સુરત: (Surat) સુરત શહેર પોલીસ (Surat Police) દ્વારા શહેરના રસ્તાઓ અને હાઈવે પર દોડતા વાહનોની (Vehical) સ્પીડને અંકુશમાં લાવવા માટે ખાસ આયોજન કરાયું છે. રાજ્ય સરકાર તરફથી સુરત પોલીસને લેસર સ્પીડ ગનની (Laser Speed Gun) ભેટ મળી છે જેનાથી તેઓ ઓવર સ્પીડ (Over Speed) વાહનોને અંકુશમાં લાવી શકશે. આ લેસર ગનના ઉપયોગથી આકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે. એટલું જ નહીં મોડી રાત્રે શહેરના બ્રિજ પર કે રસ્તાઓ પર મોટરસાઈકલ રેસ કરતાં નબીરાઓને પણ પોલીસ લેસર સ્પીડ ગનની મદદથી દબોચી લેશે.
સુરતમાં મોટાભાગના અકસ્માત ઓવર સ્પીડને કારણે થાય છે. નક્કી કરેલી સ્પીડ મર્યાદા કરતાં વધુ સ્પીડથી શહેરમાં મોટરસાઈકલ, કાર તેમજ ભારે વાહનો દોડે છે. જેને કારણે અકસ્માત સર્જાય છે. પરંતુ હવે તેના પર અંકુશ મેળવવા માટે સુરત પોલીસ સજ્જ છે. સુરત શહેર ટ્રાફિક પોલીસને રાજ્ય સરકાર તરફથી નવી 30 લેસર સ્પીડ ગન ફાળવવામાં આવી છે. આધુનિક તકનીકનો ઉપયોગ કરી અકસ્માતમાં ઘટાડો કરવાનો લક્ષ્યાંક સાથે સુરત પોલીસ દ્વારા આજથી જ 30 પોઇન્ટ પર સ્પીડ ગનથી ઇ મેમો જનરેટ કરવાંની કામગીરી શરૂ કરવામાં આવશે.
સુરત શહેર પોલીસ કમિશનરે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે સ્પીડ ગનના ઉપયોગથી કોઈ પણ વાહનની ચોક્કસ સ્પીડ માપી શકાશે. સુરતમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે તેમજ લોકલ રોડ તેમજ નદીના ઉપરના બ્રિજો પર આ સ્પીડ ગનનો ઉપયોગ કરવામાં આવશે. વાહનોની જે ગતિ મર્યાદા છે તે જળવાશે. જેમકે ભારે મધ્યમ વાહનો માટે 40 કિલોમીટર, ફોર વ્હીલર માટે 60 કિલોમીટર, ટુ વ્હીલર માટે 50 કિલોમીટર, થ્રી વ્હીલર માટે 35 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો નાગરિકો હવે આ સ્પીડથી વધારે સ્પીડમાં જતા હશે તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી ઈ ચલાણ આપવામાં આવશે. આ સ્પીડ ગનની રેનજ ખૂબજ સારી છે. જેથી ખૂબજ દૂરથી ગતિ પકડી પડાશે સાથેજ તેની સ્પીડ અંગેના પુરાવા પણ આમા કેદ થઈ જાય છે. જેથી તેના આધારે વાહન ચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આના કારણે ઓવર સ્પીડમાં દોડતા વાહનો પર અંકુશ લાવી શકાશે. શહેરના માર્ગો વધારે સલામત બનશે. અકસ્માતની સંખ્યામાં ઘટાડો થશે.
આ અગાઉ સુરત શહેર પોલીસને 4 ઇન્ટરસેપ્ટર વાન તથા એક સ્પીડ ગન ફાળવવામાં આવી હતી. જેના દ્વારા અત્યાર સુધી પોલીસે 31 હજારથી વધુ ઈ ચલણ જનરેટ કરી દંડ વસુલ્યો છે. સુરતની વસ્તીમાં આશરે 14 લાખનો વધારો થયો છે જ્યારે વાહનોમાં 7.50 લાખનો વધારો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર 2022માં સુરતની વસ્તી 78 લાખ પર પહોંચી છે. જ્યારે દરેક પ્રકારના વાહનોની કુલ સંખ્યા 38.22 લાખ પર પહોંચી છે. તેવામાં આ લેસર સ્પીડ ગનના ઉપયોગથી અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવામાં મદદ મળશે.
પોલીસ જે ઇન્ટરસેપ્ટર વાનનો ઉપયોગ કરી રહી છે તેના કારણે પુર ઝડપે દોડતા વાહનોની સ્પીડ, વાહનનો ફોટો, વાહન નંબર, સ્થળની વિગત આધુનિક સિસ્ટમમાં મેળવી શકાય છે. એટલું જ નહીં કસુરવાર ગણાતા વાહન ચાલકોને સ્થળ પર જ ચલણ ઇસ્યુ કરી દેવામાં આવે છે. સ્પીડ લિમિટના કેસોમાં પુરાવાનાં સંગ્રહ માટે 1 ટીબી સુધીની ડ્રાઈવ પણ તેમા શામેલ હોય છે. એટલું જ નહીં તેનો કેમેરા 360 ડિગ્રી પર ફરીને રેકોર્ડિંગ કરી શકે છે.