Columns

ગ્રાહક અદાલતનો મહત્ત્વનો ચુકાદો

RTO માં વાહન જેના નામે રજીસ્ટર્ડ હોય તે જ વાહનનો માલિક અને ચોરાયેલ વાહનના ઇન્શ્યોરન્સ ક્લેમ મેળવવા હકદાર ગણાય. વીમેદાર ગ્રાહકે ચોરાયેલ મોટરકાર વેચાણ આપવાનું નકકી કરી મોટરકારનો કબજો અન્ય વ્યક્તિને સોંપ્યા બાદ તે મોટરકાર ચોરાઈ ગઇ હોવાથી વીમેદાર મોટરકારના માલિક ગણાય નહીં અને ચોરાયેલી મોટરકારનો ક્લેમ મેળવવા હકદાર ગણાય નહીં તેવી વીમા કંપનીની રજૂઆતો અગ્રાહય રાખી RTO માં મોટરકાર વીમેદારને નામે જ રજીસ્ટર્ડ હોવાથી તે જ મોટરકારનો માલિક અને ક્લેમ મેળવવા હકદાર ગણાય એવા નિર્ણય ૫ર આવી ગ્રાહક અદાલતે વીમેદાર ગ્રાહકને ચોરાયેલી મોટરકાર સંબંધિત કલેમ Non Standard Basis પર ચૂકવી આપવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે.

ભીમસીંગભાઇ અર્જનભાઇ રાવલિયા (રહે: નવાગામ, ફોર્ટ સોનગઢ) (ફરિયાદી) એ એડવોકેટ શ્રેયસ દેસાઇ અને ઇશાન શ્રેયસ દેસાઇ મા૨ફત ધ ઓરીએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિ. (વ્યારા) અને તેના બ્રાંચ મેનેજર (સામાવાળાઓ) વિરૂધ્ધ દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી Hundai કંપનીની Verna CRDI તરીકે ઓળખાતી મોટરકાર ધરાવતા હતા અને મજકૂર મોટરકારનો વીમો રૂ. 3,82,953/- નો સામાવાળા વીમા કંપની કનેથી લેવામાં આવ્યો હતો.

મજકૂર વીમો અમલમાં હતો તે દરમ્યાન ફરિયાદી તાઃ 19/02/2014 ના અરસામાં પોતાના કામકાજ માટે ઝંખવાવ ગામ ગયેલા ત્યારે ફરિયાદવાળી મોટરકાર ફરિયાદીએ પોતાના પરિચિત કૃષ્ણકુમાર યાદવને આપેલ. મજકૂર કૃષ્ણકુમાર ભવિષ્યમાં મજકૂર મોટરકાર ખરીદવા ઈચ્છતા હતા. જેથી તેઓ કારનું ટેસ્ટ ડ્રાઈવ પણ લઈ શકે અને જો મજકૂર કાર પસંદ આવે તો ખરીદવા અંગે નિર્ણય કરી શકે. મજકૂર ફરિયાદવાળી મોટરકાર ફરિયાદીની ઓફ્સિના બિલ્ડીંગ પારસ પેલેસમાં જ પાર્ક કરેલ. તે દરમિયાન તા. 20/02/2014 ના રોજ સાંજના આશરે 4 વાગ્યાના સમયે કૃષ્ણકુમાર યાદવનો ફરિયાદી પર ફોન આવેલ કે તેમણે પારસ પેલેસમાં પાર્ક કરેલ ફરિયાદવાળી મોટરકાર જોવા મળતી નથી અને કોઈ ચોરી ગયેલ હોવાનું માલૂમ પડે છે.

જેથી ફરિયાદીએ તાત્કાલિક સૂરત આવી તેમની ઓફિસ આસપાસ શોધખોળ કરતાં મજકૂર મોટરકાર મળેલ નહીં. તે દિવસે રાત થઈ ગઈ હોવાથી બીજા જ દિવસે મોટરકાર ચોરાઈ ગયા બાબતની જાણ સામાવાળા નં.(1) ના એજન્ટ મારફત સામાવાળા વીમા કંપનીને કરવામાં આવી હતી. વળી ફરિયાદીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ.
સામાવાળા વીમા કંપનીએ મજકૂર ચોરાયેલ મોટરકા૨નો ક્લેમ ચૂક્વવાનો ઇન્કાર કરેલો. મજકૂર મોટરકારની ચોરી થઇ તે સમયે મોટરકારનો કબજો કૃષ્ણકુમાર યાદવ નામની વ્યકિતને આપ્યો હતો અને મોટરકાર કૃષ્ણકુમાર યાદવની કસ્ટડીમાં હતી અને તેથી ફરિયાદીને એ મોટરકા૨ કૃષ્ણકુમાર યાદવને વેચાણ કરીને કબજો સોંપી દેવાનું ફલિત થાય છે અને તેથી ફરિયાદી મોટરકારની ચોરીના દિવસે મોટરકારના માલિક ન ગણાય અને ક્લેમ મેળવવા હકદાર ન ગણાય તેવું વીમા કંપનીનું જણાવવાનું હતું. જેથી ફરિયાદીએ ગ્રાહક સુરક્ષા અદાલતમાં ફરિયાદ કરવી પડેલી.

ફરિયાદી તરફે એડવોકેટ ઇશાન દેસાઇએ અદાલત સમક્ષ દલીલો કરતા જણાવ્યું હતું કે, મજકૂર મોટરકાર ચોરીના દિવસે RTO માં ફરિયાદીના નામે જ રજીસ્ટર્ડ થયેલી હતી. ફરિયાદીએ મજકૂર મોટરકાર કૃષ્ણકુમાર યાદવને વેચવાનો કોઇ કરાર કરેલ ન હતો. ફરિયાદવાળી મોટરકારનો ચોરીના દિવસે વીમો પણ ફરિયાદીના નામે ચાલતો હતો એટલે કે, ફરિયાદી ચોરાયેલ મોટરકારના માલિક અને વીમેદાર હતા. મોટરકારનો કબજો અન્યને આપવાથી માલિકી Insurable Interest પણ ફરિયાદીનો હતો બદલાયેલો ગણાય નહીં. જે સંજોગોમાં ચોરાયેલી મોટરકાર અંગેનો ક્લેમ સામાવાળા ફરિયાદીને ચૂકવવા જવાબદાર અને બંધાયેલા હતા અને છે.

વધુમાં, વીમા પોલીસીની કોઇ ટર્મ્સ એન્ડ કંડીશનનો ફરિયાદીના પક્ષે ભંગ થયો હોય તો પણ વીમા કંપની આખેઆખો કલેમ ચૂકવવાનો ઇન્કાર કરી શકે નહીં. પરંતુ ક્લેમની ૨કમમાંથી 25% ૨કમ કાપી 75% ૨કમ Non Standard Claim તરીકે ચૂક્વવા વીમા કંપની જવાબદાર થાય છે. સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડિશનલ) પ્રમુખ ન્યાયાધીશ એમ.એચ.ચૌધરી અને સભ્ય પૂર્વીબેન જોષીએ આપેલ ચુકાદામાં ફરિયાદીની ચોરાયેલ મોટરકારનો ક્લેમ Non Standard ધો૨ણે સેટલ કરી IDV Rs. 3,82,953/- ના 75% એટલે કે રૂ. 2,86,765/- વાર્ષિક 7% ના વ્યાજ સહિત તેમજ ખર્ચ/વળતરના બીજા રૂ. 5000/- સહિત ફરિયાદીને ચૂકવી આપવાનો સામાવાળા વીમા કંપની અને તેના બ્રાંચ મેનેજરને હુકમ કર્યો હતો.

Most Popular

To Top