Madhya Gujarat

આણંદમાં યુવતીને બચાવવા ફાયરે એસટી બસ ઉભી રખાવી

આણંદ : આણંદ શહેરના ટ્રાફિકથી ભરચક વિસ્તાર સીટી બસ સ્ટેશન પાસે આવેલા ઊંચા હોર્ડીંગ્સ પર એક માનસિક દિવ્યાંગ યુવતી ચડી જતાં ભારે અફડા તફડી મચી ગઈ હતી. આ અંગે કોઇએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને ફાયર જવાનોને હોર્ડીંગ્સ ઉપર ચડાવ્યાં હતાં અને સમજાવટથી કામ લઇ યુવતીને દોરડાથી બાંધી નીચે ઉતારી હતી. જોકે, તેણે કોઇ ઝેરી દવા પીધી હોવાનું જણાતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મોકડ્રીલમાં હાઈફાઇ સાધનો સાથે દોડતું ફાયર બ્રિગેડ ખરા ટાણે નિસરણી વગર જ પહોંચી ગયું હતું. આથી, યુવતીને નીચે ઉતારવા એસટી બસ ઉભી રાખી તેના પર જવાનો ચડ્યાં હતાં.

આણંદ શહેરમાં રેલવે સ્ટેશન નજીક સીટી બસ સ્ટેશનની ઓફિસથી થોડે દુર દિશા સૂચક હોર્ડીંગ્સ આવેલા છે. આ હોર્ડીંગ્સ પર બુધવારના રોજ સવારે માનસિક દિવ્યાંગ યુવતી ચડી ગઈ હતી. તેણે કુદી આપઘાત કરવાની કોશીષ કરી હતી. જોકે, અહીંથી પસાર થતાં લોકો આ દ્રશ્ય જોઇ ચોંકી ગયા હતા અને ટોળું એકત્ર થઇ ગયું હતું. તેઓએ આ યુવતીને સમજાવી નીચે ઉતારવા કોશીષ કરી હતી. પરંતુ તે કોઇનું કશુ સાંભળતી નથી.

આખરે આ અંગે કોઇએ આણંદ ફાયર બ્રિગેડને જાણ કરતાં ધર્મેશ ગૌર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રથમ તબક્કે તેમણે પણ સમજાવટથી કામ લીધું હતું. પરંતુ યુવતીએ ગણકાર્યું નહતું. બાદમાં તાલીમબદ્ધ જવાનો દોરડા સાથે ઉપર ચડ્યાં હતાં. જોકે, તે સમયે પણ માનસિક દિવ્યાંગ યુવતી કુદી પડવા કોશીષ કરી હતી. પરંતુ જવાનોએ તેને પકડી દોરડે બાંધી નીચે ઉતારી હતી. આ સમયે તેમની સ્થિતિ જોતા તેણે કશું જ પીધું હોવાનું લાગ્યું હતું. આથી, તેને તાત્કાલિક સારવાર માટે આણંદની હોસ્પિટલમાં ખસેડી હતી.

અલબત્ત, આ સમગ્ર ઘટનામાં આણંદ ફાયર બ્રિગેડ પાસે રહેલા અછતના સાધનોની પણ ખોલ ખુલ્લી પડી ગઈ હતી. હજુ ગયા સપ્તાહે મોકડ્રીલ સમયે હાઈફાઇ સાધનો લઇને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને પોતે અદ્યતન સાધનોથી સજજ હોવાનો દાવો કર્યો હતો. પરંતુ સીટી બસ સ્ટેશન પાસે હોર્ડીંગ્સ પર ચડી ગયેલી યુવતીને સહી સલામત નીચે ઉતારવા માટે રોડ વચ્ચે જ એસટી બસને ઉભી રાખી હતી. આ એસટી બસ ફાયરના જવાનો ચડ્યા હતા અને યુવતીને હેમખેમ નીચે ઉતારી હતી.

બજાર વિસ્તારમાં ટ્રાફિક જામ થયો
સીટી બસ સ્ટેશન પાસે હોર્ડીંગ્સ પર ચડેલી યુવતીના કારસ્તાનના પગલે લોકોના ટોળા એકઠાં થયાં હતાં. જેના કારણે ભારે અફડા તફડી મચી ગઈ હતી. અહીં થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. આખરે સમગ્ર મામલો પૂર્ણ થતાં ટ્રાફિક ક્લીયર થયો હતો.

Most Popular

To Top