Charchapatra

રામ અને કૃષ્ણ બંનેના જન્મ સમયે અડધો ચન્દ્ર પૂર્વાકાશમાં ઊગેલો

આપણા સનાતન ધર્મની માન્યતા અનુસાર આપણે કાળને ચાર ભાગમાં જોઇએ છીએ. આ ચાર ભાગ એટલે ચાર યુગ. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ તથા કળીયુગ એમ ચાર યુગમાં સમગ્ર કાળખંડનો સમાવેશ કરાયેલો છે. ત્રેતાયુગમાં ભગવાન રામચંદ્રનો જન્મ થયેલો. ચૈત્ર મહિનાની સુદ નોમને દિવસે એ યુગપુરુષે આ ભૂમિને પાવન કરવા માટે તથા રાવણ જેવા રાક્ષસનો સંહાર કરવા માટે જન્મ ધારણ કરેલો. ચૈત્ર સુદ નોમના દિવસે બપોરે બાર વાગ્યે ભગવાન રામનો જન્મ થયો હતો. આ દિવસને આપણે રામનવમીના દિવસ તરીકે જાણીએ છીએ અને ધામધૂમથી રામના જન્મને વધાવીને ઉજવીએ છીએ. ચૈત્ર સુદ નોમના દિવસે જયારે બપોરે બાર વાગ્યે ભગવાન રામ જન્મેલા ત્યારે ઘટેલી એક ખગોળીય ઘટનાને આપણે જાણીએ.

આ સમયે પૂર્વાકાશમાં ક્ષિતિજે અડધો ચન્દ્ર ઉદય પામેલો. સુદ નોમ હોવાથી દિવસે તો સૂર્ય બાર વાગ્યે મધ્યાકાશે આવીને પ્રકાશેલો. પણ ચન્દ્ર પણ એ સમયે પૂર્વ દિશામાં ઉદય પામેલો. ચંદ્રની કળાને કારણે એ અડધો દેખાયેલો. પણ એ અડધો ચંદ્ર સૂર્ય પ્રકાશમાં કોઇના જોવામાં ના જ આવે ને?? વરસના દરેક મહિનાની સુદ નોમના દિવસે બપોરે બાર વાગ્યે, પૂર્વ દિશામાં અડધો ચન્દ્ર ઉદય પામતો જ હોય છે. એટલે અડધા દેખાતા ચંદ્રની સાક્ષીએ બપોરે બાર વાગ્યે ભગવાન રામચંદ્રનો જન્મ થયેલો. એ જ રીતે દ્વાપર યુગમાં શ્રાવણ વદ આઠમની અડધી રાતે બંદીખાનામાં ભગવાન કૃષ્ણનો જન્મ થયેલો. જેને આપણે ગોકુલાષ્ટમી તરીકે ઉજવણીએ છીએ. અંધારિયાની આઠમ હતી એટલે ચારે બાજુ અંધારું છવાયેલું હતું. પણ એ જ સમયે રાત્રીના બાર વાગ્યે પૂર્વ આકાશમાં ક્ષિતિજે ચંદ્ર ઉદય પામેલો. આમ ભગવાન રામચંદ્રનો જન્મ દિવસે બાર વાગ્યે થયેલો અને કૃષ્ણનો જન્મ રાત્રે બાર વાગ્યે થયેલો. આ બંને અવતારી પુરુષોના જન્મ વખતે યોગાનુયોગ પૂર્વ દિશામાં અડધા ચંદ્રનો ઉદય થયેલો. આને મહાન ખગોળિય ઘટના જ કહેવાય ને.
સુરત     – બાબુભાઇ નાઇ   -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top