SURAT

શારજાહથી સુરત બુરખો પહેરી આવેલી બે મહિલાઓ પાસેથી આ વસ્તુ મળી

સુરત: સુરત શહેરના એરપોર્ટ પરથી બે બુરખાધારી મહિલાઓ પકડાઈ છે. આ મહિલાઓ બુરખાની અંદર કિંમતી વસ્તુ છુપાવીને લાવી રહી હતી ત્યારે એરપોર્ટ પર ફરજ બજાવતા અધિકારીઓ બંનેને ઝડપી પાડ્યા હતા. હાલ બંનેની પૂછપરછ ચાલી રહી છે.

સુરત એરપોર્ટ પરથી કસ્ટમ ડિપાર્ટમેન્ટે મૂળ સુદાન દેશની બે બુરખાધારી મહિલાઓને પકડી છે. આ બંને મહિલાઓએ બુરખાની અંદર સોનાની જ્વેલરી છુપાવી હતી. બંને મહિલાએ અંદાજે 1 કિલો સોનાના ઝવેરાત દાણચોરીના ઈરાદે છુપાવ્યા હતા. કસ્ટમના અધિકારીઓએ પૂછપરછ કરતા પહેલાં તો બંને મહિલાઓએ પોતે સુરતમાં કાપડ ખરીદવા આવી હોવાનું કહી અધિકારીઓને ગેરમાર્ગે દોર્યા હતા. જોકે બંનેની હિલચાલ પર શંકા હોય કસ્ટમ અધિકારીઓએ કડકાઈથી પૂછપરછ કરતા બંને મહિલાઓ ઢીલી પડી હતી અને પોતે દાણચોરીના ઈરાદે સોનું છુપાવીને લાવ્યા હોવાની કબૂલાત કરી હતી.

બંને મહિલાઓ સુરતમાં સોનું વેચવા આવી હતી. અહીં સોનું વેચી તેઓ રૂપિયા કમાવવા માંગતા હતા. સુરત એરપોર્ટ મોટા શહેરોના એરપોર્ટની સરખામણીએ નાનુ હોય ચેકિંગ ઓછું હશે એમ માની તેઓ સુરત એરપોર્ટ પર લેન્ડ કર્યું હતું. વળી, સુરતમાં મોટા પ્રમાણમાં ડાયમંડ ગોલ્ડ જ્વેલરીનો વેપાર ફેલાયેલો હોય અહીં સરળતાથી સોનું વેચી રોકડી કરી લેવાની તેઓની ધારણા હતી, પરંતુ કસ્ટમના અધિકારીઓએ તેમની ઈચ્છા પર પાણી ફેરવી દીધું હતું.

સુરત કસ્ટમ ડિપાર્ટમેન્ટે બંને મહિલાઓની અટકાયત કરી પકડાયેલું 1 કિલો સોનું જપ્ત કરી લીધું છે અને આ મહિલાઓના કોના કહેવા પર સુરતમાં દાણચોરીનું સોનું લાવી અને અહીં સુરતમાં કોને આપવાની હતી તે દિશામાં તપાસ ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવા અનેકોવાર માંગ ઉઠતી રહે છે. હાલમાં સુરતમાં એક માત્ર શારજાહની કનેક્ટિવિટી ધરાવતી ફ્લાઈટ ઓપરેટ થાય છે. આ ફ્લાઈટનો ફાયદો ઉદ્યોગકારોને થઈ રહ્યો છે, પરંતુ તેનો દુરુપયોગ દાણચોરો દ્વારા કરાઈ રહ્યો છે.

અવાનવાર દાણચોર પકડાવાના કિસ્સા સુરત એરપોર્ટ પર બની રહ્યાં છે. ચોરી છુપીથી સોનું દાણચોરી કરી સુરતમાં લાવવા માટે દાણચોરો કેરિયરનો ઉપયોગ કરે છે. થોડા રૂપિયાની લાલચમાં કેરિયર કોઈકના વતી સોનું દાણચોરી કરી લાવે છે. વળી સોનાની દાણચોરી માટે આ લોકો અજબગજબ તરકીબો અજમાવે છે, કેટલાંક તો જીવ પણ જોખમમાં મુકી દે છે. મોજામાં, બૂટમાં, ટ્રોલી બેગમાં છુપાવીને લાવવાની રીતો જૂની થઈ હવે તો દાણચોરો સોનાને લિક્વીડ ફોર્મમાં અથવા કેપ્સુલ ફોર્મમાં કન્વર્ટ કરી ગુદામાં, પેટમાં છુપાવીને લાવતા હોય છે. આવા અનેક કેરિયર સુરત એરપોર્ટ પર પાછલા દિવસોમાં પકડાયા છે.

Most Popular

To Top