સુરત: શહેરના અલગ-અલગ વિસ્તારમાં બે મહિલાઓની 108 એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરવામાં આવી હતી. બંને કેસમાં માતા અને બાળકોની તબિયત સારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 5 માર્ચના રોજ સાંજે 7.26 વાગે હીરાબાગ લોકેશનની 108 એમ્બ્યુલન્સને ડિલિવરી માટે કોલ આવ્યો હતો. તેથી એમ્બ્યુલન્સ ઘનશ્યામનગરમાં રહેતા સગર્ભા સંગીતાબેનના ઘરે પહોંચી હતી. સંગીતાબેનને આ બીજી ડિલિવરી અને 9 માસનો ગર્ભ હતો. 108ના સ્ટોફ એમ્બ્યુલન્સમાં સંગીતાબેનને રચના સર્કલ પાસે આવેલા કરંજ હેલ્થ સેન્ટર પર લઈ જતા હતા ત્યારે રસ્તામાં સંગીતાબેનને અચાનક દુ:ખાવો વધ્યો હતો અને બાળકનું માથું બહાર આવી રહ્યું હતું. તેથી રસ્તામાં એમ્બ્યુલન્સ ઉભી રાખીને ઇએમટી મોગરાબેને એક પણ ક્ષણ વેડફ્યા વગર સુઝબુઝથી ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો હતો. મોગરાબેને ડિલિવરી કરાવતા એક સ્વસ્થ અને તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ બાળકીને કરંજ હેલ્થ સેન્ટરમાં ન્યૂ બોર્ન કેર આપીને શિફ્ટ કરાવ્યા હતા.
તેવી જ રીતે 5 મી માર્ચના રોજ હીરાબાગ લોકેશનની 108 એમ્બ્યુલન્સને ડિલિવરી માટે કોલ આવ્યો હતો. તેથી એમ્બ્યુલન્સ અમરોલી વિસ્તારમાં આવેલ સતાધાર સોસાયટીમાં સગર્ભા રીનાબેન પ્રધાનને ત્યાં પહોંચી હતી. રીનાબેનને આ બીજી ડિલિવરી હતી. રીનાબેનને લઈને એમ્બ્યુલન્સ સ્મીમેર હોસ્પિટલ આવી રહી હતી ત્યારે રસ્તામાં રીનાબનને અચાનક દુ:ખાવો વધી ગયો હતો અને બાળક બહાર આવતું દેખાતા એમ્બ્યુલન્સમાં જ જ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. ઇએમટી અલ્પેશ ચૌહાણે સમય ન બગાડતા રસ્તામાં કતારગામ દરવાજા પાસે ડિલીવરી કરાવી હતી. 3.50 કિલો બજનના બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ રીનાબેન અને બાળકને સ્મીમેર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. બંને કેસમાં માતા અને બાળકોની તબિયત સારી છે.
ખેતરમાં કામ કરતી સગર્ભાને દુખાવો ઉપડ્યો, 108ની ટીમે ખેતરમાં જ ડિલિવરી કરાવી
સુરત: ડિંડોલીથી આગળ દેલાડવા ગામથી મોહિણી ગામ જવાના રસ્તા પર ખેતરમાં કામ કરતી સગર્ભાને દુ:ખાવો ઉપડતાં 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. 108 ટીમે મોહિણી જઈ ખેતરમાં ડિલિવરી કરાવી હતી. મહિલાને અધૂરા માસે ડિલિવરી થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર 108 એમ્બ્યુલન્સને કોલ આવ્યો હતો કે, દેલાડવાથી મોહિણી ગામે જતા રસ્તા પર આવેલા ખેતરમાં ગર્ભવતી મહિલાને દુખાવો ઉપડ્યો છે. આથી 108 એમ્બુલન્સની ટીમ તાત્કાલિક કોલવાળા સ્થળે પહોંચી હતી. ત્યાં ખેતરમાં કપડાંનું આડશ કરી સગર્ભા પિંકીબેન અવિનાશ જાજનરની ડિલિવરી કરાવી હતી. માત્ર 1.5 કિલો ગ્રામની બાળકીનો જન્મ થયો હતો. બાળકીનો જન્મ અધૂરા માસે એટલે સાતમા માસે થયો હતો. બાળકીને ત્યાંથી ઓક્સિજન આપી સ્થાનિક હોસ્પિટલ લઈ જવાઈ હતી.