National

પંજાબ સરકારે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ પર NSA લગાવ્યો, અમૃતપાલ વેશ બદલીને ભાગ્યો

ચંદીગઢઃ ​​પંજાબમાં (Punjab) છેલ્લા 2-3 દિવસથી અમૃતપાલ સિંહ (Amrutpal Singh) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમના સમર્થકો અને સહકાર્યકરોની ધરપકડ કરવામાં આવી રહી છે. ઘણા લોકો પોલીસ સ્ટેશનમાં આવીને આત્મસમર્પણ કરી રહ્યા છે પરંતુ ભાગેડુ જાહેર કરાયેલો અમૃતપાલ હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. દરમિયાન પંજાબ સરકારે આજે હાઈકોર્ટને જણાવ્યું કે અમૃતપાલ સિંહ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાગુ કરવામાં આવ્યો છે. સાથેજ પંજાબ પોલીસે અમૃતપાલનો નવો ચેહરો જાહેર કર્યો છે. પોલીસનું કહેવું છે કે અમૃતપાલ પોતાનો વેશ બદલીને ભાગ્યો છે.

પંજાબ સરકારને હાઈકોર્ટમાં ફટકાર
પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે પંજાબ સરકારને પણ ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે પંજાબ પોલીસના 80 હજાર જવાનો શું કરી રહ્યા છે? અત્યાર સુધી અમૃતપાલ સિંહ ફરાર છે. આ પંજાબ પોલીસની ગુપ્તચર નિષ્ફળતા છે. ઇન્ટેલિજન્સ સિસ્ટમ સંપૂર્ણ નિષ્ફળ છે. જણાવી દઈએ કે 18 માર્ચે પંજાબ પોલીસે અમૃતપાલ સિંહ અને તેના સંગઠન વારિસ પંજાબ દે વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે તેનો કેટલાય કિલોમીટર સુધી પીછો કર્યો જો કે તે ભાગવામાં સફળ રહ્યો ત્યારબાદથી તે ફરાર છે.

પંજાબમાં શાંતિ માટે કોઈ સમજૂતી નહીં
આ પહેલા ભગવંત માને એક નિવેદનમાં કહ્યું હતું કે પંજાબમાં શાંતિ અને સૌહાર્દને બગાડવાનો પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પંજાબની શાંતિ અને સૌહાર્દ અને દેશની પ્રગતિ અમારી પ્રાથમિકતા છે. અમે દેશ વિરૂદ્ધ કામ કરનાર કોઈપણ બળને છોડીશું નહીં. અમૃતપાલ દેશવિરોધી શક્તિઓના હાથમાં રમી રહ્યો હતો અને તેમના કહેવા પર તેણે રાષ્ટ્ર વિરોધી નિવેદનો કર્યા હતા.

‘વારિસ પંજાબ દે’ના કાનૂની સલાહકારે અરજી દાખલ કરી
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં ‘વારિસ પંજાબ દે’ સંસ્થાના પ્રમુખ અમૃતપાલ સિંહની ગેરકાયદેસર અટકાયતનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ભટિંડાના રહેવાસી ઈમરાન સિંહે હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. તેણે કહ્યું હતું કે અરજદાર ‘વારિસ પંજાબ દે’ સંસ્થાના કાયદાકીય સલાહકાર છે. દીપ સિદ્ધુ આ સંસ્થાના વડા હતા અને તેમના મૃત્યુ બાદ આ પદ અમૃતપાલે સંભાળ્યું હતું. 18 માર્ચે કેન્દ્ર સરકારે પંજાબ સરકાર સાથે મળીને અમૃતપાલને જાલંધરથી ગેરકાયદેસર કસ્ટડીમાં લીધો હતો.

અરજદારે રજૂઆત કરી હતી કે અમૃતપાલ સિંહને ગેરકાયદેસર કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેનું કારણ સમજાવવામાં આવ્યું નથી. અમૃતપાલના પરિવારના સભ્યોને પણ આ સંદર્ભમાં જાણ કરવામાં આવી રહી નથી. તેના જીવને મોટો ખતરો છે. અરજદારે હાઈકોર્ટને અપીલ કરી હતી કે તેને સુરક્ષિત ગેરકાયદે કસ્ટડીમાંથી મુક્ત કરવા માટે નિર્દેશ જારી કરવામાં આવે. આ સાથે પંજાબ સરકારને વોરંટ ઓફિસરની નિમણૂક કરવા માટે સૂચના જારી કરવાની પણ અપીલ કરવામાં આવી હતી. હવે આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે પંજાબ સરકારને ફટકાર લગાવી છે.

Most Popular

To Top