ભગવાન બુદ્ધના બધા જ ઉપદેશો અને લખાણોના અભ્યાસી એવા એક લેખક ભગવાન બુધ્ધ દ્વારા અપાયેલા ઉપદેશમાંથી નાની નાની વાતો શોધી સરસ નાની ઉપદેશાત્મક વાર્તાઓ લખે.પોતાની સરળ ભાષામાં ભગવાન બુધ્ધે આપેલો ઊંડો ઉપદેશ સમજાવી દે. એક દિવસ લેખક લખી રહ્યા હતા.પત્ની કોફી લઈને આવી અને થોડી વાર બાજુમાં બેઠી. કોફી પીતાં પીતાં પત્નીએ પૂછ્યું, ‘આપણે બૌદ્ધ ધર્મ પાળતા નથી પણ તમે ભગવાન બુધ્ધ વિષે કેટલું સાહિત્ય વાંચ્યું છે…સંશોધન કર્યાં છે …લખ્યું છે …મનન કર્યું છે તો આજે મારે જાણવું છે કે તમને તેનો શો ફાયદો થયો છે?
શું તમારામાં કોઈ ફેરફાર આવ્યો છે?’ લેખક હસ્યા અને બોલ્યા, ‘અરે, આ વાત તું પૂછે છે? શું તને મારામાં કોઈ ફેરફાર દેખાયો છે કે નથી દેખાયો? ’પત્ની બોલી, ‘તમે હવે હંમેશા ખુશ અને શાંત રહો છો. તે મેં નોંધ્યું છે, પણ આજે લખવાનું મૂકો, પહેલાં મને જણાવો કે તમને શો ફાયદો થયો છે?’લેખક બોલ્યા, ‘એક નહિ, અનેક ફાયદા થયા છે.સૌથી મોટો ફાયદો તેં કહ્યો તે જ છે કે હવે હું મનને સ્થિર રાખી હંમેશા શાંત રહી શકું છું અને હંમેશા મનને ખુશ જ રાખું છું.આજે હું ભગવાન બુધ્ધ દ્વારા સમજાવેલી વાત તને સમજાવું છું કે જો આપણે હંમેશા માટે શાંત રહેવું હોય તો રોજ રાત્રે શાંતિથી સૂવું જોઇએ.કોઈ ચિંતા વિના ,,,કોઈ ભાર વિના ,,,’પત્નીએ કહ્યું, ‘એ કઈ રીતે શક્ય બને કે રોજ રાત્રે તમે શાંતિથી સૂઈ શકો?’
લેખક બોલ્યા, ‘બે પ્રશ્ન મનને અને પોતાની જાતને પૂછવાનો. જો બંનેનો જવાબ હા માં મળે તો પરમ શાંતિથી સૂઈ શકાય.પહેલો પ્રશ્ન છે કે જાતને પૂછવું કે ‘આજે કરેલા મારા દરેક કામ અને કાર્યમાં મેં બરાબર મહેનત કરી કે નહિ? અને આ બધાં જ કાર્યો, વર્તન,મહેનત પાછળ રહેલા મારા ઈરાદા સારા જ હતા કે નહિ? જો આ પ્રશ્નનો જવાબ ‘હા’….મળે એટલે અડધો જંગ જીત્યા.’પત્નીએ તરત પૂછ્યું, ‘બીજો પ્રશ્ન?’લેખકે કહ્યું, ‘બીજો પ્રશ્ન આમ સાવ સહેલો છે અને આમ અઘરો …પ્રશ્ન છે ‘શું મારું હદય પૂર્ણપણે પવિત્ર છે? ’જો આ પ્રશ્નનો જવાબ પણ ‘હા’મળે હદયમાં કોઈના માટે કોઈ પણ ખરાબ ભાવના ન હોય.તો બસ શાંતિ સદા સાથે જ રહેશે અને શાંત મન સદા ખુશી ,આનંદ ,આપશે.આજે આ બે પ્રશ્ન જાતને પૂછીને જોજે.ધીમે ધીમે ભૂલો પણ સમજાશે અને ફરક પણ આવશે.’લેખકે પોતાના અનુભવની સોનેરી વાત પત્નીને સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.