સુરત: સુરતમાં એક રેરેસ્ટ ઓફ રેર કેસ જોવા મળ્યો છે. અહીં એક 13 વર્ષીય કિશોરીનું હૃદય છાતીથી આરપાર દેખાવા લાગ્યું હતું. નરી આંખે શરીરની અંદર ધબકતું હૃદય જોઈ કિશોરીના પરિવારજનો અને તબીબો પણ ચોંકી ગયા હતા. ખરેખર તો ટીબીના લીધે આ દીકરીને છાતીમાં કાણું પડી ગયું હતું અને તેમાંથી શરીરનો અંદરનું હૃદય જોઈ શકાતું હતું. આ કિશોરીની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશની વતની અને હાલ, પરિવાર સાથે રાંદેર વિસ્તારમાં રહેતી 13 વર્ષીય એક કિશોરીને ઓક્ટોબર, 2022માં સિવિલમાં ખસેડાઈ હતી. અશક્તિ અને હાથ- પગ, મોઢું સહિતનું આખું શરીર ફૂલેલું લાવી હતી. તેમજ છાતીના ભાગે સડો લાગેલો અને તેમાંય છાતીના ભાગે પડેલા કાણામાંથી ધબકતું હૃદય જોઈ તબીબો ચોંકી ઊઠ્યા હતા.
છાતીના મસલ્સ, ગળું, કાનની આગળ, આંખની ઉપર પાંપણ પાસે અને ફેફ્સાં સહિતના અવયવોમાં ફેલાયેલા ટીબી સાથે પાંચ માસ અગાઉ સિવિલમાં આવેલી રાંદેરની 13 વર્ષીય કિશોરીને અહીંના ટીબી ચેસ્ટ વિભાગના તબીબોએ નવજીવન બક્ષ્યું છે. પીડિત કિશોરીની એ હદે દયનીય દશા હતી, કે મસલ્સના ટીબીને લીધે તેણીના ગળાના નીચે છાતીના ભાગે કાણું પડી ગયું હતું. જે કાણામાંથી તેણીનું ધબકતું હૃદય જોઈ શકાતું હતું. નરી આંખે છાતીની આરપાર ધબકતું હૃદય જોઈ તબીબો પણ અવાક થઈ ગયા હતા. આ કિશોરીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં બે મહિનાની લાંબી સારવાર બાદ કિશોરીને તંદુરસ્ત કરી રજા આપવામાં આવી છે.
કિશોરીની સારવાર કરનાર તબીબો આ એક રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો હતો. રેસિડેન્ટ ડોક્ટર ધ્વની પટેલે જણાવ્યું હતું કે, 100માંથી બે કેસમાં એક કરતાં વધુ અવયવમાં ટીબી ફેલાય છે પરંતુ આ કેસમાં છાતીના મસલ્સ, ગળું, કાનની આગળ, આંખની ઉપર પાપણ પાસે અને ફેંફસા સહિતના અવયવોમાં ટીબી ફેલાયેલો હતો. વિભાગના વડા ડો. પારુલ વડગામા, ડો. ખ્યાતી શામળિયા, ડો. ભૂમિકા પટેલ, ડો. ગ્રીનીશ તમાકુવાલા અને પીડિયાટ્રિક વિભાગના ડો. પ્રીતિ પટેલ સહિતના તબીબોના માર્ગદર્શનમાં કિશોરીની સારવાર શરૂ કરાઈ હતી.