SURAT

આખરે, સુરતને ઈન્ટરનેશનલ એર કનેક્ટિવિટી મળી: અમેરિકા સહિત આ દેશોમાં ડાયરેક્ટ ફ્લાઈ કરી શકાશે

સુરત: એરકનેક્ટિવિટીના મામલે લાંબા અંતરાલ બાદ સુરતવાસીઓ માટે એક સારાં સમાચાર આવ્યાં છે. ઈન્ડિગો એરલાઈન્સની સુરતથી ઉપડતી ફલાઈટમાં તમે દિલ્હી, કોલકત્તા અને ગોવા પહોંચીને અમેરિકા, બ્રિટન અને માલદીવ જવા માટે વર્જિન એટલાન્ટિક એરલાઈન્સની ફલાઈટની કનેક્ટિવિટી મેળવી શકશો. માત્ર મુસાફરોએ ફલાઈટ જ બદલવાની રહેશે, આ દેશોની ડાયરેક્ટ એરટિકિટ સુરતથી પ્રાપ્ત બનશે.

  • ઈન્ડિગો એરલાઈન્સે સુરતને વર્જિન એટલાન્ટિક એરલાઈન્સ સાથે કોડ શેરમાં જોડાણ કર્યું
  • સુરતથી દિલ્હી,કોલકાતા,ગોવા પહોંચી વર્જિન એટલાન્ટિકની કનેકટિંગ ફ્લાઈટમાં વિદેશના ત્રણ દેશોમાં ઉડી શકશો : સુરતથી ડાયરેક્ટની એરટિકિટ પ્રાપ્ત બનશે

ઉલ્લેખનિય છે કે તાતા ગ્રુપની એરલાઈન્સ કંપનીઓનાં મર્જર પછી સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયાનું સ્થાન એર એશિયાએ લેતા સુરતનાં પેસેન્જરોએ ઇન્ટરનેશનલ ફ્લાઈટ કનેક્ટિવિટી ગુમાવી હતી. ‘વી વર્ક ફોર વર્કિંગ’ એરપોર્ટ ગ્રુપની રજૂઆતો પછી મોડે મોડે ઈન્ડિગો એરલાઈન્સે વર્જિન એટલાન્ટિક એરલાઈન્સ સાથે કોડ શેર જાહેર કર્યો છે.

વર્જિન એટલાન્ટિક એરલાઈન્સે ભારતના 34 શહેરો માટે કોડ શેર જાહેર કર્યો છે. એમાં સુરતનો પણ આખરે સમાવેશ કર્યો છે. એટલે કે, ઈન્ડિગો એરલાઈન્સ હવે સુરતથી સિંગલ પીએનઆર ટિકિટ પર વર્જિન એરલાઈન્સ જે વિદેશી ડેસ્ટિનેશન વાળા શહેરો સાથે સંકલાયેલું હશે એ શહેરોની કનેકટિંગ ફ્લાઈટની ટિકિટ આપી શકશે.

ઇન્ડિગોએ સુરત ઉપરાંત ભુવનેશ્વર, ભોપાલ, બાગડોગરા, ગ્વાલિયર, અલ્હાબાદ, બેહરાઈચ, ગૌહાટી, લખનૌ, જબલપુર, પટના, રાયપુર, શ્રીનગર, વારાણાસી, ગોવા-મોપા એરપોર્ટ સાથેનો કોડ શેર જાહેર કર્યો છે. આ કોડ શેરિંગથી સુરતથી દિલ્હી, કોલકાતા, ગોવા પહોંચી વર્જિન એટલાન્ટિકની કનેકટિંગ ફ્લાઈટમાં અમેરિકા, બ્રિટન, માલદીવની ફ્લાઈટ પકડી શકાશે.

નોંધનીય છે કે,  હાલમાં સુરતમાંથી એક માત્ર શારજાહની ડાયરેક્ટ ઈન્ટરનેશનલ ફ્લાઈટની કનેક્ટિવીટી છે. શારજાહ – સુરત ફ્લાઈટને 2018-19માં 2812, 2019-20માં 44,263, 2021-22માં 13,960 અને 2022-23 માં 21,988 પેસેન્જર મળ્યાં છે. 2021-22માં સુરતથી યુએઈનાં રસ -અલ- ખૈમા માટે 506 પેસેન્જરોની અને શ્રીલંકાનાં મત્તાલા માટે 770 પેસેન્જરની અવર જવર ચાર્ટર ફ્લાઈટમાં રહી હતી.

Most Popular

To Top