સુરત: (Surat) અમરોલી છાપરાભાઠા ખાતે ખેતમજુર (Farmer) પરિવારમાં રહેતી મહિલાની પરિણીત દિકરી સાથે, વતનથી આવેલા એક યુવકે મધરાતે બોલાચાલી કરી હતી અને ઝપાઝપી કરી બીજા માળેથી નીચે ફેંકી, બાદમાં ગળાના ભાગે ચપ્પુ (Knif) મારી ભાગી ગયો હતો.
- છાપરાભાઠામાં હમવતની યુવકે ત્યક્તા યુવતીને બીજા માળેથી ફેંકી ગળે ચપ્પુના ઘા ઝીંક્યા
- યુવતીના માતા-પિતાએ ઝઘડો અને ઘટના નજરે જોઈ પરંતુ સમયસર પહોંચી દીકરીને મદદ કરી શક્યા નહીં
છાપરાભાઠા ખાતે રહેતી 50 વર્ષીય વેણુબેન દામકુભાઈ નાયકા ખેતમજુર છે. તેઓ પરિવાર સાથે શેરડીના ખેતરમાં મજુરી કામ કરે છે. વેણુબેન તેના પતિ, એક પુત્ર, પુત્રી અને પુત્રીના બે સંતાનો સાથે રહે છે. પુત્રી આશાએ સુનિલ નાયકા સાથે પ્રેમલગ્ન કર્યા હતાં, જેના થકી આશાને બે સંતાન છે. બાદમાં સુનિલ બીજી મહિલા સાથે ભાગી ગયો હતો, જેથી આશા હવે તેની માતા સાથે રહે છે.
એકાદ મહિના પહેલા તેમના વતન નંદુરબારથી સંજય નામનો યુવક ખેતમજુરી કરવા તેમની સાથે આવ્યો હતો. તે વખતે સંજય વેણુબેનના ઘરે ચારેક દિવસ રોકાયો હતો પરંતુ બાદમાં જતો રહ્યો હતો. છેલ્લા ત્રણેક દિવસથી વેણુબેન પતિ સાથે બીજાના ખેતરમાં મજુરી માટે આવ્યા હતા. ગઈકાલે રાત્રે મકાનના બીજા માળે અગાસી પર સુવા ગયા હતા. ત્યારે મધરાતે ઝઘડાનો અવાજ આવ્યો હતો. વેણુબેન જાગી ગયા હતા અને તેમણે જોયું તો તેમની દિકરી આશા સાથે સંજય ઝઘડો કરતો હતો, તેણે ઝપાઝપી કરી આશાને અગાસી પરથી નીચે પાડી દીધી હતી. આશા નીચે પટકાયા પછી તેઓ નીચે પહોંચે તે પહેલા આ સંજયે નીચે જઈને આશાને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ભાગી ગયો હતો. આશાને સારવારાર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.