SURAT

સુરત: મિલમાં ડ્રમ મશીનમાં મહિલાની સાડીની સાથે મહિલા પણ ખેંચાઈ જતા મોત

સુરત: (Surat) પાંડેસરા જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આવેલ મારૂતી ટેક્ટાઈલ (Textile) મીલમાં ગતરોજ સાંજે બનેલી દુર્ઘટનામાં 36 વર્ષિય મહિલાનું મોત નિપજ્યું હતું. મહિલા મિલમાં કામ કરતી હતી તે સમયે ડ્રમ મશીનમાં (Drum Machine) મહિલાની સાડી આવી જતા મહિલા પણ સાડી સાથે મશીનમાં ખેંચાઈ જતા તેનું મોત નિપજ્યું હતું.

  • પાંડેસરાની મારૂતિ ટેક્સટાઈલ મિલમાં ડ્રમ મશીનમાં મહિલાની સાડીની સાથે મહિલા પણ ખેંચાઈ ગઈ
  • પરિવારમાં ત્રણ બાળકો હોવાથી હજી છ મહિના પહેલાં જ ટુમ્પાદેવી મારૂતિ ટેક્સટાઈલ મીલમાં જોડાઈ હતી
  • ડ્રમ મશીનના કાપડ ખોલવાનું કામ કરતી વખતે તેણીની સાડી ફસાઈ જતાં બનેલી દુર્ઘટના
  • પરિવારે બાળકો માટે વળતરની માગણી કરી

નવી સિવિલ અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર મૂળ બિહારના ઔરંગાબાદ જિલ્લાના એકોની ગામના વતની દિનબંધુ પાંડે હાલમાં પરિવાર સાથે પાંડેસરાના વડોદ ગામમાં આવેલ રામલખનની ચાલમાં રહે છે. પરિવારમાં પત્ની ટુમ્પાદેવી( 36 વર્ષ) ઉપરાંત ત્રણ સંતાન છે. શ્રમજીવી પરિવાર હોવાથી દિનબંધુ પાંડેની એકલાની કમાણીથી પરિવારનું ભરણપોષણ થતું ન હોવાથી ટુમ્પાદેવી પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ મારૂતિ ટેક્ષટાઈલ મિલમાં નોકરી કરતી હતી. શનિવારના રોજ સાંજે મિલમાં ડ્રમ મશીનના કાપડ ખોલવાનું કામ કરતી વખતે ડ્રમ મશીનમાં ટુમ્પાદેવીની સાડી ફસાઈ ગઈ હતી. સાડીની સાથે ટુમ્પાદેવી પણ ડ્રમ મશીનમાં આવી ગઈ હતી. ગંભીર ઇજાના કારણે ટુમ્પાદેવીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

ટુમ્પાદેવી છેલ્લા 6 મહિનાથી મારૂતિ ટેકસટાઈલ મિલમાં નોકરી કરતી હતી. પાંડેસરા પોલીસે હાલ અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાના કારણે પરિવારમાં ભારે દુ:ખની સાથે રોષ જોવા મળ્યો હતો. ટુમ્પાદેવીના ભાઈ રોહિત રજકે ટુમ્પાદેવીના બાળકો માટે વળતરની માંગ કરી હતી.

બાંધકામ સમયે દરવાજો પડતાં મજૂરના બે વર્ષના દીકરાનું મોત
સુરત: સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગભેણી ચાર રસ્તા પાસે રવિવારે સવારે બાંધકામ ચાલતું હતું. ત્યારે દરવાજો પડતાં મજૂરના બે વર્ષના દીકરાનું મોત નીપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર ઉન પાટિયા પાસે ફૂટપાથ પર રહેતા બલસિંગ કટારા મૂળ મધ્યપ્રદેશનો વતની છે. અહીં પરિવાર સાથે રહી બાંધકામ સાઇટ પર મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. હાલમાં ગભેણી ચાર રસ્તા પાસે રાહત સોસાયટીમાં બાંધકામનું કામ ચાલતું હતું. સવારે પતિ-પત્ની કામ કરતાં હતાં અને તેની દીકરી સાથે દીકરો કાર્તિક (ઉં.વ.2) રમી રહ્યાં હતાં. એ સમયે અન્ય મજૂરોનાં બાળકો પણ રમી રહ્યાં હતાં. બાળકો રમતાં હતાં ત્યારે એક દરવાજો નીચે પડ્યો હતો. એ દરવાજાની નીચે 2 વર્ષિય કાર્તિક દબાઈ જતાં કાર્તિકનું મોત નીપજ્યું હતું. સચિન જીઆઈડીસી પોલીસે હાલ અકસ્માત મોતનો બનાવ નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top