સુરત: એક અજીબોગરીબ ઘટનામાં 52 વર્ષના આધેડે ઇમ્પ્લાન્ટ કરેલો દાંત એની મેળે નીકળીને ફેફસામાં ફસાઈ જતા આધેડને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. એક્સરેમાં દાંત ફેફસામાં નીચેના ભાગે ડાબી સાઈડમાં મજબૂત રીતે ફસાઈ ગયો હોવાનું જણાયું હતું. ડો. સમીર ગામીએ દોઢ કલાક સુધી ઓપરેશન કરીને દાંતને બહાર કાઢ્યો હતો.
- મોટાભાગે દાંત અન્નળીમાં ફસાય છે અને બાદમાં શૌચમાં નીકળી જાય
- બે કલાકની બ્રોનકોસ્કોપી કર્યા બાદ ફેફસામાંથી દાંત બહાર કાઢવામાં આવ્યો: ડો. સમીર ગામી
જાણીતા ચેસ્ટ ફીજિશ્યન ડો. સમીર ગામીએ જણાવ્યું હતું. 52 વર્ષના એક આધેડે દાંત ઇમ્પ્લાન્ટ કરાવ્યો હતો. 21 મી ફેબ્રુઆરીના રોજ એની મેળે તે દાંત નીકળીને શરીરની અંદર ચાલી ગયો હતો. આધેડને એમ કે અન્નનળીમાં ગયો હશે તો શૌચમાં નીકળી જશે. એક અઠવાડિયું થઈ ગયું છતાં શોચમાં પણ દાંત નીકળ્યો નહતો. જોકે દાંત નીકળ્યો કે નહીં તે પણ તેમને ખ્યાલ આવ્યો ન હતો. બે દિવસથી તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.
તેથી એક્સરે કરાવતા એક્સરેમાં ખબર પડી કે દાંત ફેફસામાં ફસાઈ ગયો છે. ફેફસામાં અંદરના ભાગે ફેસાઈ જતા તે સહેલાઈથી નીકળી શકે એવી સંભાવના ન હતા. બીજી તરફ આધેડને છાતીમાં દુખતું હતું અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેથી યુનિક હોસ્પિટલમાં ડો. સમીર ગામીએ બે કલાક સુધી બ્રોનકોસ્કોપી કરીને ફેફસામાં ફસાયેલો દાંત બહાર કાઢ્યો હતો. તેમને ડો. પીન્ટુ ભાખરનો સારો સહયોગ મળ્યો હતો. ડો.સમીર ગામીએ જણાવ્યું હતું કે, ઇમ્પ્લાન્ટ કરેલો દાંત નીકળીને અન્નનળીમાં જાય એવું બને છે અને તે શૌચમાં નીકળી જાય છે પરંતુ આ કેસમાં દાંત ફેફસામાં ફસાઈ ગયો હતો. સામાન્ય રીતે દાંત ફેફસામાં ફસાતો નથી.