ભારત-પાકિસ્તાનના ભાગલા થયા તેને કારણે હિન્દુ સંસ્કૃતિનાં કેટલાંક મહત્ત્વનાં કેન્દ્રો પાકિસ્તાનમાં ચાલ્યા ગયાં હતાં, જેમાં હિંગળાજ માતાના મૂળ સ્થાનકની જેમ કાશ્મીરમાં આવેલી શારદા પીઠનો પણ સમાવેશ થાય છે. અત્યારના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ૫,૦૦૦ વર્ષ જૂનું સરસ્વતી મંદિર આવેલું છે, જે પ્રાચીન કાળમાં તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયની કક્ષાએ પહોંચેલું હતું.
જૈનાચાર્ય હેમચંદ્રસૂરિ મહારાજ પણ સરસ્વતી દેવીને પ્રસન્ન કરવા કાશ્મીરમાં આવેલી શારદા પીઠની યાત્રાએ નીકળ્યા હતા, પણ રાજસ્થાનમાં સરસ્વતી દેવીએ તેમને સામે ચાલીને દર્શન દીધા ત્યારે તેમણે કાશ્મીર જવાનું માંડી વાળ્યું હતું. શંકરાચાર્ય જ્યારે વૈદિક ધર્મનો પ્રચાર કરવા ભારતભ્રમણ પર નીકળ્યા ત્યારે તેઓ પણ શારદા પીઠની મુલાકાતે આવ્યા હતા. દેવી સરસ્વતીએ તેમના પર પ્રસન્ન થઈને વરદાનો આપ્યાં હતાં. ભારત સરકારે જે રીતે પંજાબમાં કરતારપુર કોરિડોર ખુલ્લો મૂક્યો તેવી રીતે કાશ્મીરમાં શારદા પીઠ કોરિડોર ખુલ્લો મૂકવાની માગણી કાશ્મીરી પંડિતો કરી રહ્યા છે.
ભારતના ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં લાઇન ઓફ કન્ટ્રોલ પર કુપવાડા જિલ્લામાં ટિટવાલ ખાતે સરસ્વતી માતાના મંદિરનું ઉદ્ઘાટન કર્યું તેની સાથે શારદા પીઠની મુલાકાતે ભારતના યાત્રિકો જઈ શકશે, તેવી સંભાવના ઉજ્જવળ બની છે.
કાશ્મીરમાં આવેલી શારદા પીઠ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદથી ૨૦૦ કિલોમીટર દૂર પહાડોની વચ્ચે આવેલી છે. આજે તો શારદા પીઠનાં માત્ર ખંડેરો જ જોવા મળે છે, પણ કોઈ સમયે દુનિયાભરના બૌદ્ધ, જૈન અને વૈદિક વિદ્વાનો જ્ઞાનની સાધના કરવા માટે શારદા પીઠની મુલાકાતે આવતા હતા. શારદા પીઠ નીલમ અને મધુમતી નદીઓના સંગમ પર આવેલી છે. ઇસુની ૧૧મી સદીમાં વર્ષે આશરે ૫૦,૦૦૦ લોકો તેની જાત્રા કરવા આવતાં હતાં. ઇસુની ૧૯મી સદીમાં તો શારદા પીઠ લગભગ ખંડેરોમાં ફેરવાઈ ગઈ હતી.
ઇસુની ૬ઠ્ઠી અને બારમી સદી વચ્ચે શારદા પીઠનો સુવર્ણ કાળ હતો. શારદા પીઠ કોઈ નવા નિશાળિયા માટેની શાળા નહોતી, પણ દિગ્ગજ વિદ્વાનો માટેની વિદ્યાલય હતી. ઉત્તર ભારતમાં પ્રાચીન કાળમાં જે શારદા લિપિ પ્રચલિત થઈ હતી, તેનો જન્મ શારદા પીઠમાં થયો હતો. હિન્દુ સંસ્કૃતિમાં જે ૬૪ શક્તિપીઠોની યાદી આપવામાં આવી છે, તેમાંની એક શારદા પીઠ છે. કહેવાય છે કે સતી દેવીનો જમણો હાથ કપાઈને આ સ્થાન પર પડ્યો હતો. શારદા પીઠ જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરથી ૧૩૦ કિલોમીટર પશ્ચિમે આવેલી છે, પણ લાઈન ઓફ કન્ટ્રોલથી તેનું અંતર ૧૦ કિલોમીટર જેટલું છે.
ભારતનાં યાત્રિકો જો તેની મુલાકાત લેવા માંગતાં હોય તો તેમણે પાકિસ્તાનના વીસા લેવા પડે છે. શારદા પીઠ સમુદ્રની સપાટીથી ૬,૪૯૯ ફીટની ઊંચાઈ પર આવેલી છે. ત્યાં સુધી પહોંચવા માટે જૂના જમાનામાં બનેલાં પગથિયાં ચડવાં પડે છે.
ઇસુની ૧૪મી સદીમાં રચાયેલા ગ્રંથ ‘માધવિયા શંકર વિજયમ’માં આદિ શંકરાચાર્ય શારદા પીઠની મુલાકાતે આવ્યા હતા, તેનો સવિસ્તર ઉલ્લેખ છે. શારદા પીઠના ચાર દરવાજા હતા, જે ચારે બાજુએ ખૂલતા હતા. શંકરાચાર્ય જ્યારે શારદા પીઠની મુલાકાતે આવ્યા ત્યારે ત્રણ દરવાજા ખુલ્લા હતા, પણ દક્ષિણ દિશાનો દરવાજો બંધ હતો. શંકરાચાર્ય દક્ષિણ ભારતથી આવ્યા હોવાથી તેમણે શારદા પીઠમાં પ્રવેશ કરવો હોય તો દક્ષિણ દિશાનો દરવાજો ખોલવો જરૂરી હતો.
શંકરાચાર્ય દક્ષિણ દિશાના દરવાજાની નજીક પહોંચી ગયા ત્યારે ન્યાયિક, બૌદ્ધ, જૈન અને જેમિની મતના વિદ્વાનો દ્વારા તેમને પડકારવામાં આવ્યા હતા. શંકરાચાર્યે તેમને વાદમાં હરાવ્યા હતા. તેમ છતાં દરવાજો ખૂલતો નહોતો. ત્યાં સરસ્વતી દેવીનો અવાજ સંભળાયો કે દરવાજો ખોલવા માટે માત્ર જ્ઞાન હોવું પર્યાપ્ત નથી; સાથે શુદ્ધિ પણ હોવી જોઈએ. શંકરાચાર્ય રાજાના મહેલમાં રહેતા હોવાથી તેમની શુદ્ધિમાં દેવીને શંકા હતી. શંકરાચાર્યે તે શંકા દૂર કરી ત્યારે દરવાજો ખૂલી ગયો હતો.
શારદા પીઠનો પહેલવહેલો ઉલ્લેખ ઇસુની ૬ઠ્ઠી સદીમાં લખાયેલા નીલમાતા પુરાણમાં મળે છે.
શારદા પીઠ ઇસુની આઠમી સદીમાં બહુ વિખ્યાત હતી. છેક બંગાળ અને બિહારના વિદ્વાનો ત્યાં ભણવા માટે આવતા હતા. અલ-બરુની દ્વારા ભારતનાં જે ચાર મહત્ત્વનાં હિન્દુ મંદિરોની યાદી આપવામાં આવી હતી તેમાં પણ શારદા પીઠનો સમાવેશ થતો હતો. બીજાં ત્રણ મંદિરોમાં સોમનાથ મહાદેવ, મુલતાનનું સૂર્ય મંદિર અને કુરુક્ષેત્રમાં આવેલું સ્થાનેશ્વર મહાદેવનું મંદિર હતું. ઇસુની ૧૨મી સદીના ગ્રંથ રાજતરંગિણીમાં પણ શારદા પીઠનો મહિમા ગાવામાં આવ્યો છે.
મોગલ અને અફઘાન શાસન દરમિયાન શારદા પીઠનો મહિમા ઘટી ગયો, કારણ કે મુસ્લિમ સૂબાઓ યાત્રિકો માટે કોઈ સવલતો આપતા નહોતા. કાશ્મીરમાં હિન્દુ ડોગરા રાજાઓનું શાસન આવ્યું તે પછી મહારાજા ગુલાબસિંહ દ્વારા શારદા પીઠનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો હતો અને તેની સારસંભાળ રાખતા બ્રાહ્મણ પંડિતોને વર્ષાસન બાંધી આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ શારદા પીઠની આજુબાજુના વિસ્તારોમાં કાશ્મીરી પંડિતોની વસતિ વધી ગઈ હતી. શારદા પીઠની તળેટીમાં આવેલા શારદી ગામમાં વાર્ષિક મેળો પણ યોજાતો હતો, જેમાં ભાગ લેવા દૂરદૂરથી કાશ્મીરી પંડિતો આવતા હતા. કાશ્મીરી પંડિતો માને છે કે નીલમ અને મધુમતી નદીમાં સ્નાન કરવાથી તેમનાં બધાં પાપો ધોવાઈ જાય છે.
૧૯૪૭-૪૮માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું અને ભારતના ભાગલા થયા તેના પગલે શારદા પીઠ પણ ખંડેર થઈ ગઈ. શારદી ગામમાં રહેતા કાશ્મીરી પંડિતોને હિજરત કરીને જમ્મુ અને શ્રીનગરમાં આશરો લેવાની ફરજ પડી. મૂળ શારદા પીઠની મુલાકાત લેવામાં અસમર્થ કાશ્મીરી પંડિતોએ શ્રીનગરમાં અને બાંદીપુરમાં શારદા પીઠની સ્થાપના કરી છે.
ભારતના ભાગલા પડ્યા તે પછી કાશ્મીરી પંડિતો શારદા પીઠની મુલાકાતે જવા માગતા હોય તો પણ તેમણે ભારે મહેનત કરવી પડે છે.
જો કોઈ ભારતીય શારદા પીઠની મુલાકાત લેવા માગતા હોય તો તેમણે આઝાદ કાશ્મીરની સરકાર પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડે છે. ૨૦૦૭માં કાશ્મીરી પંડિતોનું એક જૂથ પાકિસ્તાનના વીસા લઈને આઝાદ કાશ્મીરની મુલાકાતે ગયું હતું, પણ તેમને શારદા પીઠની મુલાકાત લેવાની પરવાનગી આપવામાં આવી નહોતી. પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ પણ શારદા પીઠની મુલાકાતે જઈ શકતા નથી; કારણ કે તે લાઇન ઓફ કન્ટ્રોલની નજીક આવેલું છે. કાશ્મીરી પંડિતો હવે શારદા પીઠ કોરિડોર માટે લડત ચલાવી રહ્યા છે.
જમ્મુ અને કાશ્મીરને સ્વાયત્ત દરજ્જો આપતી બંધારણની ૩૭૦મી કલમ નાબૂદ કરવામાં આવી તે પછી શારદા પીઠની યાત્રા ફરીથી શરૂ કરવાની માગણી ઉગ્ર બની રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મંત્રણા દરમિયાન ભારત સરકારે પાકિસ્તાનને શારદા પીઠનો જીર્ણોદ્ધાર કરાવવાનો અનુરોધ પણ કર્યો છે. જો પાકિસ્તાનના કબજા હેઠળ આવેલા કાશ્મીરમાં આવેલી શારદા પીઠની યાત્રા હિન્દુ યાત્રિકો કરી શકે તો પાકિસ્તાનના મુસ્લિમો શ્રીનગર નજીક આવેલી હઝરત બાલ મસ્જિદની પણ મુલાકાતે આવી શકશે. ભારત અને પાકિસ્તાન ભલે જુદાં પડ્યાં, તેઓ સાંસ્કૃતિક રીતે જોડાયેલાં જ છે. તેની સાબિતી શારદા પીઠની યાત્રા ફરી શરૂ કરાવીને આપી શકાય તેમ છે.