ખેરગામ : ખેરગામના ભૈરવી ગામમાંથી પસાર થતી ઔરંગા નદીમાં નાહવા પડેલા ભૈરવી ગામના બે બાળકોના ડૂબી જવાથી મોત નિપજતા બંનેના પરિવારમાં ભારે ગમગમી ફેલાઈ ગઈ છે.
ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ ખેરગામના ભૈરવી ગામના પટેલ ફળિયાનો મયંક કલ્પેશ પટેલ (ઉવ.12) અને ભાટડી ફળિયાનો જૈનમ ધર્મેશ પટેલ (ઉવ.12) બંને ખાસ મિત્ર સાયકલ લઈને અને અન્ય બે છોકરા સાથે ચાલતા ઔરંગા નદીના સામે કિનારે પેલાડી ભૈરવી ખાતે બપોર 2:30 કલાકે ઔરંગા નદીમાં નાહવા પડ્યા હતા. જેમાં મયંક અને જૈનમ બંને પાણીમાં ડૂબી જતા અન્ય બે છોકરાઓ ગભરાયા હતા. આજુબાજુના લોકોને બોલાવી લાવ્યા હતા.
સ્થાનિક તરવૈયાએ નદીમાં ડૂબેલા બંને બાળકોના મુતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ ખેરગામ પોલીસને થતા પીએસઆઇ જયદીપસિંહ ચાવડા પોલીસ ટીમ સાથે અને ખેરગામ મામલતદાર જીતેન્દ્ર સોલંકી પણ ઘટના સ્થળે ધસી ગયા હતા. જોકે ડૂબી ગયેલા બંને બાળકમાં મયંક અને જૈનમ ધો.7 અભ્યાસ કરતા હતા.
ચોર્યાસીના યુવાનનો મૃતદેહ આંબોલીમાં તાપી કિનારે મળ્યો
કામરેજ: મૂળ દેવભૂમિ દ્વારકા અને હાલ કામરેજના ચોર્યાસી ગામે સૂર્યાન્સીગ્રીન સિટીમાં મકાન નં.40માં રહેતા નગાભાઈ વજશીભાઈ ગોજીયાનો 27 વર્ષનો પુત્ર પાલાભાઈ ગત તા.24ના રોજ સવારે 9.30 કલાકે વતનથી અનાજ લઈને આવ્યો હતો. ઘરે શાક બનાવી નાંખો મંદિરે જઈને આવું છું તેમ કહી નીકળી ગયો હતો. બપોરે 1 વાગ્યા સુધી જમવા માટે ઘરે ન આવતાં ફોન કરતાં બંધ આવ્યો હતો. તપાસ કરતાં કોઈ ભાળ ન મળતાં આખરે કામરેજ પોલીસમથકમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. બુધવારે આંબોલીની હદમાં તાપી નદીના કિનારે સવારે 11.30 કલાકે પ્રજાપતિ ફળિયા પાસે મૃતદેહ મળી આવતાં કામરેજ પોલીસને જાણ કરી હતી. પોલીસ અકસ્માત મોત નોંધી પ્રાથમિક તપાસ કરતાં વતનમાં ખેતી કરવા માટે આપેલા રૂપિયા વાપરી નાંખ્યા હોવાથી પિતા ઠપકો આપશે તેમ લાગતાં મોતને વહાલુ કર્યુ હતું.