Sports

મેચ પહેલા RCB ટીમને મોટો ઝટકો, આ ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સિઝન શરૂ થવાને એક અઠવાડિયું પણ નથી થયું અને ખેલાડીઓના ઈજાગ્રસ્ત (Injured) થવાની અને ટૂર્નામેન્ટમાંથી (Tournament) બહાર થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે વિરાટ કોહલીની (Virat Kohli) ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ખેલાડી રજત પાટીદાર (Rajat Patidar) ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ પહેલા હાર્દિક પંડ્યાના સુકાની ગુજરાત ટાઇટન્સને (GT) મોટો ઝટકો લાગ્યો હતો. ટીમનો સ્ટાર ખેલાડી અને ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હવે આટલો મોટો ઝટકો ફાફ ડુ પ્લેસિસની કેપ્ટન્સીમાં આરસીબીને લાગ્યો છે.

RCB ફ્રેન્ચાઇઝીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે
વિરાટ કોહલી આરસીબીનો પૂર્વ કેપ્ટન રહી ચૂક્યો છે. આરસીબીએ આ સિઝનમાં અત્યાર સુધી એક મેચ રમી છે, જેમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટથી હરાવ્યું હતું. હવે આ RCB ટીમ તેની બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમવાની છે. આ મેચ 6 એપ્રિલે જ કોલકાતામાં રમાશે. આ પહેલા RCBની ફ્રેન્ચાઇઝીએ ટ્વીટ કરીને મોટું અપડેટ આપ્યું છે.

કોલકાતા સામેની મહત્વની મેચ પહેલા RCBને મોટો ઝટકો લાગ્યો છે. આ જાણકારી ખુદ RCB ફ્રેન્ચાઇઝીએ ટ્વિટ કરીને આપી છે. RCBએ ટ્વીટમાં લખ્યું, ‘દુર્ભાગ્યવશ, રજત પાટીદાર એડીની ઈજાને કારણે IPL 2023ની સીઝનમાંથી બહાર થઈ ગયો છે. આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. કોચ અને મેનેજમેન્ટે હજુ સુધી રજતની બદલીનો નિર્ણય લીધો નથી. હવે જોવાનું રહેશે કે રજત પાટીદરાના બદલે આરસીબી કોને રિપલેસ કરે છે. આ પહેલા IPLની શરૂઆતના એક દિવસ પૂર્વે CSKના કેપ્ટન એમએસ ધોનીને પણ પ્રેક્ટિસ દરમિયાન ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું, સાથે જ ધોની પ્રથમ મેચ નહીં રમી શકે તેવી પણ વાત વહેતી થઈ હતી. જો કે ધોનીએ પ્રથમ મેચ રમી હતી.

કોહલી અને ડુ પ્લેસિસ શાનદાર ફોર્મમાં છે
આરસીબીએ આ સિઝનની પોતાની પ્રથમ મેચમાં મુંબઈની ટીમને કારમી હાર આપી હતી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈની ટીમે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને RCBએ 16.2માં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ મેચમાં કોહલીએ 49 બોલમાં 82 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 43 બોલમાં 73 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે ટીમ હજુ પણ સંપૂર્ણ ફોર્મમાં છે.

Most Popular

To Top