ગાંધીનગર: (Gandhinagar) અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ (Prasad) બંધ કરી દેવાનો વિવાદ હવે પીએમ નરેન્દ્ર મોદીના દરબાર સુધી પહોચી ગયો છે. ખાસ કરીને અંબાજી મંદિરના (Ambaji Temple) સ્થાપક એવા દાતા સ્ટેટના મહારાજા પરમવીર સિંહએ ટ્વિટ (Tweet) કરીને પીએમ મોદીને આ મામલે દરમ્યાનગીરી કરવાની અપીલ કરી છે.
- અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદનો વિવાદ હવે પીએમ મોદીના દરબાર સુધી પહોચ્યો
- મંદિરના સ્થાપક મહારાજા પરમવીર સિંહે ટ્વિટ કરી કહ્યું, મોહનથાળનો પ્રસાદ 900 વરસથી ભક્તોની આસ્થા સાથે જોડાયેલો છે
- પ્રધાનમંત્રીને આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરી
દાંતા સ્ટેટના મહારાજા પરમવીર સિંહએ પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કરીને લખ્યું છે કે, અંબાજી શક્તિપીઠ દુનિયામાં જગ વિખ્યાત છે અને ત્યાં મળતો મોહનથાળનો પ્રસાદ પણ ૯૦૦ વર્ષ અગાઉથી ભક્તોની આસ્થા સાથે જોડાયેલ છે તે બંધ કરવો તે યોગ્ય નહીં હોવાથી આપે હવે હસ્તક્ષેપ કરવો જરૂરી છે. કારણ કે ભક્તોની ધીરજ હવે ખૂટે છે.
અંબાજીમાં આદ્ય શક્તિમાં માઁ અંબાનું મંદિરનું વિક્રમ સંવત 1137થી એટલે કે આશરે (900 વર્ષ ઉપરાંત સમયથી) મહારાજા સાહેબ જસરાજસિંહ દાંતા સ્ટેટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું. ત્યારથી અહીં અવિરત પણે ચોખ્ખા ઘીમાંથી મોહનથાળનો પ્રસાદ બનાવીને માતાજીને ધરાવવામાં આવી રહ્યો છે. તેજ પ્રસાદ ભકતોને પણ અપાય છે, જે હવે બંધ કરીને તેના બદલે ચીકીનો પ્રસાદ શરૂ કરાયો છે.
વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ મંત્રી અશોક રાવલે પણ અંબાજીમાં કાર્યકરો સાથે એક દિવસીય ધરણાં આંદોલન કર્યું હતું એટલું જ નહીં માતાજીને મોહનથાળનો પ્રસાદ ધરાવ્યો હતો. રાવલે કહયું હતું કે, મોહનથાળનો પ્રસાદ બંધ થઈ જતાં છેલ્લા કેટલાં દિવસોથી મંદિરના ગર્ભ ગૃહમાં અજુગતુ બની રહ્યું છે, તેના પરચા મળી રહ્યાં છે. તેમ છતાં સરકાર ચીકીનો પ્રસાદ ચાલુ રાખવા માંગે છે, મોહનથાળનો પ્રસાદ આસ્થા – શ્રદ્ધાનું પ્રતીક છે, આ 900 વર્ષ જુની પરંપરા છે, તેને તોડવી જોઈએ નહીં .