બારડોલી: (Bardoli) બારડોલીના તેન ગામની સીમમાં બારડોલી-કડોદરા રોડ પરથી બારડોલીના લિસ્ટેડ બુટલેગર (Bootlegger) મુકેશ રાઠોડ સહિત બે જણા દારૂ સાથે ઝડપાયા હતા. પોલીસે ઇકો કારમાંથી 1.65 લાખના વિદેશી દારૂ (Liquor) સાથે કુલ 4.82 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમ રવિવારે રાત્રે બારડોલી ટાઉન પોલીસમથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, બારડોલીના સુરતીઝાંપા વિસ્તારમાં રહેતો મુકેશ ઉર્ફે મુકલો નટવર ઉર્ફે ભૂરિયો રાઠોડ એક ઇકો કારમાં તેના ડ્રાઇવર સાથે વિદેશી દારૂ ભરીને આવી રહ્યો છે અને તે બારડોલી-કડોદરા રોડ ઉપર તેન ગામની સીમમાં કેનાલ રોડ થઈ અલંકાર સિનેમા તરફ જનાર છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતાં જ પોલીસે તેને રોકવા ઈશારો કરતાં કારચાલકે કાર ઊભી રાખી દીધી હતી.
કારમાં તપાસ કરતાં અંદરથી 480 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત રૂ.1,65,600 રૂપિયા જણાવી હતી. પોલીસે દારૂ ઉપરાંત ઇકો કાર કિં.રૂ. 3 લાખ, રોકડા રૂ.15,890 અને બે મોબાઇલ ફોન મળી કુલ 4,82,490 રૂપિયાનો સામાન કબજે કર્યો હતો. પોલીસ મુકેશ રાઠોડ અને તેના ડ્રાઇવર અજય ધીરુ ખત્રીની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં મુકેશ રાઠોડે જણાવ્યું હતું કે, આ દારૂ મુકેશ ઉર્ફે મુન્નો માયપુર અશ્વિન ગામીત (રહે., ટીચકપુરા, તા. વ્યારા, જિ.તાપી) પાસેથી મંગાવ્યો હતો અને તેનો ડ્રાઇવર એક સ્વિફ્ટ કારમાં આપી ગયો હતો. જે હાલ તેઓ સગેવગે કરવા જઇ રહ્યા હતા. સુરત જિલ્લા એલ.સી.બી.એ બારડોલીના લિસ્ટેડ બુટલેગર દ્વારા કરવામાં આવી રહેલી દારૂની હેરાફેરી પકડી પાડી હતી. જ્યારે બારડોલી ટાઉન પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી.