જમીનોમાંથી ભુમાફિયાઓને ખદેડવા માટે હાલ સરકાર દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જે અંતર્ગત ઠાસરા તાલુકાના જાખેડ ગામમાં આવેલ ગૌચર જગ્યામાં પાંચ પરિવારો દ્વારા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલાં કાચા મકાનોને તોડી પાડી જમીન, પંચાયત હસ્તક લેવામાં આવી હતી. ઠાસરાના જાખેડ ગામના નવીનગરી વિસ્તારમાં ગૌચર જમીન આવેલી છે. આ જમીનમાં છેલ્લાં 30 વર્ષોથી પાંચ જેટલાં પરિવારો કાચા મકાનો બનાવીને રહે છે. દરમિયાન આ જમીન ખાલી કરાવવા માટે ગ્રામપંચાયત દ્વારા પાંચેય પરિવારોને નોટીસ પાઠવવામાં આવી હતી.
જોકે, તેઓ દ્વારા જગ્યા ખાલી કરવામાં આવી ન હતી. જેથી ગ્રામપંચાયતના સરપંચ લક્ષ્મણભાઈ પરમાર તેમજ તલાટી મોનાલીબેન સહિતની પંચાયતની ટીમ આજરોજ પોલીસ પ્રોટેક્શન સાથે જે.સી.બી લઈને સ્થળ પર પહોંચી હતી અને ગૌચરની જગ્યા પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ તમામ કાચા મકાનો તોડી પાડી, જમીન પંચાયત હસ્તક લીધી હતી. પંચાયતની આ કામગીરીને પગલે પાંચેય પરિવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દબાણકર્તાંઓએ સરપંચની કામગીરી ઉપર સવાલો પણ ઉઠાવ્યા હતાં.
ગૌચર જગ્યામાં બનેલી દ્વારકેશ સોસાયટી ઉપર તંત્રની દ્વારા રહેમનજર
ગૌચરની જગ્યામાં દબાણ કરનાર રોહિતભાઈ કિરીટભાઈ પરમાર જણાવે છે કે, અમે આ જગ્યા પર છેલ્લાં 30 વર્ષથી રહેતાં હતાં. અત્યારે અમે રોડ પર આવી ગયાં છે. ડાકોર-ઉમરેઠ રોડ પર ગૌચર જમીનમાં જ દબાણ કરી દ્વારકેશ સોસાયટી બનાવવામાં આવી છે. પરંતુ, તંત્ર દ્વારા આ સોસાયટી ઉપર રહેમનજર દાખવવામાં આવે છે. ગામમાં અન્ય પણ ઘણાં ગેરકાયદેસર દબાણો તોડવામાં તંત્રને રસ નથી. પરંતુ, અમારા જેવા ગરીબોના દબાણો તોડી પાડવામાં આવે છે. આ મામલે અમે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીશું. તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.
દ્વારકેશ સોસાયટીનું ગૌચર જમીનમાં દબાણ હશે તો તે પણ તોડી નંખાશે – સરપંચ
જાખેડ ગામના સરપંચ લક્ષ્મણસિંહ પરમાર આ મામલે જણાવે છે કે, ડાકોર-ઉમરેઠ રોડ પર આવેલ દ્વારકેશ સોસાયટીનું જો ગૌચર જમીનમાં દબાણ હશે તો તે પણ તોડી પાડવામાં આવશે. આ ઉપરાંત ગામની સરકારી અન્ય અડચણરૂપ દબાણોને પણ વહેલીતકે તોડી પાડીશું.