SURAT

આ કારણના લીધે સુરતની ઓળખ સમાન ઉત્રાણનો 30 વર્ષ જૂનો ટાવર તંત્રએ તોડી પાડ્યો : VIDEO

સુરત: આજથી ત્રણ દાયકા પહેલાં અમદાવાદથી ટ્રેનમાં સુરત આવતા મુસાફરોને તાપી નદી પહેલાં ઉત્રાણનું પાવરહાઉસ જોઈને ખ્યાલ આવી જતો હતો કે સુરતનું સ્ટેશન હવે નજીક છે. આ પાવરહાઉસનું ટાવર બાદ તાપી નદીનો પુલ અને ત્યાર બાદ રેલવે સ્ટેશન આવતું હતું. તે સુરતની ઓળખ સમાન ઉત્રાણ પાવર હાઉસનું કુલિંગ ટાવર આજે તોડી પાડવામાં આવ્યું છે. 30 વર્ષ જૂનો આ ટાવર માત્ર 7 સેકન્ડમાં જમીનદોસ્ત થઈ ગયો છે, જેનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સુરતના ઉત્રાણ વિસ્તારમાં ગેસ આધારિત પાવર સ્ટેશન આવેલું છે. અહીં 30 વર્ષ પહેલાં 85 મીટર ઊંચું કુલિંગ ટાવર બનાવવામાં આવ્યું હતું. આ ગેસ પાવર સ્ટેશન અને કુલિંગ ટાવર બનાવાયું ત્યારે ઉત્રાણની વસ્તી સાવ ઓછી હતી. તેથી જ ત્યાં પાવર સ્ટેશન બનાવાયું હતું, પરંતુ હવે અહીં વસ્તીનો જાણે વિસ્ફોટ થયો છે. ઉત્રાણ, ઉત્રાણ વીઆઈપી રોડ સહિતના વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેણાંક સોસાયટી, એપાર્ટમેન્ટ બની ગયા છે.

કંટ્રોલ બ્લાસ્ટિંગ ઈમ્પ્લોઝન ટેકનીકથી આ રીતે ટાવર તોડી પડાયું
આજે પાવર સ્ટેશનના આ 85 મીટર ઊંચા કુલિંગ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટિંગ ઈમ્પ્લોઝન ટેક્નીકથી તોડી પાડવામાં આવ્યો હતો. આ ટેક્નીક હેઠળ 250 કિલો ડાયનામાઈટનો ઉપયોગ કરાયો હતો. પિલરમાં હોલ કરવામાં આવ્યા અને એમાં પ્રવાહી સ્વરૂપનું એક્સપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું. આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરવામાં આવ્યા હતા અને એ હોલની અંદર આ એક્સપ્લોઝિવને મૂકી દેવામાં આવ્યા હતા. ડાયનામાઈટથી બ્લાસ્ટ કરીને 30 વર્ષ જૂના ટાવરને માત્ર 7 સેકન્ડમાં જમીન દોસ્ત કરી દેવાયો હતો.

બ્રિજ, ટેરેસ પર ચઢી ટાવરને તૂટતાં લોકોએ જોયું
આ ટાવર બન્યું ત્યારે સુરતના કોટ વિસ્તાર ઉપરાંત કતારગામ, અમરોલી, વરાછામાં વસ્તી હતી, પરંતુ ઉત્રાણમાં એટલી વસતી નહોતી, પરંતુ આજે તો ઉત્રાણમાં ખૂબ મોટી વસતીનો વસવાટ છે. આજે આ 30 વર્ષ જૂના ટાવરને જમીન દોસ્ત કરવાનું હોય સવારથી જ આસપાસના એપાર્ટમેન્ટ, મકાનોમાં રહેતા લોકો ટેરેસ પર ચઢી ગયા હતા. કેટલાંય લોકો બ્રિજ પર થોભી ગયા હતા અને ટાવરને ધ્વસ્ત થતા જોયું હતું. આ ટાવરને તૂટતો જોવા આસપાસના લોકો ખૂબ આતુર હતા. તેઓ સવારથી જ ઘરોની બહાર, ટેરેસ પર ઉભા રહી ગયા હતા. કેટલાંક તો ખુરશીઓ ગોઠવી બેસી ગયા હતા. 11 વાગ્યા પહેલાં કામકાજ છોડી લોકો ટાવર તૂટતો જોવા ગોઠવાઈ ગયા હતા. કેટલાંકે મોબાઈલમાં આ દ્રશ્ય કેદ કર્યા હતા

આ કારણોસર તોડી પડાયો ટાવર
સુરતના ઉત્રાણ વિસ્તારમાં ગેસ બેઈઝ પાવર સ્ટેશન આવેલું છે. આ પાવર સ્ટેશનમાં 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ કાર્યરત છે. જેમાં 135 મેગા વોટ પ્લાન્ટ જૂનો છે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન અનુસાર નક્કી કરાયેલા વર્ષો બાદ જુના પ્લાન્ટને તોડવો પડતો હોય છે. નિર્માણ બાદ 30થી 35 વર્ષ બાદ એને ડિમોલિશન કરવાનો હોય છે. સુરત ઉત્રાણ કૂલિંગ ટાવર વર્ષ 1993માં બનાવવામાં આવ્યો હતો. એને 2017માં 30 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા આ કૂલિંગ ટાવરના ડિમોલિશન માટે નિર્ણય લઇ લેવાયો હતો. ઉત્રાણ પાવર સ્ટેશનનો 135 મેગા વોટના પ્લાન્ટને તોડવાની કામગીરી છેલ્લાં બે વર્ષથી ચાલી રહી હતી. આજે છેલ્લો બ્લાસ્ટ કરી તેને જમીનદોસ્ત કરાયો છે.

Most Popular

To Top