેસ પોલીસ દ્વારા દાખલ કરાયેલી બે એફઆઇઆરમાંથી એકમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (પોક્સો) સહિત અન્ય સંબંઘિક કલમો સાથે દાખલ કરી છે. જ્યારે બીજી એફઆઇઆર અન્ય આરોપ સંબંધેની છે. દિલ્હી પોલીસના ડીસીપી પ્રણવ ત્યાગીએ કહ્યું હતું કે આ કેસમાં દિલ્હી પોલીસની બે ટીમ આરોપોની તપાસ કરશે. દિલ્હી પોલીસ આજે જ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે આ મામલે તેઓ એફઆઇઆર નોંધશે. 21 એપ્રિલે બ્રિજ ભૂષણ સામે એક સગીર સહિત 7 મહિલા રેસલર્સે યૌન શોષણની ફરિયાદ કરી હતી. જ્યારે કેસ નોંધાયો ન હતો ત્યારે રેસલર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

આગામી સુનાવણી 17 મેના રોજ
આજે સવારે દિલ્હી પોલીસ તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની સુપ્રીમ કોર્ટની બેંચને જણાવ્યું કે શુક્રવારે એફઆઇઆર નોંધવામાં આવશે. તેમણે બેન્ચને કહ્યું હતું કે અમે એફઆઇઆર દાખલ કરવાનો નિર્ણય લીધો છે. રેસલર્સ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે મહિલા રેસલર્સને સુરક્ષા પ્રદાન કરવી જોઈએ અને નિવૃત્ત ન્યાયાધીશોએ કેસની દેખરેખ રાખવી જોઈએ. આ અરજી પર કોર્ટે દિલ્હી પોલીસને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પોલીસને આગામી શુક્રવાર સુધીમાં એફિડેવિટ દાખલ કરીને તેણે શું પગલા ભર્યા તે જણાવવા કહ્યું છે. આગામી સુનાવણી 17 મેના રોજ થશે.

હું કાયદાનુ પાલન કરીશ : બ્રિજ ભૂષણ શરણ સિંહ
એકતરફ સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસે એફઆઇઆર દાખલ કરવાની ખાતરી ઉચ્ચારી હતી અને તે પછી રેસલર્સે કરેલી પ્રેસ કોન્ફરન્સ પછી બ્રિજ ભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે હું કાયદાનું પાલન કરીશ, હું પહેલાથી એવું કરતો આવ્યો છું. કેસ સુપ્રીમ કોર્ટની પાસે છે, હું ભાગીને ક્યાંય જવાનો નથી, હું મારા ઘરે જ છું. કોર્ટે આજે જે પણ નિર્ણય કર્યો છે તેને હું આવકારું છું. મને સુપ્રીમ કોર્ટના નિર્ણય અને પોલીસની તપાસ પ્રક્રિયામાં સંપૂર્ણ વિશ્વાસ છે. તપાસમાં જ્યાં પણ મારા સહકારની જરૂર હશે, હું સહકાર આપીશ.

હું રાજીનામુ આપીશ પણ ગુનેગાર તરીકે નહીં આપું : બ્રિજ ભૂષણ શરણ સિંહ
દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં એફઆઇઆર દાખલ કરવાની ખાતરી ઉચ્ચાર્યા પછી બ્રિજ ભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે વિરોધ કરી રહેલા રેસલર્સ જો મારું રાજીનામું સ્વીકારશે તો હું એ આપીશ. પરંતુ, હું ગુનેગાર તરીકે રાજીનામુ નહીં આપું. હવે તેઓ એવું પણ કહેશે કે તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, તેમના રાજીનામાથી શું થશે. જો આ ખેલાડીઓ ધરણા પરથી ઊઠીને ઘરે પાછા જાય, પ્રેક્ટિસ કરે, તો હું તેમને મારું રાજીનામું મોકલી દઈશ.

જણાવી દઈએ કે જંતરમંતર પર રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામેના આરોપો સંબંધે વિરોધ પ્રદર્શન કરી રહેલા દેશના ટોચના રેસલર્સને આજે ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા, અભિનવ બિન્દ્રા, નીખત ઝરીન, સાનિયા મિર્ઝા, રાની રામપાલની સાથે જ માજી ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ, નવજોત સિંહ સિદ્ધુ, ઇરફાન પઠાણ અને મદનલાલનું સમર્થન મળ્યું હતુ.

નીરજ ચોપરા અને અભિનવ બિન્દ્રાએ ન્યાય સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓ પાસેથી ઝડપી પગલાં લેવાની માંગ કરી છે. નીરજ અને સેહવાગે લગભગ એકસરખું ટ્વિટ કર્યું હતું કે રેસલર્સને ન્યાય માટે રસ્તા પર ઉતરવાની ફરજ પડે તે પીડાદાયક છે. આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે અને તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. નિખતે કહ્યું હતું કે આપણા રેસલર્સને આ હાલતમાં જોઇને મારું હૃદય ભાંગી ગયું છે. સાનિયાએ લખ્યું હતું કે એક એથ્લેટ કરતાં એક મહિલા તરીકે મારા માટે આ જોવું ઘણું મુશ્કેલ છે.

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઇ)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ શુક્રવારે એફઆઇઆર દાખલ કરવાના દિલ્હી પોલીસના નિર્ણયને અહીં જંતર-મંતર પર વિરોધ કરી રહેલા રેસલર્સે જીત તરફનું પહેલું પગલું ગણાવ્યું હતું. જોકે, સાથે જ તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના સાંસદને તેમના તમામ પદ પરથી હટાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ તેમનો વિરોધ ચાલુ રાખશે. સાક્ષી મલિકે જંતર-મંતર ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, આ જીત તરફનું પ્રથમ પગલું છે, પરંતુ અમારો વિરોધ ચાલુ રહેશે.રેસલર્સે જંતર-મંતર પર બ્રિજ ભૂષણ સામેની તમામ ફોજદારી કાર્યવાહીની યાદીનું એક વિશાળ બેનર લગાવ્યું છે. વિનેશ ફોગાટે કહ્યું કે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધવામાં છ દિવસનો સમય લીધો અને તેને તપાસ એજન્સી પર વિશ્વાસ નથી, તેમણે કદાચ નબળી એફઆઇઆર નોંધી હશે. અમે પહેલા તે જોઇશું અને તે પછી અમારો નિર્ણય કરીશું.

ન્યાય માટે રસ્તા પર ઉતરેલા રેસલર્સ માટે ધરણા પ્રદર્શન ખિસ્સા પર મોટો બોજ લાવ્યું
ન્યાય માટે વિરોધ કરી રહેલારેસલર્સ માટે જંતર-મંતર પરની આ લડાઈ ખિસ્સા પર મોટો બોજો ઊભી કરી ગઇ છે, જો કે તે છતાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામેના આ ધરણા પ્રદર્શનને રેસલર્સ લાંબો સમય ચલાવવા માટે તૈયાર છે. તેમણે પાંચ દિવસમાં, પાણી અને ખોરાક સિવાય ગાદલા, ચાદર, પંખા, સ્પીકર્સ અને માઇક્રોફોન, મિની પાવર જેન-સેટની વ્યવસ્થા કરવા માટે ₹ પાંચ લાખથી વધુનો ખર્ચ કર્યો છે.

શરૂઆતમાં, તેઓએ ગાદલા, ચાદર અને સાઉન્ડ સિસ્ટમ એક દિવસનાના રૂ. 27000ના ભાડે લીધી, જો કે ટૂંક સમયમાં જ તેઓ સમજી ગયા કે જો તેમને લાંબા સમય સુધી બેસવું પડશે, તો નાની વસ્તુઓની પણ વ્યવસ્થા કરવી એ એક મોટો આર્થિક બોજ બની જશે. આ અંગે વિનેશ ફોગાટના પતિ સોમવીર રાઠીએ પીટીઆઇને કહ્યું હતું કે તેથી અમે ગાદલા ખરીદવાનું નક્કી કર્યું. મેં મારા ગામ ખારઘોડામાંથી ₹ 50,000 ચૂકવીને 80 ગાદલા ખરીદ્યા . શરૂઆતમાં, અમે સ્પીકર્સ અને માઇક્રોફોન ભાડે લીધા હતા, પરંતુ એક દિવસનો ખર્ચ ₹ 12,000 હતો. તે ખૂબ જ હતો. હવે અમે ચાંદની ચોક માર્કેટમાંથી અમારી પોતાની સાઉન્ડ સિસ્ટમ ₹ 60,000માં ખરીદી છે. પંખા અને જનરેટર જેવી કેટલીક વસ્તુઓ હજુ પણ એક દિવસના 10,000ની સંયુક્ત રકમ પર ભાડેથી છે. તેણે કહ્યું હતું કે જો જરૂર પડશે તો અમે કુલર ખરીદીશું. ત્યાં ખૂબ જ ગરમી છે.

Most Popular

To Top