સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં ઘરમાં એકલી પરિણીતા સાથે બનેલી ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. 23 વર્ષીય પરિણીતાની છેડતી તેના મૃત પિતાના જૂના મિત્રએ કરી છે. પરિણીતા અમરોલી વિસ્તારમાં આવેલા પિયરના ઘરમાં એકલી હતી ત્યારે પિતાનો જૂનો આધેડ વયનો મિત્ર તેને પાછળથી વળગી પડ્યો હતો અને બળજબરીપૂર્વક બેડરૂમમાં લઈ જવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિણીતાએ બૂમાબૂમ કરી મુકતા તે ભાગી ગયો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા અમરોલી પોલીસે તપાસ શરૂ કરી છે.
ડભોલી બ્રિજ પાસે જહાંગીરપુરા વિસ્તારમાં પતિ, બાળકો અને સાસુ-સસરા સાથે રહેતી 23 વર્ષીય પરિણીતાએ અમરોલી પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં કહ્યું કે પોતે પિયર અમરોલી ખાતે રહેવા ગઈ હતી ત્યારે તા. 20મી માર્ચના રોજ તેની છેડતી થઈ હતી. તે દિવસે સવારે માતા-બહેન કોઈ કામ અર્થે જતા રહ્યાં હતાં ત્યાર બાદ તે અને તેનો ભાઈ ઘરમાં એકલા હતા.
દરમિયાન બપોરના 2 વાગ્યના સમયે મૃત પિતાના જૂના આધેડ વયના મિત્ર પંકજ પોપટ મોરડીયા (રહે. સહજાનંદ સોસાયટી, કાપોદ્રા) માતા અને બહેનને મળવા માટે આવ્યા હતા. પરંતુ તેઓ બંને ઘરે ન હોવાનું પરિણીતાએ જણાવ્યું હતું. જોકે પિતાના જૂના મિત્ર હોય ઘરમાં અંદર બેસવા તથા ચા પીવાનો પરિણીતાએ આગ્રહ કર્યો હતો.
દરમિયાન પરિણીતાના ભાઈની ધો. 12ની પરીક્ષા હોય તે ઘરેથી નીકળી ગયો હતો અને ઘરમાં પિતાના જૂના મિત્ર પકંજ મોરડીયા અને પરિણીતા એકલા જ હતા. પરિણીતા રસોડામાં ચા બનાવી રહી હતી ત્યારે એકાએક પંકજ મોરડીયા ત્યાં આવ્યા હતા અને પરિણીતાને પાછળથી વળગી પડ્યા હતા અને કહ્યું હતું , ”તું મારો દિકો છે, મને તારા જેવી છોકરીઓ બહુ ગમે છે”.
આ સાથે જ પંકજ મોરડીયા પરિણીતાને શારીરિક અડપલાં કરવા લાગ્યા હતા ત્યારે હેબતાઈ ગયેલી પરિણીતાએ આરોપીને ધક્કો મારી દીધો હતો. છતાં આરોપી અટક્યો નહોતો અને હાથ પકડી પરિણીતાને બેડરૂમમાં લઈ જવા પ્રયત્ન કર્યો હતો તેથી પરિણીતાએ બૂમાબૂમ કરી દીધી હતી, જેના લીધે આરોપી પંકજ મોરડીયા ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
આ મામલે પરિણીતાએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.